________________
૨૦.
લલિતવિરારા ભાગ-૨ પામેલા ભગવાન છે, માટે સ્તુતિપાત્ર છે તેવો નિર્ણય થાય તો જ તેમની સ્તુતિ કરે, તેથી પ્રથમ સ્તોતવ્યસંપદાનો ઉપન્યાસ છે.
(૨) વળી, ભગવાન અરિહંત ભગવંત છે તેવું જાણ્યા પછી વિદ્વાનોને ભગવાન કઈ રીતે અરિહંત ભગવંત થયા તેની પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદાને જાણવાની ઇચ્છા થાય છે, તેથી ત્યારપછી બીજી સંપદા કહેલ છે. બીજી સંપદામાં કહ્યું કે ભગવાન આદિમાં સંસારને કરવાના સ્વભાવવાળા છે અને તીર્થંકર અને સ્વયં બોધ પામેલા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ ભવ્ય જીવ સાધારણ એવો ભગવાનમાં આદિકરણ સ્વભાવ છે; કેમ કે ભગવાન આદિમાં સંસારને કરનારા હતા, વર્તમાનમાં સંસાર કરનારા નથી, માટે સ્તોતવ્ય છે અને તીર્થકર અને સ્વયં બોધવાના છે, માટે સ્તોતવ્ય છે, તેમાં આદિકરણ સ્વભાવ સાધારણ હેતુ છે અને તીર્થંકરપણું અને સ્વયંબોધપણું અસાધારણ હેતુ છે તેના કારણે જ ભગવાન સ્તુતિપાત્ર બન્યા છે, તેથી હું પણ તેમની સ્તુતિ કરીને સંસારનો અંત કરું, જેથી આદિકરણ સ્વભાવ પ્રગટે અને તેવા પ્રકારની મારી યોગ્યતા હોય તો હું પણ તીર્થકર અને સ્વયંબોધવાળો થાઉં, એ પ્રકારની હેતુસંપદાથી સ્તુતિ કરવાથી વિદ્વાનને સ્તોતવ્યની પ્રાપ્તિનો હેતુ શું છે તેનો યથાર્થ બોધ થાય છે.
(૩) વળી, બીજી સંપદાનો બોધ થયા પછી બુદ્ધિમાન પુરુષો સ્તોતવ્યસંપદાની જ અસાધારણ હેતુસંપદાને જાણવાની ઇચ્છાવાળા થાય છે; કેમ કે વિચારક પુરુષો પરંપરાથી મૂલશુદ્ધિના અન્વેષણમાં તત્પર હોય છે, તેથી તેઓને ભગવાન સ્તોતવ્ય કેમ છે તેનો બોધ થયા પછી પરંપરાએ ભગવાન કેમ અરિહંત ભગવંત થયા તેની અન્વેષણાનો પરિણામ થાય છે, તેથી જણાય છે કે અન્ય ભવ્યજીવો કરતાં ભગવાન પુરુષોત્તમ હોવાને કારણે જ તીર્થંકરરૂપે ચરમભવમાં થયા અને સાધનાકાળમાં સિંહ અને પુંડરીક જેવા હતા, તેથી કર્મોને નાશ કરવા સમર્થ બન્યા અને ગંધહસ્તિ જેવા હોવાથી જ તેમની પુણ્યપ્રકૃતિથી સર્વત્ર ઉપદ્રવનું શમન થાય છે, તેથી ભગવાન અરિહંત ભગવંત થયા તેનું મૂળ કારણ ભગવાનની તેવી ઉત્તમતા છે, આથી જ કર્મોની સામે સિંહની જેમ પરાક્રમવાળા થયા અને પુંડરીકની જેમ સંસારમાં નિર્લેપ રહ્યા. આ પ્રકારનાં અરિહંત ભગવંત થવાનાં મૂળ કારણોને જાણીને એ સ્વરૂપે વિચારકને ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે.
(૪) આ રીતે ભગવાનનું સ્તોતવ્ય સ્વરૂપ જાણ્યા પછી અને તે સ્તોતવ્યના હેતુનું સ્વરૂપ જાણ્યા પછી ભગવાનનું તેવું અસાધારણ સ્વરૂપ પ્રાપ્ત થવા પ્રત્યે કોણ હેતુ છે તેની મૂળશુદ્ધિ કર્યા પછી વિચારકને જિજ્ઞાસા થાય કે આપણને ભગવાનનો સામાન્યથી શું ઉપયોગ છે; કેમ કે વિચારક પુરુષો ફલપ્રધાન આરંભ કરનારા હોય છે, તેથી ભગવાન આવા ગુણિયલ છે તોપણ આપણને તેમનો સામાન્યથી શું ઉપયોગ છે?તે બતાવવા માટે ચોથી સંપદાથી લોકોત્તમત્વ, લોકનાથત્વાદિરૂપ ભગવાનનું સ્વરૂપ બતાવાયેલ છે, જેથી મોક્ષમાર્ગમાં ચાલનારા જીવોને ભગવાન કઈ રીતે ઉપકારક છે, તેનો સામાન્યથી બોધ થાય છે; કેમ કે લોકના નાથ હોવાથી ઉચિત અનુશાસન આપે છે, લોકને માટે પ્રદીપતુલ્ય અને પ્રદ્યોત કરનારા હોવાથી ભગવાન લોકોને તે પ્રકારે ઉપકારક થાય છે, માટે ભગવાન જીવોને સામાન્યથી કઈ રીતે ઉપયોગી થાય છે તેવો બોધ થવાથી ફલપ્રધાનમાં આરંભ કરવાની પ્રવૃત્તિવાળા બુદ્ધિમાન પુરુષો ભગવાનની સ્તુતિમાં પ્રવૃત્તિ કરે છે.