________________
૨૩૬
લલિતવિસ્તારા ભાગ-૨
તેથી ચક્ષુથી દેવદત્તરૂપ એક વસ્તુ દેખાય છે અને તેને આશ્રયીને ભિન્ન ભિન્ન લોકોનો પિતા-પુત્રાદિનો વ્યવહાર પણ દેખાય છે, પરંતુ દર્શનથી જે દેખાય છે તેને આશ્રયીને વ્યવહાર પ્રવર્તે છે તે દેવદત્તરૂપ એક વસ્તુને જ અવલંબીને છે કે દેવદત્તરૂપ વસ્તુ એક છે અને પિતૃત્વાદિ ધર્મો તેમાં અનેક છે તેને આશ્રયીને પ્રવર્તે છે ? એ પ્રકારનો સ્વીકાર વિચારનો વિષય બને છે અને તેમ સ્વીકારવાથી શું પ્રાપ્ત થાય ? તેને કહે છે -
-
અને તે સ્વીકાર આ રીતે વિરોધ પામતો નથી એમ નહિ, પરંતુ વિરોધ પામે છે જ અર્થાત્ બૌદ્ધ દર્શનવાદી કહે છે કે સર્વથા નિરંશ એક દેવદત્તરૂપ વસ્તુ છે, છતાં તે અનેકનો સહકારી થઈ શકે છે તેમ સ્વીકારવામાં વિરોધ પ્રાપ્ત થાય છે જ. કેમ વિરોધ પ્રાપ્ત થાય છે ? તેને બતાવે છે – જો દેવદત્તરૂપ વસ્તુ નિરંશ એક સ્વભાવવાળી હોય તો અનેકને ભિન્ન ભિન્ન પ્રકારે બોધ કરાવવામાં તે સહકારી બને નહિ, પરંતુ બધાને આ દેવદત્ત છે તે પ્રકારે જ બોધ કરાવવામાં સહકારી બને અને દેવદત્તરૂપ એક વસ્તુ ભિન્ન ભિન્ન વ્યક્તિને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ બોધ કરાવવામાં સહકારી બને છે, તેથી દેવદત્તમાં અનેકને ભિન્ન ભિન્ન રૂપે સહકારી થવાનો સ્વભાવ છે તેમ માનવું જોઈએ અને તેમ સ્વીકારવાથી દેવદત્ત પુરુષરૂપે એક છે અને તેમાં વર્તતા પિતૃત્વાદિ ધર્મોથી અનેક છે જ અનુભવ અનુસાર સિદ્ધ થાય છે.
અને તે રીતે ભગવાન પણ પુરુષરૂપે એક છે અને તે તે સંપદાઓના ગુણોથી અનેક સ્વરૂપવાળા છે, આથી જ ભગવાનમાં તે અનેક ગુણો હોવાથી તે સ્વરૂપે તેમની સ્તુતિ વાસ્તવિક સ્તુતિ બને છે અને વાસ્તવિક ગુણોની સ્તુતિ કરવાથી સ્તોતવ્યના અવલંબનથી પોતાનામાં પણ પોતાના માનસવ્યાપારને અનુરૂપ તે તે ગુણો તેટલા તેટલા અંશથી પ્રગટ થાય છે, તેથી નમુન્થુણં સૂત્રમાં કરાયેલી સ્તુતિ સફળ છે એમ સિદ્ધ થાય છે.
લલિતવિસ્તરા ઃ
न चैकानेकस्वभावेऽप्ययमिति, तथादर्शनोपपत्तेः, न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव पुत्रवासनानिमित्तस्वभावत्वं, नीलपीतादावपि तद्भावापत्तेरिति परिभावनीयमेतत् ।
લલિતવિસ્તરાર્થ --
અને એક-અનેક સ્વભાવમાં પણ=દેવદત્તરૂપ એક વસ્તુના એક-અનેક સ્વભાવમાં પણ, આ=વ્યવહારનો વિરોધ, નથી જ; કેમ કે તે પ્રકારના દર્શનની ઉપપત્તિ છે, પિતાની વાસના નિમિત્ત એવું સ્વભાવપણું જ પુત્રની વાસના નિમિત્ત સ્વભાવપણું નથી જ, કેમ કે નીલપીતાદિમાં પણ તે ભાવની આપત્તિ છે=નીલ વાસનાના નિમિત્ત સ્વભાવપણું જ પિતાદિ વાસનાના નિમિત્ત સ્વભાવપણાની આપત્તિ છે, એથી એ પરિભાવન કરવું જોઈએ.
પંજિકા ઃ
अथानेकान्तेऽप्येकान्तपक्षदूषणप्रसङ्गपरिहारायाह