Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
યાદ આવી. કારણ કે પુરુષોને સ્મૃતિ સમીપ રહેલી હોય છે. એને વિચાર થયો કે જો હું મારા બોલ્યાનો અમલ મારા ઉપર નહીં કરું તો પછી “પારકાને જ શિખામણ દેવાય” એમ કહેવાશે; કારણ કે જે વૈધ પોતાનાંની ચિકિત્સા નથી કરી શકતો, તે પારકાની તો ક્યાંથી જ કરી શકે ? માટે આ નગરની બહાર આવાસ લઈને હું મારી પ્રતિજ્ઞાને સત્ય કરું, કારણ કે સજ્જનોની પ્રતિજ્ઞા મિથ્યા હોય નહીં. રામચરિત્રને વિષે પણ સંભળાય છે કે રામ પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરવાને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. પણ અહો ! બહાર રહેવા જવાની પ્રતિજ્ઞાવાળા મારામાં અને એમનામાં મેરૂ અને સરસવ જેટલું અંતર છે. આ પ્રમાણે સદબુદ્ધિથી વિચાર કરીને બૃહસ્પતિની વિદ્વત્તાવાળા રાજાએ દિગવિજયને વિષે જ હોય નહીં એમ નગરની બહાર પડાવ નંખાવ્યો. તે વખતે છાવણીમાં ફરતા લોકો માંહોમાંહે સંલાપ કરવા લાગયા-અરે ! તું ક્યાં જાય છે ? (ઉત્તર) મિત્ર, હું રાજગૃહે (રાજાને આવાસે) જાઉં છું, એ પરથી મહીપતિએ ત્યાં નગર વસાવી એનું નામ રાજગૃહ પાડ્યું. એની આસપાસ વળી એક કિલ્લો ચણાવ્યો અને ખાઈ ખોદાવી. વળી સુંદર દેવમંદિરો, ઉત્તમ બજારો તથા બાળકોને માટે પાઠશાળાઓ, રમ્ય હવેલીઓ, કુવા, તળાવ, વાવ અને બગીચા વગેરે પણ તેમાં કરાવ્યા. રાજા પોતે સુદ્ધાં ત્યાં રહેવા લાગ્યો તેથી અનુક્રમે એ નગર પણ કુશાગપુરની જેવું થઈ પડ્યું; કારણ કે જ્યાં સૂર્ય ત્યાં દિવસ.
આ વખતે રાજાને વળી ચિન્તા થઈ કે “જો હું વસ્ત્રાલંકાર વગેરેથી શ્રેણિકનું સન્માન કરીશ તો અન્ય સર્વે કુમારો અને રાજ્યયોગ્ય માનીને એનું અશુભ કરશે; કારણ કે શુભગ્રહ (પણ) ક્યારેક ઘણા ક્રૂર ગ્રહ થકી પરાભવ પામે છે. માટે હું એના પ્રતિ અનાદર અને બીજાઓ પ્રતિ આદર બતાવું; કારણ કે બુદ્ધિમાન પુરુષોએ કાળને યોગ્ય કાર્ય કરવું જોઈએ.” એમ વિચારીને એણે સર્વ કુમારોને, પોતાની માનીતી રાણીઓના પુત્રો હોય નહીં તેમ પૃથક પૃથક દેશો વહેંચી આપ્યા. પણ
૧. પડાવ નાખીને. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૫