________________
16
મંગલ સુપ્રભાતની બોણી
આજે સુપ્રભાત છે. આપણે કળશટીકામાં સુપ્રભાત આવે છે, ત્યાં તો અનંત જ્ઞાન, અનંત દર્શનને સુપ્રભાત કહ્યું છે પણ સમ્યગ્દર્શન થાય એ પણ સુપ્રભાત–બીજરૂપે સુપ્રભાત છે. અખંડ આનંદ સ્વરૂપ પ્રભુ, એના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ પણ એક સુપ્રભાત છે. એ દિવસ ઊગ્યો એને સુપ્રભાત છે. અહીં તો ૩૮મી ગાથામાં ત્યાં સુધી કહ્યું છે ને ! કે પંચમ આરાના સંત–ગુરુ અપ્રતિબુદ્ધને સમજાવે છે. આહાહા ! અનાદિ અપ્રતિબુદ્ઘ અજ્ઞાનીને ગુરુ વારંવાર સમજાવે છે, એનો અર્થ વારંવાર એ વિચાર કરે છે. પંચમકાળના શ્રોતાને ગુરુ સમજાવે છે એ સાંભળીને, અંતર અનુભવીને, જેને સમ્યગ્દર્શન થાય છે એ શ્રોતા એમ કહે છે કે હું એક શુદ્ધ ચૈતન્યઘન છું. દર્શન-જ્ઞાન-ચારિત્રથી પરિણમિત છું અને તે પરિણમિત થયેલી ચીજ મને ફરી પાછી પડે એવો હું નથી. આહાહા ! પંચમઆરાના શ્રોતાની આ વાત ! ઓછી વાત નથી. આગમ યુક્તિથી ને અનુભવથી જે અમને આત્મજ્ઞાન થયું તે હવે અમને ફરીને પડવાનું નથી. ઓહોહો ! પંચમઆરાના શ્રોતાની આ દશા ! ભલે કોઈ શ્રોતા પાકે પણ એ શ્રોતાની આવી જ દશા હોય. આહાહા ! શું શૈલી ! જીવ અધિકાર પૂર્ણ કરતાં ૩૮ ગાથામ, પંચમઆરામાં પણ આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેણે સાંભળ્યું, સાંભળીને જેણે મનન કર્યું, ધ્યાનમાં જેને પ્રાપ્ત થયું એ શ્રોતા એમ કહે છે કે અમારૂ આ સમ્યગ્દર્શન-જ્ઞાન અપ્રતિહત છે, એ પાછું ફરવાનું નથી. અરે પંચમઆરાના શ્રોતા ભગવાન પાસે ગયા નથી ને ! કહે છે કે ભગવાન પોતે છે એની પાસે ગયો છે તેથી તેને અંત૨માં એવું અપ્રતિહત દર્શન થયું છે. આહાહા ! ગજબ વાત છે. એનું નામ જઘન્યભાવની શરૂઆતની સુપ્રભાત કહેવામાં આવે છે.
ઉત્કૃષ્ટ ભાવરૂપ કેવળજ્ઞાન એ તો અત્યારે નથી છતાં પણ જે સમ્યગ્દર્શન પામેલ છે એને અલ્પ ભવમાં કેવળજ્ઞાન થવાનું જ છે, એમાં કાંઈ ફેરફાર છે જ નહિ તેથી તેને જે સુપ્રભાત ઉદ્યોત થવાનું છે એનું અત્યારે જ માંગલિક કરે છે કે અમે સર્વજ્ઞપણું પામવાના છીએ, અમને કેવળજ્ઞાન થવાનું છે. ઓહોહો ! આનું નામ મંગળ સુપ્રભાત છે.
ભમ્’ નામ ૫૨નો અહંકાર, એને ગલ’ નામ જેણે ગાળ્યો છે તે માંગલિક છે. આહાહા ! રાગ ને પર્યાયનું અહપણું એવો જે મિથ્યાત્વભાવ તેને, શુદ્ધ ચૈતન્યઘનમાં અહપણું માનીને, જેણે ગાળ્યો તેને અહીંયાં માંગલિક કહેવામાં આવે છે.
ખરેખર તો પંચપરમેષ્ઠી–અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું એ આત્માનું જ સ્વરૂપ છે—એમ યોગીન્દ્રદેવમાં આવે છે. આત્મામાં જ અદ્વૈતપણું, સિદ્ધપણું, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું–પંચ પરમેષ્ઠીપણું ભરેલું છે. આત્મા પોતે જ પંચપરમેષ્ઠીસ્વરૂપ છે. આહાહા ! એને (-આત્માને) અહીં માંગલિક તરીકે, ઉત્તમ તરીકે, શરણ તરીકે કહેવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી, નૂતન વર્ષની વહેલી સુપ્રભાતે.(આત્મધર્મ અંક-૭૦૮)
—