________________
સાચી અને ઊંડી સમજણપૂર્વક સંયમ સ્વીકારાયો છે ત્યાં આવી વાત પોતાને માટે કૃત્રિમ કે દબાણવાળી છે એવું લાગવાનો સંભવ નથી. વસ્તુત: સંયમની સાધના જો ઊંચા પ્રકારની હોય તો સ્ત્રીઓ વિશેની આવી આવી બાબતો પ્રત્યે સ્વાભાવિક રીતે જ અરુચિ થવા સંભવે છે. બ્રહ્મચર્યવ્રતની એવી સાધના તેમને માટે કૃત્રિમ કે કષ્ટ સાધ્ય નથી હોતી, પરંતુ નૈસર્ગિક અને સ્વયંસ્કૂર્તિ હોય છે. આ વાત સ્વાનુભવે જેટલી સમજાય છે તેટલી તર્ક અને બુદ્ધિથી સમજાય એવી નથી. અખંડ બ્રહ્મચર્યની સાધના કરનારા કોઈ મહાત્મા અચાનક ક્યાંક કોઈ અજાણી ખાલી જગ્યાએ બેસવા જાય અને તે જગ્યાએ જો થોડી વાર પહેલાં કોઈ સ્ત્રી બેઠી હોય તો વગર જોયે પણ એ મહાત્માને વહેમ પડી જાય છે અને ત્યાં બેસવાની એમને રૂચિ રહેતી નથી.
ખોટા દંભી સાધુઓને સમાજે વારંવાર વખતોવખત ઉઘાડા પાડ્યા છે અને પાડવા જોઈએ. એમ જ્યાં નથી થતું ત્યાં એક બાજુ વધુ સાધુસંન્યાસીઓ અને બીજી બાજુ વધુ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો બગડતાં જાય છે. સાધુ-સંન્યાસીનું સ્થાન સમાજમાં ઊંચું છે એટલે એમને ઉઘાડા પાડવામાં કેટલુંક સાહસ પણ રહેલું છે. તેમના અનુયાયીઓ તરફથી ભય કે જોખમ આવી પડવાનો સંભવ રહે છે. કેટલાક સાધુઓ બધી વાતે પૂરા અને પહોંચેલા હોય છે. ખૂન સુદ્ધાં તેઓ કરાવી શકે છે.
લોકમત જાગૃત રહે, દંભી, દુરાચારી સાધુઓને સાધુપણામાંથી મુક્ત કરાવવાની વ્યવસ્થા રહે, નબળા સાધુઓને સંયમમાં દૃઢ કરવા માટે કુશળ આયોજન હોય, શિથિલાચારી સાધુઓને સાધુવેશનો ત્યાગ કરાવી ગૃહસ્થ જીવનમાં આજીવિકા સહિત પ્રસ્થાપિત કરવાની યોજના રહે, સાધુઓ સાથેનો ગૃહસ્થ સ્ત્રીઓનો કે સાધ્વી-સંન્યાસિનીઓનો સંસર્ગ ઓછો રહે, તેઓને સાચું માર્ગદર્શન અપાય અને તેઓના પરસ્પર વ્યવહાર ઉપર ચાંપતી નજર રખાય તો તેથી સરવાળે સાધુસમાજને અને ગૃહસ્થોને બંનેને લાભ છે. સાધુસમાજ જેટલો તેજસ્વી રહે તેટલી તેજસ્વિતા સમાજની વધે છે.
(સાંપ્રત સહચિંતન-૩)
વગોવાતી સાધુસંસ્થા = ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org