________________
કેટલીક દવાઓ અમુક રોગ મટાડે છે. પરંતુ પછી બીજા કયા રોગ ઉત્પન્ન કરે છે. તેની ઝાઝી તપાસ થતી નથી. જે તપાસ થાય છે તે બહુ ટૂંકા ગાળાની અને ઉપરઉપરની હોય છે. ગંભીર ફરિયાદો ઘણી બધી આવવા માંડે ત્યારે તેવી દવાઓ પાછી ખેંચી લેવાય છે.
શરીરની કે મનની તાકાત અતિશય વધી જાય એવી આશ્ચર્યકારક દવાઓ પણ શોધાઈ છે. એટલા માટે તો એવી દવાઓ ઉપર રમતગમતના ક્ષેત્રે પ્રતિબંધ મુકાય છે. ચિત્તની વિવિધ અપાર શક્તિઓની અનુભૂતિ માટે પણ કેટલીક દવાઓ શોધાઈ છે, અને યુવાન વર્ગ તેના વ્યસનનો ભોગ થઈ પડે છે. અમેરિકાને સૌથી વધુ સતાવનાર યુવાનોની સમસ્યા તે તેઓમાં વ્યાપક બનેલા દવાઓના વ્યસનની છે.
ઘણા દેશોની યુનિવર્સિટીના કેમ્પસમાં નશાકારી દવાનો ગેરકાયદે વપરાશ પુષ્કળ વધ્યો છે. દુનિયાના અનેક તેજસ્વી યુવાનની કારકિર્દી આવી નશાકારક દવાના વ્યસનને કારણે બરબાદ થઈ છે. કેટલાકે એથી પ્રાણ પણ ગુમાવ્યા છે.
એલ. એસ. ડી. વગેરે કેટલીક ઉન્માદક દવાઓ ચિત્તને દીવાસ્વપ્નની એવી ભૂમિકાએ લઈ જાય છે કે જેમાં માણસને અત્યંત તેજસ્વી રંગો અને આકૃતિઓ દેખાય છે. માણસને એ દુનિયામાં વિલીન થઈ જવાનું મન થાય છે. સાથે સંભાળ રાખનાર જો કોઈ ન હોય તો એવા માણસો મૃત્યુ પામ્યાના દાખલા પણ બન્યા છે. માણસને સહજ રીતે ઊંચાઈએથી પડતું મૂકવાની હોંશ થાય છે, પરંતુ વાસ્તવમાં તે જીવલેણ નીવડે છે. એલ. એસ. ડી. વગેરે પ્રયોગાત્મક દવાઓ દ્વારા ચિત્તની કેટલી અપાર શક્તિ છે અને તેના સેવનથી કેવી કેવી અપાર્થિવ અનુભૂતિઓ થાય છે તેનો અંદાજ નીકળે છે. પરંતુ એકંદરે તો એવી દવાઓ ભયંકર અને સમાજહિતવિરોધી ગણાઈ છે. યુવાન માણસો આવી દવાઓના અને એવી જ બીજી ચરસ-ગાંજો, કોકેઈન વગેરે ઉત્સાહક, કામોત્તેજક દવાના વ્યસનના જ્યારે ભોગ થઈ પડે છે ત્યારે તેમાંથી તેમને છોડાવવા તે ઘણી કપરી અને અતિશય ખર્ચાળ બાબત થઈ પડે છે.
શારીરિક રોગો કરતાં પણ માનસિક રોગો માટેની દવાની વિપરીત અસર વધુ ભયંકર હોય છે, કારણ કે એથી માણસનું વ્યક્તિત્વ જ તદ્દન બદલાઈ જાય છે. ચિત્તશક્તિ ઉપર કે જ્ઞાનતંતુઓ ઉપર થતી માઠી અસરને પરિણામે એ દવા લેનાર વ્યક્તિ વિચિત્ર રીતે વર્તવા લાગે છે. એની માનસિક સમતુલા ખોરવાય છે. એથી સમાજમાં એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે.
૨૧૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org