________________
૨૦૧
નમો જિણાણે જિયભચાણ ભાવાર્થ:
પૂર્વમાં અદ્વૈતવાદીની માન્યતાને સ્થાપન કરનારા ચાર શ્લોકો બતાવ્યા, તેમાં અદ્વૈતવાદીએ કહેલ કે બ્રહ્મમાંથી સંસારી જીવોનું વિચટન થયું છે તે સાદિ પૃથક્વ છે, અનાદિ પૃથક્વ છે, સહેતુક છે, અહેતુક છે એ વગેરે યુક્તિથી વિચારી શકાય નહિ, માટે વિચારકે તેનો વિચાર કરવો જોઈએ નહિ, પરંતુ જેમ કોઈ કૂવામાં પડેલો હોય તેને જોઈને આ કેમ પડ્યો તેની વિચારણા આવશ્યક નથી, પરંતુ તેને કૂવામાંથી બહાર કાઢવાના ઉપાયનું માર્ગણ જ આવશ્યક છે, તેમ સંસારરૂપી કૂવામાં પડેલા જીવોને કઈ રીતે બહાર કાઢવા જોઈએ, તેની વિચારણા વિચારકે કરવી જોઈએ, તેને ગ્રંથકારશ્રી કહે છે –
કૂવામાંથી બહાર કાઢવાના ઉપાયનું માર્ગણ પણ “ન વિચારરૂપ' નથી=વિચારના અભાવરૂપ નથી, પરંતુ વિચારરૂપ જ છે, તેથી જો બ્રહ્મમાંથી તેઓ કેમ છૂટા પડ્યા ઇત્યાદિ વિચાર કરવો ઉચિત ન હોય તો કૂવામાં પડેલાને બહાર કાઢવાના ઉપાય વિષયક પણ વિચારણા કરવી જોઈએ નહિ અર્થાતુ આ પુરુષ કૂવામાં પડ્યો છે તેને કયા ઉપાયથી કાઢી શકાશે તેનો વિચાર પણ કરવો જોઈએ નહિ.
અહીં પ્રશ્ન થાય કે બ્રહ્મમાંથી વિચટન થયેલા જીવો સાદિ છે, અનાદિ છે' ઇત્યાદિ અતીન્દ્રિય હોવાથી તેનો વિચાર થઈ શકે નહિ, તેથી તેનો વિચાર અનાશ્રયણીય છે, જ્યારે કૂવામાં પડેલા કોઈને જોઈને તેને કાઢવાના ઉપાયનો વિચાર તેવો નથી, તેથી તેના વિષયક વિચારણા કરવી ઉચિત છે, તેને ગ્રંથકારશ્રી કહે છે –
કૂવામાંથી બહાર કાઢવું એ કૂવામાં પડેલા જીવના ભાગ્યને આધીન છે અને તેનું ભાગ્ય કેવું છે તે યુક્તિથી દેખાતું નથી, તેથી હું પ્રયત્ન કરીશ તેના દ્વારા તે કૂવામાંથી નીકળશે તેનો નિર્ણય થઈ શકે નહિ; કેમ કે કૂવામાંથી નીકળવાનું તેનું ભાગ્ય ઇન્દ્રિયનો અવિષય છે, તેથી ત્યાં પણ યુક્તિથી વિચારી શકાય નહિ અર્થાત્ આ પ્રકારનો પ્રયત્ન કરીને કૂવામાં પડેલાને આપણે બહાર કાઢીએ તેનો વિચાર થઈ શકે નહિ, માટે ઇન્દ્રિયનો અવિષય હોય તેને યુક્તિથી વિચારી શકાય નહિ એમ કહેવામાં આવે તો કૂવામાં પડેલ પુરુષને કાઢવાના ઉપાયનું માર્ગણ પણ યુક્તિનો અવિષય હોવાથી તેનો વિચાર કરવો જોઈએ નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે શકુન શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પુરુષ શકુનાદિથી કે જ્યોતિષ શાસ્ત્રના બળથી આ પુરુષ કૂવામાંથી બહાર કાઢી શકાશે તેનો નિર્ણય કરે તો તેનું દૈવ બહાર નીકળવાને અનુકૂળ છે તેનો નિર્ણય થાય અને ત્યારપછી કયા પ્રયત્નથી તેને બહાર કાઢવો જોઈએ તેનો યુક્તિથી વિચાર કરવામાં આવે તો તે પુરુષનો કૂવામાંથી ઉત્તાર થઈ શકે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
આગમનો વિષય અતીન્દ્રિય હોવા છતાં આગમ દ્વારા અને યુક્તિ દ્વારા પદાર્થને જાણવામાં આવે તો ક્ય આગમ તત્ત્વને કહેનારા વચન સ્વરૂપ છે તેનો નિર્ણય થઈ શકે, તેથી જેમ કૂવામાં પડેલાના ઉત્તારણના વિષયમાં શકુનાદિ આગમ અને યુક્તિ દ્વારા પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો આગમના વિષયમાં પણ તેમ સ્વીકારી શકાય, માટે પૂર્વપક્ષીએ કહેલું કે સંસારમાં આવેલા જીવો સાદિ પૃથક્ત છે, ઇત્યાદિ વિચાર કરવા જેવું નથી, પરંતુ આગમના વચનથી જ સ્વીકારી લેવા જેવું છે તે તેનું કથન અયુક્ત છે, તો શું કરવું જોઈએ ? તેથી કહે છે –