________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ પ્રાસ્તાવિક
દવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ના શબ્દશઃ વિવેચનની સંકલના વેળાએ
19 પ્રાસ્તાવિક Isly.
અરિહંત પરમાત્મા સકલ જીવોના આત્મહિત અર્થે જે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે તેના પાયામાં ત્રિપદી છે અને તે દ્રવ્યાનુયોગ સ્વરૂપ જ છે. આ ત્રિપદીના જ વિશેષ બોધ અર્થે ગણધર ભગવંતોએ આગમમાં દ્રવ્યાનુયોગ ઉતાર્યો છે. આગમનો બોધ જનસામાન્યને સરળ બને તે માટે પૂર્વાચાર્યોએ સન્શાસ્ત્રોની રચના કરી, જે પૈકીનો પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી દ્વારા રચાયેલ દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગ્રંથ સાધક જીવોને માટે ઘણો ઉપકારક બન્યો છે તેનું જ શબ્દશઃ વિવરણ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા દ્વારા કરવામાં આવ્યું એટલે પ્રસ્તુત કાળમાં સોનામાં સુગંધ ભળવા જેવી ઘટના બની ગઈ. ગ્રંથનું કદ વધી ન જાય તે માટે તેને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે.
પૂર્વે પ્રસ્તુત ગ્રંથના ઢાળ-૧થી ૯નું વિવરણ ભાગ-૧માં સમાવવામાં આવ્યું હતું, જેમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના સ્વરૂપનો વિસ્તૃત બોધ કરાવવામાં આવ્યો છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના કથંચિત્ ભેદભેદનું પણ અનુભવ, યુક્તિ અને શાસ્ત્ર વચનાનુસાર પૂર્વમાં સ્થાપન કરવામાં આવ્યું.
હવે પ્રસ્તુત ગ્રંથના ઢાળ-૧૦થી ૧૭નું વિવરણ ભાગ-૨ રૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે, જેમાં દિગંબર મતાનુસાર અને શ્વેતાંબર મતાનુસાર દ્રવ્યોના, ગુણના અને પર્યાયના ભેદો બતાવવામાં આવ્યા છે. દિગંબરો દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ભિન્ન એવા સ્વભાવોને પણ સ્વીકારે છે અને તેના ભેદો બતાવીને ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કરેલ છે કે સ્વભાવ એ ગુણ અને પર્યાયમાં જ અંતર્ભાવ પામે છે.
આ સર્વનો બોધ કર્યા પછી ગુણશ્રેણીમાં ચડી રહેલા સાધકને પ્રસ્તુત પદાર્થનું ચિંતવન કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ ગ્રંથકારશ્રીએ જણાવેલ છે.
શુક્લધ્યાનરૂપી આત્મમંદિરમાં દ્રવ્યાનુયોગરૂપી મૂર્તિના ધ્યાનરૂપી આલંબનથી જીવ સિદ્ધશિલારૂપી કળશને પ્રાપ્ત કરે છે અને અનંત કાળ સુધી અવ્યાબાધ સુખનો સ્વામી બની રહે છે. આવી આત્મહિતકારી વાણી સાંભળવા અને શબ્દરૂપે આકાર આપવામાં હું કાંઈક સહભાગી બની શકી એ જ મારા આત્મહિતને કરનારું બની ગયું છે ! શુક્લધ્યાન તો દૂર રહો !, શબ્દોથી તો તેનો આકાર માનસપટ પર ઝીલી શકી છું એ જ મારે માટે ધન્ય પ્રસંગ છે. ભવાંતરમાં એવા જ શુદ્ધ પરિણામો દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિ કરીને અંતે મોક્ષરૂપી લક્ષ્યને પામવા અર્થે યથાયોગ્ય યત્ન કરી શકું તેવા શુભ નિમિત્તો મળે એવી અભિલાષા રાખું છું.