________________
૧૧૬
મંગલાચરણ,
તેમાં અંતે સફળતા મળતી નથી. બે દિવસ પ્રેમી પંખીડા આકાશમાં ઉડ્ડયન કરે ખરા ! પણ અંતે પ્રેમની પાંખો છેદાઈ જતાં તરફડતાં નીચે એવા પડે કે, ફરી પાછા ઊભા થઈ શકતા નથી. માતા-પિતા પોતાના વર્ષોના અનુભવથી કન્યાની પસંદગી કરીને વિવાહ કરે તે વૈવાહિક જીવન ચિરકાળ નભે છે. પણ આ કાળમાં તો યુવાનો જાતે પસંદગી કરવા જાય છે અને તેમાં અનુભવજ્ઞાનના અભાવે ભલભલાં ભણેલાં પણ થાપ ખાઈ બેસે છે ? જ્યારે મા–બાપ ભલે બહુ ભણેલાં ન હોય પણ ગણેલાં જરૂર હોય છે. તે જે કાંઈ કરી આવે તેમાં પાછા ન પડે. માટે પોતાના ગૃહસ્થાશ્રમને સુખમય બનાવવો હોય, તો માતા-પિતાનું બહુમાન કરવાપૂર્વક કેટલીક બાબતો તેમની પર જ છોડી દેવી જોઈએ.
શરતથી બંધનમાં આવીને કન્યાદાન કરવું તે આસુરવિવાહ કહેવાય અર્થાત કન્યા વિક્રય કરીને વિવાહ કરવો તે આસુરવિવાહ કહેવાય. માતા-પિતાની ઈચ્છા વિના જેમાં બલાતુકારે માતા-પિતાને ભય બતાવીને કન્યા લેવાય તે રાક્ષસ વિવાહ કહેવાય. કન્યા સૂતેલી હોય અથવા ગફલતમાં રહેલી કન્યાનું તેની ઈચ્છા વિરૂદ્ધ હરણ કરીને તેની સાથે વિવાહ કરી લે તે પશાચિકવિવાહ કહેવાય. છેલ્લા ચાર પ્રકાર કનિષ્ઠ કહેવાય. તેમાં પણ અપવાદ જરૂર છે. જે વર અને કન્યા બને પરસ્પર રાજીખુશી હોય અને બનેએ પોતાની સંપૂર્ણ અભિરૂચિથી સંબંધ જોડેલો હોય તો તે કનિષ્ઠ વિવાહ પણ શ્રેણમાં પલટાઈ જાય છે.