________________
નમુન્થુણં સૂત્ર બોલવાનો વિધિ
૨૪૯
સાંભળીને અન્ય જીવોને પણ થાય કે ખરેખર પૂજ્યનું સ્વરૂપ આવું જ સ્વીકારવું ઉચિત છે, તેથી સ્તોત્રો સદ્વિધાનને કરનારાં હોવાને કારણે બીજા જીવોમાં માર્ગની પ્રાપ્તિ દ્વારા પ્રવચનની ઉન્નતિને કરનારાં હોય છે.
વળી, સ્તોત્ર બોલતી વખતે સ્થાનાદિમાં ઉપયોગ હોવાથી યોગની વૃદ્ધિ થાય છે, તોપણ તે મહાત્મા સ્તોત્ર બોલતી વખતે સ્તોત્ર બોલનારા અન્ય મહાત્માની ભક્તિમાં વ્યાઘાત ન થાય તે રીતે બોલે છે, તેથી પોતાની યોગવૃદ્ધિ પરિશુદ્ધ બને છે અર્થાત્ સ્થાનાદિના આલંબનને કારણે જે યોગવૃદ્ધિ થાય છે તે અન્યની ભક્તિમાં અંતરાય ન થાય તે રીતે યત્નથી બોલાય તો તે ઉપયોગ અત્યંત વિવેકવાળો હોવાથી પરિશુદ્ધ યોગવૃદ્ધિને પ્રાપ્ત કરે છે.
વળી, તે સ્તોત્ર બોલનારા મહાત્મા ભાવસાર પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી બોલે છે અર્થાત્ ભગવાનના ગુણોથી પોતાનું ચિત્ત વાસિત થાય તેવા ભાવપૂર્વક અને શક્તિના પ્રકર્ષથી તે ભાવોને સ્પર્શવા માટે ગંભીરતાપૂર્વક ઉપયોગ પ્રવર્તે તે રીતે પરિશુદ્ધ ગંભીર ધ્વનિથી તે સ્તોત્રો બોલે છે, તેથી તે મહાત્મા તે તે ભાવોથી સુનિભૃત અંગવાળા બને છે.
વળી, અનેક જણા સાથે સ્તોત્ર બોલતા હોય ત્યારે કોઈનો મોટો ધ્વનિ હોય તેમાં પોતાના ધ્વનિને પ્રવેશ કરાવીને ગુરુ ધ્વનિ અભિભવ ન થાય તે પ્રકારે સમ્યગ્ ઉપયોગપૂર્વક સ્તોત્ર બોલે છે. વળી, સ્તોત્રના શબ્દો અને અર્થોમાં અત્યંત ઉપયોગ હોવાને કારણે શરીરને મચ્છરાદિ દંશ આપે તેને પણ લક્ષ્યમાં લીધા વગર યોગમુદ્રાથી રાગાદિ વિષના પરમ મંત્રરૂપ મહાસ્તોત્રો બોલે છે; કેમ કે ભગવાનના ગુણોને કહેનારાં બધાં સ્તોત્રો વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શનારાં હોવાથી અનાદિકાળથી આત્મામાં સ્થિર થયેલા કષાય અને નોકષાયના પરિણામરૂપ જે વિષ છે તેને દૂર કરવા માટે પરમમંત્રરૂપ છે અને તેવાં સ્તોત્રોને તે મહાત્મા બોલે છે ત્યારે સ્તોત્રો બોલવાના કાળમાં તે મહાત્માનું ચિત્તસ્થાનયોગની મુદ્રા, ચૈત્યવંદન સૂત્રગત જે વર્ણો અને તે વર્ષોથી વાચ્ય જે અર્થ અને જિનપ્રતિમાદિ જે આલંબન તેમાં અત્યંત વ્યાપારવાળું હોય છે, તેથી જ્યારે મુદ્રામાં ઉપયોગ હોય છે ત્યારે તે મુદ્રાના બળથી વીતરાગ પાસે પોતે તે તે પ્રકારના યાચના આદિ કરે છે તેવા ભાવો ઉલ્લસિત થાય છે, વર્ણોમાં ઉપયોગ હોય છે ત્યારે તે સૂત્રોના વર્ણોનું કેમ સુવિશુદ્ધ ઉચ્ચારણ થાય તે પ્રકારનો વ્યાપાર હોય છે, અર્થમાં ઉપયોગ જાય છે ત્યારે તે સૂત્રોથી વાચ્ય જે ભગવાનના ગુણો છે તેને સ્પર્શનાર ઉપયોગ પ્રવર્તે છે, જિનપ્રતિમાનું આલંબન ગ્રહણ કરે છે ત્યારે ક્ષાયિકભાવવાળા વીતરાગ જ સ્મૃતિપટમાં સન્મુખ દેખાય છે અને તેમની સ્તુતિ કરીને હું તેમના તુલ્ય થવા યત્ન કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન વર્તે છે, આમ છતાં જે સાધુમાં કે શ્રાવકમાં તે પ્રકારની પૂર્ણ શક્તિનો સંચય થયો ન હોય તો સ્થાનાદિ ચારમાંથી જેનું આલંબન લેવા તે સમર્થ હોય તગત ચિત્તથી ચૈત્યવંદન કરે, આથી જ જેઓ ચૈત્યવંદનકાળમાં અર્થ અને આલંબનનું પ્રતિસંધાન ક૨વા સમર્થ નથી, તોપણ તેની પ્રાપ્તિની તીવ્ર સ્પૃહાપૂર્વક ચિત્તને સ્થાન-ઉર્ણમાં સ્થાપન કરે તોપણ તેમની ચૈત્યવંદનની ક્રિયા સફળ છે તે બતાવવા માટે પંજિકામાં યથાભવ્યનો અર્થ કરતાં સ્પષ્ટતા કરી કે સ્થાનાદિમાંથી જેની જેમાં શક્તિ હોય તગત ચિત્તથી કરવું જોઈએ.