________________
અનેક કુટુંબો ભાંગી પડ્યાં હોય, સંતાનો રઝળી પડ્યાં હોય કે ગુનાહિત માનસવાળાં થઈ ગયાં હોય એવા પણ ઘણા દાખલા છે. વસ્તુત: કાયદાની દૃષ્ટિએ લગ્નજીવનનો મહિમા એવો ગૌરવવાળો હોવો જોઈએ કે જેથી વ્યક્તિને સ્વેચ્છાએ એ બંધન સ્વીકારવું ગમે. લગ્ન-બંધન મનુષ્યના સર્વાગી વિકાસમાં નિમિત્તરૂપ બનવું જોઈએ.
લગ્નજીવન એટલે માત્ર જાતીય જીવન એવો મર્યાદિત અર્થ ન કરી શકાય. વસ્તુત: અશારીરિક દામ્પત્યપ્રેમનો મહિમા ભારતમાં જેટલો દર્શાવાયો છે તેવો અન્યત્ર જોવા નહીં મળે. લગ્નજીવન એટલે જીવનને એના વ્યાપક સ્વરૂપમાં જાણવા-સમજવાની વિદ્યાશાળા. લગ્નજીવન એટલે વિભિન્ન પ્રકૃતિની, વિભિન્ન રુચિભેદવાળી વ્યક્તિઓ પણ સહકાર અને સામંજસ્યપૂર્વક એક સાથે રહી શકે એવું સિદ્ધ કરી બતાવતી એક પ્રયોગશાળા. લગ્નજીવન એટલે એકાન્તવાદ નહિ, પણ અનેકાન્તવાદ. લગ્નજીવન એટલે પશુસહજ સ્થૂળ વાસનાઓ કે વૃત્તિઓનું ઊર્ધ્વકરણ. લગ્નજીવન એટલે સ્વાર્થત્યાગ અને સંયમ. એટલા માટે જ લગ્નજીવન એ બંધન નથી પણ સ્વેચ્છાએ સ્વીકારેલી સીમા છે. હજારો વર્ષના અનુભવ પછી માનવજાતિએ વિકસાવેલી એ દઢમૂલ વ્યવસ્થા ઉપર વખતે વખતે ઘણા પ્રહારો થયા છે, પરંતુ માનવજાતિ પાસે જ્યાં સુધી અનુભવ છે, ડહાપણ છે, સ્વહિતની વિચારણા છે, દીર્ઘદૃષ્ટિ છે, પરસ્પર પ્રેમ છે, સહાનુભૂતિ છે ત્યાં સુધી લગ્નસંસ્થા નિર્મૂળ થવાની નથી.
(સાંપ્રત સહચિંતન-૧)
૧૫૦ ૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org