________________
લલિતવિસ્તરા ભાગ-૨
ગુણોના અવલંબનથી શાંત થયેલું ચિત્ત ભગવાને બતાવેલા સૂક્ષ્મ રહસ્યને જાણીને તત્ત્વની પ્રાપ્તિનું અત્યંત અર્થી બને છે તે શુશ્રુષા છે.
તે શુશ્રષાવાળા મહાત્મા તત્ત્વના બતાવનારા ઉચિત ગુરુ આદિને કે ધર્મશાસ્ત્રને પ્રાપ્ત કરીને તેનું શ્રવણ કરે છે, જેના બળથી તત્ત્વના યથાર્થ નિર્ણયને અનુકૂળ શુશ્રુષાગુણ પ્રવર્તે છે તે વખતે ઘણાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ થાય છે; કેમ કે શુશ્રુષા ગુણકાળમાં પારમાર્થિક તત્ત્વને અભિમુખ ઇચ્છા પ્રવર્તે છે, તેથી તત્ત્વની પ્રાપ્તિમાં બાધક એવા ઘણા પાપપરમાણુઓ નાશ પામે છે, ત્યારપછી ઉપદેશના શ્રવણકાળમાં તત્ત્વનો યથાર્થ બોધ થવામાં બાધક ઘણાં જ્ઞાનાવરણીય આદિ ક્લિષ્ટ કર્મો નાશ પામે છે, વળી, ઉપદેશના શ્રવણના બળથી શાસ્ત્રના પારમાર્થિક અર્થમાત્રને ગ્રહણ કરે એવો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે તેના કરતાં પણ અનંતા જ્ઞાનાવરણીય આદિ પાપપરમાણુઓ નાશ પામે છે જેના દ્વારા શાસ્ત્રના પારમાર્થિક અર્થનો બોધ થાય છે, તે બોધ કર્યા પછી પણ તે મહાત્મા તે બોધને દઢ કરવા માટે પુનઃ પુનઃ ભાવન કરીને અવિસ્મરણરૂપ કરે છે ત્યારે તત્ત્વની પ્રાપ્તિમાં બાધક અનંત જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ થાય છે, આ રીતે સાંભળેલા અર્થને યથાર્થ ધારણ કર્યા પછી તત્ત્વના વિષયમાં અનાભોગ, સંદેહ અને વિપર્યય વગરનો જે યથાર્થ બોધ થાય છે તે વિજ્ઞાન છે અને તે વિજ્ઞાનની પ્રાપ્તિના કાળમાં પણ સૂક્ષ્મ માર્ગાનુસારી ચિત્તનું અવક્રગમન પ્રવર્તતું હોવાથી અનંત જ્ઞાનાવરણીય આદિ ક્લિષ્ટ કર્મો નાશ પામે છે. આ રીતે શાસ્ત્રના કોઈક સ્થાનનો યથાર્થ નિર્ણય કર્યા પછી ઊહ-અપોહ કરીને તે મહાત્મા શાસ્ત્રનાં અન્ય અન્ય વચનો વિષયક પારમાર્થિક અર્થનો નિર્ણય કરવા યત્ન કરે છે, તે યત્ન કરતી વખતે ઘણાં ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે.
આ રીતે જ્ઞાન-ઊહ-અપોહથી તત્ત્વના નિશ્ચયરૂપ અભિનિવેશ થાય છે ત્યારે પૂર્વના ગુણોથી થયેલ નિર્જરા કરતાં પણ ઘણાં ક્લિષ્ટ કર્મો નાશ પામે છે, આ પ્રકારના પ્રજ્ઞાગુણની પ્રાપ્તિ પ્રત્યે ભગવાનનું શરણું સ્વીકારીને પ્રગટ થયેલી વિવિદિષા પ્રબળ કારણ છે; કેમ કે ભાવથી ભગવાનનું શરણું સ્વીકારવાથી વીતરાગનાં વચનો વીતરાગતાના પારમાર્થિક બોધનું કારણ બને તે પ્રકારે જ શુશ્રુષાદિ ભાવોમાં યત્ન કરાવે છે, તેથી ભગવાનના શરણના બળથી તત્ત્વવિષયક શુશ્રુષાદિ આઠ પ્રજ્ઞાના ગુણો પ્રગટે છે અને તે ગુણો ઘણાં ક્લિષ્ટ કર્મોના નાશથી ઉત્તર-ઉત્તરના પ્રજ્ઞાગુણની પ્રાપ્તિનું કારણ બને છે, આ પ્રકારના યત્નથી તત્ત્વના યથાર્થ બોધમાં બાધક જ્ઞાનાવરણીય, તત્ત્વના પારમાર્થિક સ્વરૂપની રુચિમાં બાધક દર્શનમોહનીય અને તત્ત્વને સમ્યગુ પરિણામ પમાડવામાં બાધક ચારિત્રમોહનીયરૂપ સર્વ ક્લિષ્ટ કર્મો ક્રમસર નાશ પામે છે જે ભગવાનના શરણપૂર્વક ચિત્તના અવક્રગમનનું ફળ છે.
વળી, જેઓને કોઈક રીતે ધર્મબુદ્ધિ થઈ છે, તેથી ધર્મને સાંભળવાની વૃત્તિવાળા છે, શ્રવણ આદિ ક્રિયાઓ પણ કરે છે, તોપણ ભગવાનના શરણરૂપ વિવિદિષા વગર પ્રગટ થયેલા શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, આથી જ મુગ્ધબુદ્ધિથી ધર્મશ્રવણના અર્થી શ્રોતાઓ ઉપદેશકો પાસે ધર્મ સાંભળવાની ક્રિયા કરે છે, તોપણ વીતરાગના પારમાર્થિક સૂક્ષ્મ સ્વરૂપને સ્પર્શીને તતુલ્ય થવાના ઉપાયરૂપે તત્ત્વશ્રવણના અર્થી થયા નથી તેઓને ઉપદેશાદિ દ્વારા તે તે બાહ્ય ક્રિયા માત્રનો બોધ થાય છે, પરંતુ કઈ રીતે ચિત્તના