________________
૨૮૨
મંગલાચરણ
ઈર્ષ્યાળુ વ્યાપારીઓ પહેલાંથી સમય લઈને રાજાની પાસે પહોંચી ગયા. પહેલા તો બધી આડી અવળી વાતો કરી, ત્યાર પછી ધીમે રહીને મોદીની વાત પર આવ્યા. શરૂઆતમાં રાજાના પેટમાંથી ઝેર ઓકાવવા મોદીનાં વખાણું કર્યા. રાજાએ પણ મોદીની પ્રામાણિતા અને નીતિમત્તાનાં વખાણ કર્યા. વ્યાપારીઓને થઈ ગયું કે રાજાનું વલણ મોદી તરફનું જબરદસ્ત છે એટલે આપણે ગમે તેટલી દલીલો કરીશું તોએ રાજા નવો વળાંક લેશે નહીં અને વખતે આપણા પ્રતિ રાજાને અપ્રીતિ થઈ જશે કે આ બધા મોદી તરફની ઈષ્યને કારણે મારા કાનમાં ઝેર રેડવા આવ્યા છે. એટલે વ્યાપારીઓએ રાજાને સીધો પશ્ન કર્યો કે પ્રભુ ! રત્ન ઉપર અધિકાર કોનો હોય ? વ્યાપારીઓ રાજાની થોડી નબળી કડી જાણતા હતા. એટલે સીધો આવો પ્રશ્ન કર્યો. રાજાએ તરત કહ્યું કે રત્ન તો રાજદરબારે હોય. પછી તે ગજરત્ન હોય કે અશ્વરત્ન હોય. ત્યાં એક વ્યાપારીએ વચમાં ક્રોસ કર્યો કે પ્રભો ! સ્ત્રીરત્ન ક્યાં હોય ? બસ રાજાની નબળી કડી એ જ હતી કે તે પરસ્ત્રી લંપટ હતો. એટલે રાજાએ તરત કહ્યું કે સ્ત્રીરત્ન પણ રાજદરબારે હોય. રાજાનો આ પ્રત્યુત્તર સાંભળતાં વ્યાપારી આનંદમાં આવી ગયા કે આપણે દાવ સીધો પડી ગયો. હવે આપણે ફીકર કરવાની જરૂર નથી. જે કાર્ય માટે આવ્યા છીએ તે કાર્ય આપણું સિદ્ધ થઈ જવાનું. એમનું કાર્ય છે મોદીને પછાડવાનું અને તેને સ્ત્રીરત્નને રાજાને હવાલે કરાવવાનું. પણ મોદીના તેવા પુણ્ય પરવારી બેઠેલાં નહોતાં કે આ બધા ફાવી જાય. સામાન્ય મુસીબતમાં મુકાવવું પડે એ જુદી વાત પણ અંતે સત્યનો જય થાય છે.