________________
ધમ્મસારહીણું
કરીને ઉત્તરોત્તર ક્ષાયિક વીતરાગતાનું કારણ કઈ રીતે બને તેના પરમાર્થને જોવાને અનુકૂળ ગાંભીર્ય તેમનામાં પ્રગટ થયેલું, જેમ ભિક્ષા અટનની ક્રિયા, વિહારની ક્રિયા કે સ્વાધ્યાય આદિની સર્વ ક્રિયાઓ માત્ર બાહ્ય આચરણારૂપ યથાર્થ કરવાથી અસંગભાવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તે તે ક્રિયાઓ દ્વારા સમભાવના કંડકો કઈ રીતે વધે તેના નિપુણ જ્ઞાનપૂર્વક તે ક્રિયાઓમાં યત્ન કરી શકે તેવી શક્તિસંપન્નતા તેમનામાં ગાંભીર્યને કારણે પ્રગટ થઈ, તેથી ગંભીરતાપૂર્વક સંયમની ક્રિયાઓ કરીને ભગવાને પોતાનો ચારિત્રરથ પરિપાકને પ્રાપ્ત કરે તે રીતે પ્રવર્તાવ્યો, જેથી ચારિત્રના પ્રકર્ષપર્યંત પરિપાકને પ્રાપ્ત કરી શક્યા.
૭
(૨) ગુરુ-કલ્યાણમિત્રની પ્રાપ્તિ :
અહીં પ્રશ્ન થાય કે ભગવાનને પૂર્વના ભવોમાં પરિપાકના પ્રકર્ષને પહોંચાડે તેના રહસ્યને પ્રાપ્ત કરાવે તેવો ગાંભીર્યયોગ શેનાથી પ્રાપ્ત થયો જેથી ભગવાન પોતાનો રથ સમ્યક્ પ્રવર્તાવી શક્યા ? તેમાં હેતુ કહે છે – ભગવાનને તે તે ભવમાં ફળના અવ્યભિચારી એવા સુંદર ગુરુ-કલ્યાણમિત્ર આદિની પ્રાપ્તિ થઈ, તેથી તેવા ઉત્તમ ગુરુ, ઉત્તમ કલ્યાણમિત્ર આદિ સહકારીને પામીને ભગવાને તેઓના બળથી તે પ્રકારનો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કર્યો, જેથી માત્ર ચારિત્રની બાહ્ય ક્રિયાથી તેમને સંતોષ થયો નહિ, પરંતુ ચારિત્રની બાહ્ય ક્રિયાઓ નિગ્રંથ-ભાવની વૃદ્ધિ કરવામાં કઈ રીતે કારણ છે તેના સૂક્ષ્મ રહસ્યને પ્રાપ્ત કરે તેવા ગાંભીર્યને પ્રાપ્ત કર્યું. અર્થાત્ તેવાં સુંદર સહકારી કારણોથી ભગવાનને ગાંભીર્યનો યોગ પ્રાપ્ત થયો.
(૩) અનુબંધપ્રધાનપણાથી સહકારીની પ્રાપ્તિ :
અહીં પ્રશ્ન થાય કે ભગવાનને તેવા સુંદર સહકારી ગુરુ આદિનો યોગ કેમ પ્રાપ્ત થયો ? તેમાં હેતુ કહે છે -
ભગવાનમાં અનુબંધપ્રધાનપણું હતું; કેમ કે જે જીવો ચારિત્રની ક્રિયા કરીને ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ કરીને મારે પૂર્ણ ચારિત્ર પ્રાપ્ત કરવું છે તેવા ઉત્તમ પરિણામવાળા થયા નથી તેઓ નિરનુબંધ પરિણામવાળા છે, તેવા જીવોને ક્વચિત્ ભવિતવ્યતાથી સારા ગુરુ આદિનો યોગ થાય, તોપણ પરમાર્થથી સાધુ સહકારીની પ્રાપ્તિનો અભાવ છે; કેમ કે ફલ નિષ્પન્ન કરે એવા સાધુ સહકારી એમને પ્રાપ્ત થયા નથી અને જે જીવોમાં પરિપાકની અપેક્ષાપૂર્વક પ્રવર્તક જ્ઞાન પ્રગટેલું છે તે જીવો હંમેશાં પોતાનો ચારિત્રરથ કઈ રીતે ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા ઉત્તરોત્તર ક્ષાયિક ચારિત્રનું કારણ બનશે તેના અનુબંધને જોનારા છે, તેઓ નિપુણતાપૂર્વક ગાંભીર્યની પ્રાપ્તિનું કારણ બને એવા સાધુ સહકારીને પ્રાપ્ત કરવા યત્ન કરે છે, જેથી તેઓની નિપુણતાને કારણે તેવા ઉત્તમ ગુરુનો યોગ થાય છે. તે સદ્ગુરુ તે મહાત્માને સર્વ કલ્યાણના કારણભૂત ચારિત્રની શક્તિ તેનામાં પ્રગટે તેવા ગાંભીર્યની પ્રાપ્તિ કરાવે છે, તેથી અનુબંધ પ્રધાનપણાને કા૨ણે તે મહાત્માને સાધુ સહકારીની પ્રાપ્તિ થઈ.
(૪) અતિચારના ભીરુત્વની ઉપપત્તિ થઈ :
અહીં પ્રશ્ન થાય કે તે મહાત્મા અનુબંધપ્રધાન કેમ થાય ? તેમાં હેતુ કહે છે -