________________ 244 જગતના વિદ્યમાન ધર્મો જ ઊભી થાય છે કે જયારે એક ધર્મના અનુયાયી પોતાના સિવાયના કોઈ પણ ધર્મનું શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત નથી એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરે છે. જો ઈશ્વર એક જ હોય તો એ એકનો એક ઈશ્વર જ હિંદુઓને, મુસલમાનોને અને ખ્રિસ્તીઓને તેમના આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી હોય તેવી પ્રેરણાવાળું શાસ્ત્ર તેમને આપે, એ સર્વ જીવોનું હિત ચાહનારા અને સર્વ શક્તિમાન ઈશ્વર માટે તદ્દન સ્વાભાવિક છે. આમ, તમામ ધર્મોનાં શાસ્ત્રોને ઈશ્વરપ્રેરિત માનવા એ જ એકેશ્વરવાદી દષ્ટિ સાથે સુસંગત છે. આથી જ વેદને ઈશ્વરપ્રેરિત માનનારા એક ચુસ્ત હિંદુની હેસિયતથી ગાંધીજીએ લખ્યું છે : “કુરાનને ઈશ્વરપ્રેરિત માનતાં હું નથી અચકાતો, જેમ બાઈબલ, છંદ અવેસ્તા, ગ્રંથસાહેબ અને બીજાં નિર્મળ શાસ્ત્રોને ઈશ્વરપ્રેરિત માનતા હું નથી અચકાતો. આમ, બધા ધર્મોના નિર્મળ શાસ્ત્રગ્રંથોને ઈશ્વરપ્રેરિત માનીને તેમાંથી પોતાના આધ્યાત્મિક વિકાસ માટે પ્રેરણા મેળવવી એ દરેક ધર્મપ્રેમી માણસનું કર્તવ્ય બની રહે છે.” આ દૃષ્ટિએ જોતાં ગાંધીજી કહે છે તેમ “આપણે બધા મુસલમાન છીએ; તેમજ આપણા બધા હિંદુ અને ખ્રિસ્તી પણ છીએ. સત્ય એ કોઈ પણ એક ધર્મગ્રંથની એકાંતિક સંપત્તિ નથી.” 2. ઈશ્વરવાદ અને એકેશ્વરવાદ : જગતના મોટા ભાગના ધર્મો ઈશ્વરવાદી છે. અર્થાત તેમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જગતના તમામ ધર્મો પૈકી ફક્ત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જ ધર્મો એવા છે કે જેમાં સૈદ્ધાંતિક રીતે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જોકે જૈન ધર્મમાં મહાવીર સ્વામી અને બીજા તીર્થકરોની અને બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધની ઈશ્વરની પેઠે જે પૂજાઆરાધના કરવામાં આવે છે. આમ, પરિપૂર્ણ ઈશ્વર કે પરિપૂર્ણ દૈવી પુરુષના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેની આરાધના કરવી એ ધર્મ માત્રની એક વ્યાપક લાક્ષણિકતા છે. ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારા ધર્મો માટે ઈશ્વરની સંખ્યાનો પ્રશ્ન મહત્ત્વનો બને છે. ઈશ્વર એક છે કે અનેક ? એ પ્રશ્નનો વિકસિત ધાર્મિક ચેતના તરફથી મળતો જવાબ એ છે કે ઈશ્વર એક અને અદ્વિતીય છે. ઈશ્વરને એક અને અદ્વિતીય માનનાર એકેશ્વરવાદી કહેવાય છે. એકેશ્વરવાદનો એકદમ જોરદાર આગ્રહ રાખવા માટે ઇસ્લામ ધર્મ સૌથી વધારે વિખ્યાત છે. યહૂદી, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પણ એકેશ્વરવાદ સ્પષ્ટ છે. હિંદુ, જરથોસ્તી, તાઓ અને શિન્જો ધર્મમાં ઉપરછલ્લી રીતે જોતાં અનેકદેવવાદ જોવા મળે છે. પરંતુ ઊંડાણથી વિચારતાં આ ધર્મો પણ એકેશ્વરવાદી જ છે એ વાતની પ્રતીતિ થાય છે. હિંદુ ધર્મશાસ્ત્રો વારંવાર એ જ વાત કરે છે કે પરમાત્મા એક જ છે અને જુદા જુદા માણસો પોતપોતાની રુચિ પ્રમાણે તેનાં વિવિધ નામો આપે છે અને તેનાં વિવિધ રૂપો કહ્યું છે. આમ, હિંદુ ધર્મની ‘ત્રિમૂર્તિ',