________________
છે. આવી દવાઓથી વ્યક્તિના આરોગ્યને ઘણું નુકસાન પહોંચે છે, કેટલાકની જિંદગી બરબાદ થઈ જાય છે, પરંતુ ધન કમાવા નીકળેલી કંપનીઓ માનવતાની દૃષ્ટિએ ક્યાંથી વિચારી શકે ? વધુ દુ:ખદ વાત તો એ છે કે આવી નશીલા દવાઓ બનાવનારા કેટલાક એમાં પણ ભેળસેળ કરે છે. માણસ કેટલી હદ સુધી ભેળસેળ કરે છે એનો જૂનો ટુચકો જાણીતો છે કે એક માણસનો આપઘાતનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, કારણ કે એણે લીધેલી ઝેરી દવા ભેળસેળવાળી હતી.
દવામાં ભેળસેળ કરીને કમાઈ લેવાની વૃત્તિ કાયદેસર ગુનો તો છે જ, પણ તે અધમ મનોદશાની પણ સૂચક છે. નવી દવાઓમાં જ ભેળસેળ થાય છે એવું નથી. આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર કરનારા કેટલાક વૈદરાજોમાં પણ આવી ગેરરીતિઓ ચાલુ થઈ ગઈ છે. તેઓ પોતાની પડીકીઓમાં કોર્ટિઝોન કે એવી બીજી ભારે પીડાશામક દવાઓનું મિશ્રણ કરીને દર્દીના દર્દને તરત શમાવી દે છે અને જલ્દી મટાડવા માટે પોતે ખ્યાતિ અને નાણાં મેળવી લે છે, પરંતુ દર્દીની તબિયતને લાંબા ગાળાનું મોટું નુકસાન પહોંચાડી દે છે. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતના એક વૈદરાજે કુદરતના ઇન્સાફની વાત નીકળતાં પોતાના જીવનનો એકરાર કરતાં અમને કહ્યું હતું કે લાકડાનો વેર ભેળવી પોતે ઘરે બનાવટી શિલાજિત બનાવીને વેચતા. એક રૂપિયાના ખર્ચમાં દસ રૂપિયા કમાતા. એ રીતે બહુ પૈસા કમાયા. આશય એ હતો કે પૈસા કમાઈ પોતાના એકના એક પુત્રને કોઈકની સીટ વેચાતી લઈને મેડિકલ કૉલેજમાં દાખલ કરાવીને ડૉક્ટર બનાવવો. એ પ્રમાણે મેડિકલ કોલેજમાં પુત્રને દાખલ કરાવ્યો. પરંતુ દીકરો દાક્તર બને તે પહેલાં એક મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ત્યારથી વૈદરાજના હૃદયનું પરિવર્તન થયું. બનાવટી શિલાજિત બંધ થયું અને ગરીબ લોકોને મફત દવા આપવાનું ચાલુ કર્યું.
દવાના ક્ષેત્રે પાશ્ચાત્ય દેશો કરતાં પણ ભારતમાં અને બીજા પછાત દેશોમાં ઘણી ગેરરીતિઓ ચાલે છે. કેટલીક નકલી દવાઓ પકડાય છે. સરકારી ઈસ્પિતાલોમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે સાચો નમૂનો અપાય છે અને પછી લાગતાવળગતા અધિકારીઓ અને દાક્તરોને લાંચ આપી હલકી દવાઓ પૂરી પાડવામાં આવે છે. જૂની દવાઓ, ઊતરી ગયેલી દવાઓ નવા પેકિંગમાં અપાય છે. સરકારી ઇસ્પિતાલોમાં આવી ઘટનાઓ વિશેષ બને છે, કારણ કે ત્યાં દર્દીની તબિયત સુધરી કે ન સુધરી એ બહુ મહત્ત્વનો ચિંતાનો પ્રશ્ન હોતો નથી.
૨૬૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org