________________
લલિતવિસ્તરા ભાગ–૨
૯.
બતાવેલા ઉચિત અનુષ્ઠાન દ્વારા યોગ્ય જીવો સ્વભૂમિકા અનુસાર વિધિ અને નિષેધનું સમ્યગ્ સેવન કરીને ધર્મના ફળને પામે છે, માટે ભગવાને બતાવેલો ધર્મ ત્રિકોટિ પરિશુદ્ધ છે, તેથી અન્ય પ્રણીત ધર્મ કરતાં શ્રેષ્ઠ ધર્મચક્ર છે અને તે ધર્મચક્ર ચાર ગતિઓના અંતને કરનાર હોવાથી ચતુરંતવાળું કહેવાય છે; કેમ કે ભગવાને બતાવેલા ધર્મને જે જીવો ભગવાને જે રીતે બતાવ્યો છે તે રીતે નિપુણતાપૂર્વક જાણીને સેવે તો તેઓને ન૨ક અને તિર્યંચગતિની પ્રાપ્તિ થતી નથી, કુદેવત્વ અને કુમાનુષત્વની પ્રાપ્તિ થતી નથી અને સુદેવત્વ-સુમાનુષત્વ દ્વારા ઉત્તરોત્ત૨ના ધર્મને સેવીને તે મહાત્મા ચાર ગતિઓનો અંત કરે છે, માટે ચાર ગતિઓના અંતને કરનાર શ્રેષ્ઠ ચક્ર ભગવાને બતાવેલો ધર્મ છે અને તેવા ચાર ગતિના અંતને કરનારા ત્રિકોટિ પરિશુદ્ધ ધર્મને ભગવાને સ્વયં વરબોધિની પ્રાપ્તિથી સેવ્યો છે, તેથી તેવા શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે અથવા દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારના ધર્મથી ભવનો અંત કરે તેવું ધર્મવરચક્ર છે અને તેવા શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને દાન-શીલ-તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મને તે રીતે સેવ્યો છે, જેથી ભવનો અંત થાય છે, જેમ ચક્ર શત્રુનો નાશ કરે છે, તેમ ભગવાને સેવેલો ચાર પ્રકારનો ધર્મ અતિરૌદ્ર એવા મિથ્યાત્વાદિ ભાવશત્રુનો નાશ કરનાર થયો.
વળી, ભગવાને સેવેલા ધર્મ દ્વારા મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ નાશ થાય છે એ મહાત્માઓને સ્વઅનુભવથી પ્રતીત છે; કેમ કે જે મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીને ઉત્તમ એવો દાનધર્મ સેવે છે તેના દ્વારા તેઓ પરમગુરુની ભક્તિ કરીને, સુસાધુની ભક્તિ કરીને મૂર્છાનો ત્યાગ કરે છે તે સ્વઅનુભવ સિદ્ધ છે તે અર્થાત્ જે દાન કર્યું તે ધનના વ્યયથી મૂર્છા જતી નથી, પરંતુ ૫૨મ ગુરુની ભક્તિ કરીને હું મારા આત્માને કૃતકૃત્ય કરું, તે વખતે વીતરાગતા આદિ ગુણોના સ્મરણને કારણે અને તેના પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે ધનવ્યય કરેલો હોવાથી પરમગુરુની ભક્તિથી પરમગુરુને તુલ્ય થવાને અનુકૂળ જીવની પરિણતિમાં જે બાધક કર્મો મિથ્યાત્વાદિ ભાવો છે તેનો નાશ થાય છે, તેથી બાહ્ય સંગ અલ્પ થાય છે, માટે મૂર્છાની નિવૃત્તિ થાય છે, તે રીતે સુસાધુના ગુણો પ્રત્યે બહુમાન થવાથી સુસાધુની જેમ નિર્મમ થવામાં બાધક કર્મોનો નાશ થાય છે, જેથી મૂર્છાની નિવૃત્તિ થાય છે.
વળી, શીલ, તપ અને ભાવધર્મ તો સાક્ષાત્ મિથ્યાત્વાદિના ઉન્મૂલનને અનુકૂળ અને વીતરાગતાની નિષ્પત્તિને અનુકૂળ જીવના પરિણામ સ્વરૂપ હોવાથી દાનાદિ ચાર ધર્મથી મિથ્યાત્વાદિ ભાવશત્રુઓનો નાશ થાય છે, મૂર્છાની નિવૃત્તિ આદિ થાય છે તે સ્વસંવેદન સિદ્ધ છે અને તેવા ઉત્તમ દાનાદિ ચાર પ્રકારના ધર્મને સેવીને ભગવાને ભવનો અંત કર્યો, તેથી શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્રવાળા ભગવાન છે.
દાન, શીલ, તપ અને ભાવધર્મ માત્ર બાહ્ય સેવનાત્મક હોય તો મૂર્છાની નિવૃત્તિ કે શેષ દોષોની નિવૃત્તિ થતી નથી, જેમ કોઈ વિપુલ દાન આપે, કોઈ બાહ્યથી શીલની આચરણા કરે, છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરે, સ્થૂલથી બાર ભાવનાઓ આદિ ભાવન કરે, છતાં જો સંસારના વાસ્તવિક સ્વરૂપનું પર્યાલોચન કરીને વીતરાગતાને અભિમુખ કોઈ યત્ન ન કરે તો તે ચારે પ્રકારના સ્થૂલ આચારોરૂપ ધર્મથી ભવનો અંત થાય નહિ, પરંતુ ભગવાને તો વરબોધિની પ્રાપ્તિ પછી તે તે ભવમાં દાનાદિ ધર્મ તે પ્રકારે સેવ્યો છે કે જેથી બાહ્ય પદાર્થો પ્રત્યે મૂર્છાની નિવૃત્તિ થાય એટલું જ નહિ પણ અન્ય સર્વ કષાયો પણ ક્ષીણ-ક્ષીણતર થાય