________________
શિવમયલ-સંપત્તાણું
૧૭૭.
ભાવમાં વર્તતા નથી, પરંતુ વિકૃતભાવમાં વર્તે છે અને મુક્ત આત્માઓ સાધના કરીને કર્મથી મુક્ત થયા છે, તેથી તેમનું વિકૃત સ્વરૂપ દૂર થયું છે, તેથી પોતાના સ્વરૂપમાં જ રહે છે તે તેમનું સ્થાન છે.
તેથી એ ફલિત થાય કે નિશ્ચયનયને અભિમત પોતાના સ્વરૂપમાં રહે છે, તેથી શિવ-અચલ આદિ વિશેષણોવાળા સિદ્ધના જીવો છે અને તેઓ સિદ્ધશિલા ઉપર વર્તે છે તેથી તે સિદ્ધક્ષેત્રરૂપ સ્થાનનો પણ તેમના આત્મા સાથે અભેદ કરવાથી શિવ-અચલ આદિ સ્થાનવાળા છે તેમ કહેલ છે, હવે તે સ્થાનના વિશેષણોને સ્પષ્ટ કરે છે –
સિદ્ધના જીવો આત્મામાં વર્તે છે અને સિદ્ધક્ષેત્રમાં વર્તે છે તે રૂપ સ્થાન સર્વ ઉપદ્રવથી રહિત હોવાને કારણે શિવ કહેવાય છે; કેમ કે અશિવ શબ્દ ઉપદ્રવનો વાચક છે અને સંસારી જીવો કર્મના ઉપદ્રવવાળા છે. તે ઉપદ્રવ નરકમાં અને નિગોદમાં અત્યંત પ્રકર્ષવાળો છે અને કંઈક પુણ્યના સહકારવાળા દેવભવમાં કે મનુષ્યભવમાં તે ઉપદ્રવ કંઈક અલ્પ છે, તોપણ સંપૂર્ણ ઉપદ્રવ રહિત ચાર ગતિમાંથી કોઈ ગતિ નથી, પરંતુ સિદ્ધિગતિ જ સર્વ ઉપદ્રવથી રહિત છે, તેને પામેલા સિદ્ધના જીવો છે.
વળી, સિદ્ધિગતિ અચલ છે; કેમ કે સ્વાભાવિક કે પ્રાયોગિક ચલનક્રિયાથી રહિત છે અર્થાત્ સંસારઅવસ્થામાં સંસારી જીવો પ્રાયોગિક ચલનક્રિયાવાળા હોય છે; કેમ કે કર્મના ઉદયથી સતત તેઓનું વીર્ય કોઈક યોગોમાં વર્તે છે અને કર્મથી મુક્ત થાય છે ત્યારે ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધના જીવો સ્વાભાવિક સિદ્ધશિલા ઉપર જાય છે, તોપણ ત્યાં ગયા પછી સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈ ચલનક્રિયા નથી, પરંતુ સિદ્ધશિલા ઉપર પ્રતિનિયત સ્થાનમાં અચલ જ વર્તે છે, તેથી અંતરંગ પણ વીર્ય વ્યાપારરૂપ ક્રિયા નથી અને આત્મપ્રદેશોમાં કંપનરૂપ ક્રિયા નથી, તેથી અચલ છે.
રુજા શબ્દ વ્યાધિમાં અને પ્રતિકૂળ વેદનામાં વપરાય છે. સિદ્ધ અવસ્થામાં શરીર અને કર્મ નહિ હોવાથી અંતરંગ મોહનો વ્યાધિ નથી અને શરીરને કારણે જે વેદનાઓ થાય છે તે વેદના પણ નથી, તેથી અવિદ્યમાન રાજવાળો છે; કેમ કે રુજના કારણભૂત શરીર અને મનનો અભાવ છે. સંસારી જીવોને શરીરને કારણે વેદનાઓ થાય છે અને મનને કારણે કાષાયિક ભાવારૂપ વ્યાધિ થાય છે, સિદ્ધના જીવોને તેનો અભાવ છે, માટે સિદ્ધનું સ્થાન અરુજ છે.
વળી, સિદ્ધમાં ગયા પછી તે સ્થાનમાં તેઓ સદા રહે છે, તેથી અનંત છે; કેમ કે કર્મ રહિત, શરીર રહિત એવા કેવલ આત્માનું સદા તે રૂપે અવસ્થાન હોવાથી અનંતપણું =અંત વગરનું અવસ્થાન છે માટે સિદ્ધના જીવો અનંત એવા સ્થાનને પામેલા છે.
વળી, સિદ્ધનું સ્થાન અક્ષય છે; કેમ કે વિનાશના કારણનો અભાવ છે, સામાન્યથી સંસારી જીવોનો દરેક ભવ આયુષ્યના ક્ષયથી વિનાશ પામે છે, જ્યારે સિદ્ધ અવસ્થા આયુષ્યના બળથી પ્રાપ્ત થયેલ નથી, પરંતુ કર્મ રહિત થવાથી પ્રાપ્ત થયેલ છે અને તેની પ્રાપ્તિ પછી તેના વિનાશનું કોઈ કારણ નથી, તેથી સતત અનશ્વર છે. વળી, સિદ્ધ અવસ્થા સર્વ બાધાઓથી રહિત છે; કેમ કે સિદ્ધ અવસ્થામાં આત્માનું અમૂર્ણપણું છે અને