________________
વધુ પડતા વજનને કારણે સુમો કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું.
ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષણને માટે હોય છે.
જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ત્રણ મુખ્ય સ્વાદનું પાચન જીવન પર્યન્ત એક સરખું તો બહું ઓછા માણસોને રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી શકે અને અમ્લપિત્ત થાય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીને સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ એક યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાંસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈધે એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, “જુઓ વૈદરાજ, બધી વાત સાચી, પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.” વૈદે કહ્યું, “એમ છે ? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ !'
યુવાને કહ્યું “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો ?' વૈદે કહ્યું, “ના સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.'
યુવાને જિજ્ઞાસાથી પૂછયું, “કયાં વરદાન ?' વૈદે કહ્યું. “જો ભાઈ. પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.”
યુવાને કહ્યું, “વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.'
વૈદે કહ્યું, “ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ.
૧૦૪ ન સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org