________________
४४
એવી જ રીતે ધર્મ કમાવવા માટે કોઈ પણ એક શુદ્ધ સાધન હોવું જોઇએ. તેને બીજા પર લાદવાને કદાગ્રહ ધર્મ સાથે સુસંગત નથી. ધર્મ તે જગતને જોડવાનું-–પ્રેમ સંબંધથી બાંધવાનું કામ કરે છે. તે કદિ અહંકાર જગાડી અલગતાવાદ કેળવતો નથી.
બધી નદીઓ દરિયા તરફ વહી જાય છે. કદિ નથી વિચારતી કે ખારા સાગરમાં વિલીન થઈને તે પણ ખારી થઈ જશે. કારણ કે દરિયાના જળમાંથી વરાળ થશે, વાદળાં બનશે અને તેમાંથી અમૃત જેવો વરસાદ વરસશે. પાછાં એ જ નદી-નાળાં ઝરણું વહેશે. આમ નદીની મીઠાશ તો લૂંટાઈ જશે નહીં પણ અમર જ રહેશે. એવુ જ દરેક ધર્મ–સાધનનું છે. સાધ્યમાં વિલીન થઈ ગયા પછી અમારૂં સાધન કે તારું સાધન, એવું કંઈ રહેતું નથી. આમ સાધ્યમાં વિલીન થવાની પ્રેરણા આપવાનું કાર્ય ધર્મનું છે. એ ખરું થાય તો બસ. ધર્મ એટલે એક્તાનું સાધન :
દરેક ધર્મની ઉત્પત્તિ “સ્વ” અને “પરની એક વાક્યતા-એકતા સાધવા માટે હોય છે. એકતા ગમે તેનાથી સધાય એજ જોવું જોઈએ. એના માટે અહંકારવશ ઝઘડો ન થવો જોઈએ. આચાર-વિચારની વિવિધતા તો મનુષ્યોની રૂચિ પ્રમાણે અને યોગ્યતા પ્રમાણે છે એ અગાઉ આપણે વિચારી ગયા છીએ. જોવાનું મૂળ તે એ છે કે તેની પાછળ ધર્મતત્ત્વ છે કે નહીં ? સત્ય, અહિંસા, પ્રેમ, ત્યાગ છે કે નહીં ? આચાર-વિચાર કે કર્મકાંડને ત્યાં મહત્ત્વ આપવું ન જોઈએ. કેરી લેવા જનાર કેરીની જાત પૂછે છે ને કે વેચનારની જાત! એમ ધર્મમાં તત્વને પૂછો પણ તેના કર્મકાંડે કે નિયમો અથવા વેશસંપ્રદાયને ન પૂછો ! આજ અનેકાંતવાદ છે; અને આજ સાચી સર્વધર્મોપાસના છે.
તે ઉપરાંત પણ જેમ અલગ અલગ ફૂલોને ગજરે વધુ શોભે એવું જ વિવિધ ધર્મોના સમન્વયનું સમજવું જોઈએ. એકલી દાળ, રોટલી, શાક કે ભાત હોય તેનાં કરતાં રોટલી, દાળ, ભાત, શાક બધાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com