________________
લલિતવિસ્તરા ભાગ-૨
વચનમાત્ર પ્રમાણ નથી, પરંતુ યુક્તિસંગત વચન પ્રમાણ છે, તે કારણથી વચનની પરીક્ષા કષાદિથી જે પ્રકારે થઈ શકે તેના અતિક્રમ વગર પરીક્ષા કરવી જોઈએ અને જે આગમનું કથન કષ-છેદ-તાપ ત્રણ કોટિથી પરિશુદ્ધ હોય અથવા જે આગમનું વચન આદિ, મધ્ય અને અવસાનમાં પરસ્પર વિસંવાદ વગરનું હોય તેવું નિર્દોષ વચન કયા દર્શનના આગમનું છે તેનો નિર્ણય કરવો જોઈએ અને તેવા વચનથી જ હેયઉપાદેયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. માત્ર આપણું આગમ છે એમ માનીને સ્યાદ્વાદ આદિનું વચન મૂઢતાથી સ્વીકારવું જોઈએ નહિ, પરંતુ શાસ્ત્રને સ્વીકાર્યા પછી શાસ્ત્રમાં કહેલાં વચનોને જાણીને યુક્તિ અને અનુભવ અનુસાર તે વચનને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ, જેથી સંસારના ઉચ્છેદના કારણીભૂત ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય. આથી જ કહ્યું છે કે જે પુરુષ માર્ગાનુસા૨ી બુદ્ધિથી આગમ દ્વારા વસ્તુને જાણે, ત્યારપછી અનુમાનરૂપ યુક્તિ દ્વારા તે વસ્તુનો નિર્ણય કરે અને સ્વઅનુભવરૂપ જે ધ્યાનનો અભ્યાસ છે તેના રસથી વસ્તુને જાણવા યત્ન કરે તો ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે, જેમ સર્વજ્ઞનું વચન સંસારની વ્યવસ્થા અને સંસારથી મુક્ત થવાની વ્યવસ્થા કઈ રીતે બતાવે છે તેનો નિર્ણય કોઈ કષ-છેદ-તાપથી કરે તો તેને જણાય કે સંસારથી મુક્ત થવાનો ઉપાય ભગવાને ક્રોધાદિ ચાર કષાયો, હિંસાદિ પાંચ અવિરતિ અને મિથ્યાત્વ દશના નિષેધરૂપ બતાવ્યો છે અને શુદ્ધ આત્માના પ્રગટીકરણના ઉપાયભૂત નિગ્રંથભાવની પ્રાપ્તિનું કારણ બને તેવા ધ્યાનઅધ્યયનને વિધિરૂપે મુક્ત થવાનો ઉપાય બતાવેલ છે, અને તે વિધિ-નિષેધને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો ભગવાને બતાવ્યાં છે, તેથી ભગવાનનું આગમ કષ-છેદ શુદ્ધ છે, માટે મોક્ષને અનુકૂળ વિધિ-નિષેધ છે તેવો નિર્ણય પરીક્ષાથી થાય, તો આ આગમ કષશુદ્ધ છે તેમ જણાય અને તેનો નિર્ણય ક૨વા માટે શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી વિચારાય તો ભગવાને કહેલ સર્વ અનુષ્ઠાનો કઈ રીતે રાગાદિનો ઉચ્છેદ કરવાનું કારણ બને છે અને આત્માની અસંગ પરિણતિરૂપ નિગ્રંથભાવનું કારણ બને છે તે સ્વઅભ્યાસના બળથી જણાય છે, તેથી શાસ્ત્રમાં કહેલ વિધિ-નિષેધ અને તેને પોષક ઉચિત અનુષ્ઠાનરૂપ છેદશુદ્ધિ શાસ્ત્રમાં છે અને તે સ્વઅનુભવથી જાણવા પ્રયત્ન કરે તો, યુક્તિ અને અનુભવથી કઈ રીતે સંસારનો ઉચ્છેદ થાય તેવો સૂક્ષ્મ તત્ત્વનો બોધ આગમથી થાય છે, તેનો નિર્ણય વિચારકને થઈ શકે છે.
૨૦૨
વળી, ભગવાનનું આગમ સ્યાદ્વાદને કહેનાર છે, તેથી આત્માને પરિણામી સ્વીકારે છે, સંસારઅવસ્થામાં આત્મા કર્મથી બદ્ધ છે અને કર્મથી મુક્ત થાય તો પૂર્ણ સુખમય મુક્ત અવસ્થાને પામે છે તે વ્યવસ્થા પરિણામી આત્મા સ્વીકારવાથી સંગત થાય છે અને નિપુણતાપૂર્વક ઉચિત અનુષ્ઠાન દ્વારા જે મહાત્માઓ યત્ન કરે છે તેઓ તે અનુષ્ઠાનના બળથી રાગાદિનો ક્ષય કરી શકે છે અને નિગ્રંથભાવમાં જઈ શકે છે તેવો યથાર્થ નિર્ણય જેઓને થાય છે તેઓ સર્વજ્ઞના વચનના પારમાર્થિક તત્ત્વને પ્રાપ્ત કરે છે અને તેનાથી તેઓને જણાય છે કે ભગવાનના વચનાનુસાર કરાયેલો ધર્મ આદ્ય ભૂમિકાનો પણ કષાયોના ઉપશમ દ્વારા સુખનું કારણ બને છે અને ભાવિ સુખની પરંપરાનું કારણ બને છે, મધ્યમ ભૂમિકાનો ધર્મ પણ ઉત્તરોત્તર સુખની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ બને છે અને અવસાનમાં પણ સર્વ કર્મથી મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવીને સુખનું કારણ બને છે. આ રીતે સર્વજ્ઞએ કહેલા શાસ્ત્રનાં સર્વ વચનો પરિપૂર્ણ શુદ્ધ છે તેનો યુક્તિથી નિર્ણય કરીને તે શાસ્ત્રવચનથી જ હિતમાં પ્રવૃત્તિ ક૨વી જોઈએ, જેથી ક્રમે કરીને ભગવાનની જેમ જિતભયત્વની પ્રાપ્તિ થાય.