________________ જરથોસ્તી ધર્મ 153 તત્ત્વોની નીચેની રીતે પ્રાર્થના કરે છે : અહુરમઝદની તમામ ચીજોને પવિત્ર કરનાર આતશ તારું અને અન્ય તમામ આતશોનું હું ઇજન કરું છું.”30 “પ્રિય, સહુથી વધુ તેજવાળા અસ્તિત્વના સરદાર અહુરમઝદના આતશને હું યાદ કરું છું.”૩૧ અહુરમઝદની પવિત્રતાનો પરિચય અગ્નિ દ્વારા આપણને પૃથ્વી પર જ થાય છે. અગ્નિ વસ્તુઓને સ્વચ્છ કરે છે. યજગ્નના ૬૨મા હા (પ્રકરણોમાં અહુરમઝદે ઉત્પન્ન કરેલ સર્વ ચીજોને પવિત્ર કરનાર, હિંમત આપનાર આતશ પાસે સુખ, દીર્ધાયુ, ડહાપણ, શક્તિ, આબાદી વગેરેની માગણી કરવામાં આવી છે. અગ્નિના ઉપર્યુક્ત મહત્ત્વને કારણે આ ધર્મમાં અગ્નિમંદિરોનું વિશેષ મૂલ્ય છે. અગ્નિમંદિરોમાં અગ્નિ પ્રજ્વલિત રાખવામાં આવે છે. તેના પર સુગંધી દ્રવ્યો છાંટવામાં આવે છે. જરથોસ્તીઓ પોતાના ઘરમાં પણ આતશ-અગ્નિ-ને પ્રજ્વલિત રાખે છે અને તેની પૂજા કરે છે. અહીં પ્રશ્ન એ છે કે શું પારસીઓ અગ્નિપૂજક છે? આ પ્રશ્નના ઉત્તરરૂપે પ્રો. દાવર કહે છે કે, “ઘણી વાર કોઈ મૂર્તિને જ દેવ કે દેવી ગણવામાં આવે છે. અગ્નિને આવા અર્થમાં જરથોસ્તી ધર્મમાં સ્વીકારવામાં આવ્યો નથી. અગ્નિ અહુરમઝદ નથી અહુરમઝદનું પ્રતીક છે.”૩૨ વૈરાગ્યભાવના : જરથોસ્તી ધર્મની વૈરાગ્યભાવનાનું રૂપ જુદું છે. ગૃહસ્થી રહીને પણ વૈરાગ્યવૃત્તિ કેળવી શકાય એમ આ ધર્મ માને છે. આ ધર્મ સંસારત્યાગની વિરુદ્ધ છે, પણ ત્યાગભાવનાની વિરુદ્ધ નથી. અહુરમઝદે જરથુષ્ટ્રને કહ્યું છે કે, “હે સ્પીતમ જરથુષ્ટ્ર! જે માણસ પરણેલો છે તે અપરિણીત કરતાં વધારે સારો છે. જે ગૃહસ્થી છે તે ગૃહ વિનાના કરતાં વધારે સારો છે.૩૩ આનો અર્થ એ કે આ ધર્મ લગ્નને સંયમી અને સંસ્કારી કર્મ ગણે છે. ગૃહસ્થ જીવનમાં પવિત્ર કર્મો માટે તંદુરસ્તી આવશ્યક છે, તેથી આ ધર્મ ઉપવાસને મહત્ત્વ આપતો નથી; હાથ-પગ ચાલે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવી જ એમ આ ધર્મ કહે છે. આળસ એ ખરાબ વર્તન તો છે જ પણ ખરાબ વિચાર માટે મુખ્ય કારણ છે. તેથી પ્રવૃત્તિમય જીવન જ શ્રેષ્ઠ છે એમ આ ધર્મ માને છે. વળી સંન્યાસીઓની જવાબદારી સમાજે ઉઠાવવી પડે છે એ કારણથી પણ આ ધર્મ સંન્યસ્તને અનુમોદન આપતો નથી. આમ, આસક્તિથી સભર ગૃહસ્થી જીવન નહીં અને આસક્તિત્યાગ માટે સંસારત્યાગ નહીં, પણ સંસારમાં રહીને જ આસક્તિત્યાગ એવી વૈરાગ્યભાવના આ ધર્મમાં છે.