________________ 18 જગતના વિદ્યમાન ધર્મો જરૂર પડે છે તેમ નિષ્કામ ભાવે સામાજિક સેવા કરવાનું વ્રત લેવામાં પણ વૈરાગ્યની જરૂર પડે છે. એ જ રીતે વિદ્યાદાન, અન્નદાન, શ્રમદાન વગેરે વિવિધ પ્રકારનાં દાન આપવામાં ‘વણ જોતું નહિ સંઘરવું'નો નિયમ લેવામાં, સાદું સંયમી જીવન જીવવામાં પણ વૈરાગ્યની જરૂર પડે છે. આમ, વૈરાગ્યની ભાવના એકની એક રહેવા છતાં તે અનેક રીતે વ્યક્ત થઈ શકે છે અને તેથી જુદી જુદી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જુદા જુદા ધર્મમાં વૈરાગ્યનો વિચાર જુદી જુદી રીતે કરવામાં આવે તે શક્ય અને આવશ્યક પણ છે. આને કારણે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. ધર્મ એક છે પણ ધર્મો અનેક છે' એ કથનને સ્પષ્ટ કરતી ઉપર્યુક્ત સમજૂતી પરથી જણાશે કે આ કથનનો અર્થ એ છે કે તાત્ત્વિક દૃષ્ટિએ ધર્મનું સ્વરૂપ એકસરખું છે પણ ભૌગોલિક તેમજ. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં આપણને જગતમાં અનેક ધર્મો જોવા મળે છે. ડૉ. રાધાકૃષ્ણના શબ્દોમાં કહીએ તો, “ભિન્ન ભિન્ન ધર્મો એ નિરાકાર સત્યનાં ઐતિહાસિક સાકાર રૂપો છે. મૂળ સંપત્તિ એક અને અવિભાજ્ય છે; પણ જે માટીના વાસણમાં તે ભરેલી છે તે વાસણ તેના સમય અને સંજોગોના આકાર અને રંગ ધારણ કરે છે.” આમ, આપણે જોઈએ છીએ કે જગતમાં અનેક ધર્મો છે. આ અનેક ધર્મોમાંના પ્રત્યેક વિદ્યમાન ધર્મનો અભ્યાસ થવો ઘટે છે, અને તેથી ધર્મની તાત્ત્વિક એકતાને ભૂલ્યા સિવાય જગતમાં વર્તમાનકાળે વિદ્યમાન એવા ધર્મોનો વિગતવાર પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. 2. જગતના વિદ્યમાન ધર્મોનું ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ વર્ગીકરણઃ માનવસંસ્કૃતિના ઈતિહાસ પર નજર નાખતાં એ સ્પષ્ટ થાય છે કે આજ સુધીમાં જગતમાં જેટલા ધર્મો અસ્તિત્વમાં આવ્યા તેમાંના બધા આજે વિદ્યમાન નથી. એક કાળે વિકસેલા બારેક જેટલા ધર્મોએ દુનિયાનો તખ્તો છોડી દીધો છે. દા.ત., પ્રાચીન ઇજિપ્તનો ધર્મ, પ્રાચીન મેક્સિકો અને પેરૂના ધર્મો, પ્રાચીન બેબિલોનિયાનો ધર્મ, ગ્રીસ અને રોમના ધર્મો અને યુરોપના ટ્યુટોનિક લોકોનો ધર્મ. જગતના મુખ્ય વિદ્યમાન ધર્મોની સંખ્યા અગિયારની છે. આ અગિયાર ધર્મોનાં નામ તેમજ તેમના સ્થાપક (જો હોય તો), ઉદ્ભવકાળ અને ઉદ્દભવસ્થાનની માહિતી નીચેના કોઠા પરથી મળી રહેશે :