________________
જિણાણ જાવયાણ
૧૩
ભાવાર્થ :
ચાર બૌદ્ધ મતો ઋજુસૂત્રાદિ નયોના એકાંત અવલંબનથી પ્રવર્તે છે, તેમાં ઋજુસૂત્ર નય અનુસાર ચાલનાર વૈભાષિક મત કહે છે કે જ્ઞાનથી સમન્વિત અર્થ છે અને તે જ્ઞાનના વિષયભૂત પદાર્થ ક્ષણિક છે અને જ્ઞાન પણ ક્ષણિક છે, તેથી પદાર્થની ક્ષણસંતતિ ચાલે છે અને જ્ઞાનની ક્ષણસંતતિ ચાલે છે, તેથી તે મતાનુસાર બાહ્ય પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે.
સૌત્રાંતિક મત બાહ્ય વસ્તુનો વિસ્તાર ક્ષણિક છે તેમ સ્વીકારે છે. પરંતુ બાહ્ય વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષથી થતું નથી, પણ જ્ઞાન થયા પછી બાહ્ય વસ્તુ છે તેનું અનુમાન કરાય છે; કેમ કે જ્ઞાન વસ્તુના આલંબનથી થાય છે અને વસ્તુનું આલંબન લઈને ઉત્તર ક્ષણમાં તે વસ્તુજન્ય પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે કાળમાં=વસ્તુના પ્રત્યજ્ઞ જ્ઞાનના કાળમાં વસ્તુ નથી; કેમ કે વસ્તુ ક્ષણિક હોવાથી તે વસ્તુ ઉત્તર ક્ષણમાં નાશ પામેલી છે, તોપણ તે વસ્તુને અવલંબીને થયેલું જ્ઞાન છે તેમાં નીલાદિ આકારોની પ્રતીતિ થાય છે તે પ્રતીતિ નીલાદિ આકારવાળી વસ્તુ ન હોય તો થઈ શકે નહિ, માટે પ્રત્યક્ષજ્ઞાન થયા પછી તે જ્ઞાનના આલંબનભૂત બાહ્ય પદાર્થ છે તેનું અનુમાન થાય છે. વળી, તે જ્ઞાનનું પ્રત્યક્ષ પોતાનું સ્વરૂપ જ છે; કેમ કે જ્ઞાન સંવેદન સ્વરૂપ છે તેમ સૂત્રાંતિકો માને છે.
વળી, યોગાચાર મતવાળા નિદ્રામાં હાથી, ઘોડા દેખાય છે, વસ્તુતઃ તે વખતે ત્યાં હાથી, ઘોડા નથી તેમ સંસારી જીવોને જે જ્ઞાન થાય છે તેના વિષયભૂત કોઈ બાહ્ય વસ્તુ નથી, પરંતુ ઘટાકાર-પટાકાર આદિ રૂપ જે સાકાર બુદ્ધિ છે તે જ વાસ્તવિક વસ્તુ છે તેમ માને છે.
વળી, માધ્યમિકો એવંભૂત નયનું એકાંત અવલંબન લઈને કહે છે કે સ્વચ્છ પરા સંવિતું તત્ત્વ છે, અન્ય સર્વ કલ્પિત વિદ્યા છે, તેથી સંસારી જીવોને બાહ્ય ઘટ-પટાદિરૂપ જ્ઞાન થાય છે તે ભ્રાંતિમાત્રરૂપ અસતું એવી અવિદ્યા છે, પરમાર્થથી કોઈ શેયના આકાર વગરનું સ્વચ્છ જ્ઞાન એ જ તત્ત્વ છે.
વળી, સૂત્રાંતિકો બુદ્ધને જિનરૂપે સ્વીકારે છે, તેમાં પંજિકાકારે બુદ્ધનાં અનેક નામો બતાવ્યાં તે વ્યુત્પત્તિઅર્થને કહેનારાં છે તે પ્રમાણે જિન પણ બુદ્ધનું નામ છે, તેથી તેઓ જિનને સ્વીકારે છે, પરંતુ બૌદ્ધની ચોથી શાખાના જે માધ્યમિકો છે તેઓ કલ્પિત અવિદ્યાવાદિ છે, તેથી તેઓના મતાનુસાર બાહ્ય પદાર્થો કલ્પિત છે, સંસારી જીવોને જે રાગાદિ થાય છે તે પણ કલ્પિત છે, પરમાર્થથી તેવો કોઈ પદાર્થ જગતમાં નથી, પરંતુ સ્વચ્છ જ્ઞાનની પરા સંવિત્તિ છે, જેની અંદર કોઈ શેયનું પ્રતિબિંબ નથી, માત્ર સ્વચ્છ જ્ઞાનની સંવિત્તિ છે. જેમ સ્વચ્છ દર્પણમાં કોઈનું પ્રતિબિંબ ન હોય તો પ્રતિબિંબ વગરનું સ્વચ્છ દર્પણ દેખાય છે, તેમ સ્વચ્છ પ્રકૃષ્ટ જ્ઞાનની સંવિત્તિ માત્ર જગતમાં છે એ સિવાય શેય વસ્તુ નથી, શેયના આકારવાળું જ્ઞાન નથી, રાગાદિના પરિણામવાળું જ્ઞાન નથી, તેથી રાગાદિ જ ન હોય, પરંતુ કલ્પિત રાગાદિ હોય તો તેને જીતનારા જિન છે તેમ કહી શકાય નહિ, માટે ભગવાન બુદ્ધ જિન નથી, પરંતુ અજિનાદિ જ છે, તેમ માધ્યમિકો માને છે, તે મતના નિરાકરણ માટે કહે છે –