________________ જગતના વિદ્યમાન ધર્મો હોય અને શુદ્રનાં સંતાનો મજૂરી કરી શકે તેવાં શરીર અને સ્વભાવનાં હોય એમ હિન્દુ ધર્મમાં કામચલાઉ ધોરણે સ્વીકારવામાં આવે છે. પણ આ રીતે કરવામાં આવતા વર્ણનિર્ણય આખરી નથી. મનુસ્મૃતિમાં જણાવવામાં આવ્યું છે કે, “જે બ્રાહ્મણ વિદ્યાવ્યાસંગ છોડીને બીજે ક્યાંક મજૂરી કરે છે તે આ જન્મે જ શુદ્ર બની જાય છે.”૮ વળી, “પોતાના ચારિત્ર્ય વડે બ્રાહ્મણ શૂદ્ર બની જાય છે અને શુદ્ર બ્રાહ્મણ બની શકે છે. ક્ષત્રિય અને વૈશ્યકુળમાં જન્મેલાઓને પણ આ જ નિયમ લાગુ પડે છે.” આમ, આપણે જોઈએ છીએ કે માણસના સ્વભાવ અને વ્યવસાય પરથી તેનો વર્ણ નક્કી થાય છે, અને વર્ણ પરથી તેનાં કર્તવ્યો અને સદ્ગુણો નક્કી થાય છે. સમાજમાં પોતાનું જે સ્થાન હોય તે પ્રમાણેનાં કર્તવ્યો કરવા અને તેને અનુરૂપ સદ્ગુણો ખીલવવા એ હિન્દુ ધર્મના મતે દરેક માણસનો “સ્વધર્મ છે. જે માણસ પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરે છે અને બીજાનાં કર્તવ્યોમાં હસ્તક્ષેપ કરે છે તે માણસ હિન્દુ ધર્મની દૃષ્ટિએ “સ્વધર્મને છોડીને ‘પરધર્મનું આચરણ કરે છે. આથી ગીતામાં કહેવામાં આવ્યું છે કે, “સ્વધર્મ પાળતાં મૃત્યુ થાય તોપણ તે હિતાવહ છે, જ્યારે પરધર્મ ભયાવહ છે.” ગીતાના આ કથનનું વિવરણ કરતાં ગાંધીજી લખે છે કે, “સમાજમાં એકનો ધર્મ ઝાડુ કાઢવાનો હોય ને બીજાનો ધર્મ હિસાબ રાખવાનો હોય. હિસાબ રાખનાર ભલે ઉત્તમ ગણાય છતાં ઝાડુ કાઢનાર જો પોતાનો ધર્મ છોડે તો ભ્રષ્ટ થાય ને સમાજને હાનિ પહોંચે”૧૦ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવ્યવસ્થા વચ્ચેનો ભેદઃ વર્ણધર્મનું નિરૂપણ પુરૂં કરતાં પહેલાં વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવ્યવસ્થાનો ભેદ સ્પષ્ટ કરવો જરૂરી છે. વર્ણવ્યવસ્થા એ વર્ણધર્મ કે સ્વધર્મના પાલન માટેની વ્યક્તિ અને સમાજ ઉભયના હિતની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની આવકારદાયકતા અંગે બે મત હોઈ શકે જ નહિ. જ્ઞાતિવ્યવસ્થા આના કરતાં જુદા પ્રકારની વ્યવસ્થા છે. જુદા જુદા પ્રદેશોના વસવાટ પરથી, જુદા જુદા ધંધા પરથી, જુદા જુદા પ્રકારની જીવનરીતિ પરથી એમ અનેક રીતે અસ્તિત્વમાં આવેલી અસંખ્ય જ્ઞાતિઓ વર્તમાન હિન્દુ સમાજમાં જોવા મળે છે. આમ વર્ગો ચાર જ છે જ્યારે જ્ઞાતિઓ અસંખ્ય છે. વળી, જેમ માણસના વર્ણનો નિર્ણય તેના ગુણ અને કર્મ પરથી કરવાની જેવી જોગવાઈ વર્ણવ્યવસ્થામાં છે તેવી જ્ઞાતિવ્યવસ્થામાં નથી. માણસની જ્ઞાતિનો નિર્ણય તો તેના જન્મથી જ થાય છે. છેલ્લે, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણધર્મ કે સ્વધર્મના પાલન માટે વર્ણવ્યવસ્થાનો જ આદેશ છે. જ્ઞાતિવ્યવસ્થા એ અમુક પ્રકારની સામાજિક પરિસ્થિતિનું પરિણામ છે. વર્તમાન સમાજની જરૂરિયાતોને અનુલક્ષીને જ્ઞાતિવ્યવસ્થામાં કશો ફેરફાર કરવામાં આવે તો તેથી હિન્દુધર્મના વર્ણધર્મને કે સ્વધર્મના સિદ્ધાંતને કોઈ આંચ આવે નહિ, કારણ કે ગાંધીજી કહે છે તેમ “વર્ણને આજની ન્યાત જોડે કસો સંબંધ નથી. તેમજ વર્ણતર ભોજન અને વિવાહનિષેધ વર્ણધર્મનું સ્વીકારનું આવશ્યક અંગ નથી.”