________________
અત્યન્ત પ્રસન્નતાનો વિષય છે કે આ ઘણી મોટી ઊણપને પ્રસ્તુત પુસ્તક દ્વારા તેના સુયોગ્ય વિદ્વાન લેખકે દૂર કરી દીધી છે. પુસ્તકની શૈલી વિદ્વત્તાપૂર્ણ છે. તેમાં પ્રાચીન મૂલ ગ્રન્થોનાં પ્રમાણોના આધારે જૈન દર્શનનાં બધાં જ પ્રમેયોનું અત્યન્ત વિશદ રીતે યથાસંભવ સુબોધ શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. વિભિન્ન દર્શનોના સિદ્ધાન્તોની સાથે તદ્વિષયક આધુનિક દૃષ્ટિઓનો પણ તેમાં સન્નિવેશ છે અને તેમના ઉપર પ્રસંગાનુસાર વિમર્શ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પુસ્તક પોતાના સ્વરૂપમાં મૌલિક, પરિપૂર્ણ અને અનોખું યા અનન્ય છે.
ન્યાયાચાર્ય આદિ પદવીઓથી વિભૂષિત પ્રોફેસર મહેન્દ્રકુમારજી પોતાના વિષયના પરિનિષ્ઠિત વિદ્વાન છે. જૈન દર્શનની સાથે તાત્ત્વિક દૃષ્ટિએ અન્ય દર્શનોનું તુલનાત્મક અધ્યયન એ પણ એમનું એક મહાન વૈશિસ્ય છે. અનેક પ્રાચીન દુર્હ દાર્શનિક ગ્રન્થોનું તેમણે ઘણી યોગ્યતાથી સંપાદન કર્યું છે. આવા અધિકારી વિદ્વાન દ્વારા પ્રસ્તુત કરાયેલ “જૈનદર્શન ખરેખર રાષ્ટ્રભાષા હિન્દી માટે એક બહુમૂલ્ય પ્રદાન છે. અમે હૃદયપૂર્વક આ ગ્રન્થને અભિનંદીએ છીએ.
બનારસ
૨૦-૧૦-૧૯૫૫
મંગલદેવ શાસ્ત્રી એમ.એ., ડી.ફિલ. (ઓક્સન) પૂર્વ પ્રિન્સિપલ, ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ
બનારસ.
૧૯