________________
સૃષ્ટિનું દર્શન થાય એવા જાતજાતના અનુભવો આવાં ઔષધોથી થાય છે. યુવાનો એના પ્રયોગો તરફ આકર્ષાય છે, અને પછી તેમને એનું વ્યસન થઈ જાય છે. એ લીધા વગર ચેન પડતું નથી. પરંતુ એવાં ખર્ચાળ ઔષધો પાછળ અતિશય નાણાં વેડફાઈ જાય છે. યુવાનો, મા-બાપ પાસેથી ધાકધમકીથી પૈસા કઢાવે છે કે ચોરી-લૂંટ કરે છે, કારણ કે ઔષધોનું સેવન કર્યા વિના તેમનાથી રહી શકાતું નથી. દિવસે દિવસે ઔષધોનું પ્રમાણ તેઓને વધારતા જવું પડે છે, તો જ સંતોષ થાય છે. એમ કરતાં એ ચક્ર એવું ચાલે છે કે થોડા વખતમાં યુવક-યુવતી શારીરિક રીતે પાયમાલ થઈ જાય છે, તથા મગજની સમતુલા ગુમાવે છે. ખૂન, ચોરી બળાત્કાર વગેરે અનેક અપકૃત્યો તે કરે છે. કુટુંબ અને સમાજમાંથી તે હડધૂત થાય છે. વ્યસનીમાંથી ગંભીર દર્દી તે બની જાય છે. કેટલાક અકાળ મૃત્યુને વરે છે, કેટલાક આપઘાત કરે છે. વ્યસનમાંથી મુક્ત કરાવવાની તબીબી સારવાર ઘણી મોંઘી હોય છે. એવી સારવાર પછી સાજો થયેલો માણસ પહેલાં જેવો રહેતો નથી. એની બુદ્ધિ મંદ થઈ જાય છે. એની સ્ફૂર્તિ અને તાજગી ઓછી થઈ જાય છે. એક સરસ કારકિર્દી દવાનાં વ્યસનોને લીધે વેડફાઈ જાય છે.
હેરોઈન, કોકેઈન વગેરેના બંધાણી થઈ ગયેલા માણસોને જ્યારે એ પદાર્થો મળતા નથી ત્યારે તેમનું શરીર તૂટવા લાગે છે; અસહ્ય વેદના થતાં તેઓ માથું પછાડવા લાગે છે. ચિત્તભ્રમ થયું હોય તેવા બેબાકળા બની જાય છે, વાતે વાતે ઉશ્કેરાઈ જાય છે, પશુ જેવા હિંસક બની જાય છે, માણસનાં લક્ષણો જાણે કે ગુમાવી દે છે. આવી સ્થિતિ વધુ સમય ચાલતાં તેઓ આપઘાત કરી બેસે છે અથવા શરીર લથડી જતાં અકાળે મૃત્યુ પામે છે. નશો કરવા ન મળતાં જ્યારે હાથ-પગ તૂટતા હોય ત્યારે અથવા મન લાચાર થઈ ગયું હોય ત્યારે પોતાનાં ઘરબાર વેચતાં, પત્નીનાં ઘરેણાં વેચતાં કે ખુદ પત્નીને પણ બીજાને ઉપયોગ માટે વેચી દેતાં આવાં વ્યસનીઓ અચકાતાં નથી. ચીનમાં કે ભારતમાં અફીણના બંધાણીઓના આવા ઘણા પ્રસંગો ભૂતકાળમાં ઇતિહાસના ચોપડે લખાયેલા છે.
કેટલાંક ઔષધો જાતીય વૃત્તિને પ્રબળ કરનારાં, ઉશ્કેરનારાં હોય છે. કેટલાક યુવાનોને આરંભમાં એથી ફાયદો જણાય છે, પરંતુ થોડા સમયમાં જ તેઓ એના ગુલામ થઈ જાય છે અને થોડાં વર્ષોમાં જ તેઓ કામભોગના અતિ સેવનથી નિ:સત્ત્વ બની જાય છે, અકાળે વૃદ્ધ થઈ જાય છે, ક્ષય વગેરે રોગના ભોગ બની જાય છે.
કેફી પદાર્થોનો વધતો પ્રચાર * ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org