________________
તે ગુપ્ત રીતે કરે છે. પોતે ઓળખાય નહિ કે પકડાય નહિ તેવી રીતે રહેવાનો કે ભાગવાનો પ્રયત્ન કરે છે. કેટલાક સશક્ત, શસ્ત્રયુક્ત ભારાડી માણસો બીજાઓનાં દેખતાં લૂંટફાટ કરે છે કે કોઈનું ખૂન કરીને ભાગી જાય છે. તાત્કાલિક કોઈ સામનાનો તેમને ડર નથી હોતો, કારણ કે તેમની પાસે હથિયારો કે રિવોલ્વર વગેરે પ્રકારના શસ્ત્રો હોય છે. કદાચ કોઈ સામનો કરે તો તેઓ તેને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. પોલીસ તથા કાયદાનો ડર તો જો તેઓ પકડાઈ જાય તો જ હોય છે. એટલે એવા લોકો છડેચોક ગુનો કરતાં અચકાતા નથી. એક બાજુ એકલદોક્ત વ્યક્તિ હોય અને બીજી બાજુ કેટલાક માણસોનું જૂથ હોય, ત્યારે એકલદોકલ વ્યક્તિ પ્રગટ રીતે કશું કરતાં ડરે છે પણ તક મળે તો ગુપ્ત રીતે વેર લેવા અપકૃત્ય કરે છે. તેવી જ રીતે એક બાજુ નાનું જૂથ હોય અને બીજા બાજુ સૈન્ય હોય ત્યારે ઓછી શક્તિવાળા જાહેરમાં સામનો ન કરતાં ગુપ્ત રીતે અપકૃત્ય કરે છે. જ્યારે પૂરું વેર લઈ શકાતું નથી ત્યારે મોટા જૂથને છાનીછાની રીતે સતાવ્યાનો સંતોષ લેવાય છે. એવા પ્રકારનાં કિસ્સાઓમાં અપહરણ કરવું એ પણ એક મહત્ત્વનો પ્રકાર છે.
પ્રેમના ક્ષેત્રમાં યુવક કે યુવતીનું અપહરણ કરવાના કે કરાવવાના કિસ્સાઓ તો હજારો વર્ષથી થતા આવ્યા છે. રાવણે સીતાનું હરણ કર્યું
એ પૌરાણિક ઘટના તો જગજાહેર છે. સુભદ્રાહરણ, રુકિમણીહરણ, લક્ષ્મણાહરણ જેવી પૌરાણિક ઘટનાઓ કે સંયુક્તાહરણ જેવી મધ્યકાલીન ઘટનાઓ જાણીતી છે. માત્ર સ્ત્રીનું જ અપહરણ થાય છે એમ નથી. ઓખાએ અનિરુદ્ધનું અપહરણ કરાવ્યું હતું. આવા કેટલાંક હરણોમાં યુવક કે યુવતીની સંમતિ પણ હોઈ શકે છે. કેટલાંક હરણો લગ્નમાં પરિણમે છે, તો કેટલાંક હરણોના કિસ્સાઓમાં યુવક કે યુવતીને પાછાં મેળવાય છે. અપહરણ કરીને, ભગાડીને કરેલા લગ્નમાં બધા જ સુખી થાય છે તેવું નથી. તો પણ યુવક યુવતીને ભગાડી જઈને લગ્ન કરવાની ઘટનાઓ, માતાપિતાની સંમતિ ન મળવાને કારણે બનતી આવી છે અને બનતી રહેવાની.
પ્રાણીઓનાં અપહરણ અને તેમાં પણ પાણીદાર ઘોડો, ઘોડી કે સાંઢણીના અપહરણની ઘટનાઓ પ્રાચીન લોકકથાઓમાં આવે છે. જાતિવંત તેવાં પ્રાણીઓ બળજબરીથી અપહરણ થયા પછી પોતાના માલિક પાસે પાછાં ભાગી આવ્યાની ઘટનાઓ પણ બનતી. પૈસાની લેવડદેવડનો હિસાબ ચૂકતે ન થાય તો દૂઝાળાં ઢોર ઉઠાવી જવાના કિસ્સા હજુ પણ ગામડાંઓમાં બને છે.
૧૮૮ સ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org