________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 245 પંચાયતન” વગેરેને લગતી કલ્પનામાં અનેક દેવવાદનું નહિ, પણ એક જ ઈશ્વરને અનેક રીતે આરાધવાના સ્વાતંત્ર્યનું જ પ્રતિબિંબ પડે છે. એ જ રીતે જરથોસ્તી ધર્મમાં અહુરમઝદ'ના, તાઓ ધર્મમાં “તાઓ'ના અને શિન્જો ધર્મમાં “કમી'ના સ્વરૂપનું જે વર્ણન છે તેનો તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં એમ સ્પષ્ટ થાય છે કે આ ધર્મો પણ અંતિમ તત્ત્વ તરીકે એક જ ઈશ્વરનો સ્વીકાર કરનારા એકેશ્વરવાદી ધર્મો છે. આમ, આપણે જોઈએ છીએ કે માણસની વિકસિત ધાર્મિક ચેતના અનેકદેવવાદને ત્યજીને એકેશ્વરવાદનું સમર્થન કરે છે. 3. દેવી અવતરણ અંગેની માન્યતા : ઈશ્વર આ જગતનો સર્જક છે એટલું જ નહિ, પણ આ જગત અને ખાસ કરીને આ જગતમાં વસતા મનુષ્યો સાથે તેને ઘનિષ્ઠ જીવંત સંબંધ છે એવી માન્યતા બધા ઈશ્વરવાદી ધર્મોમાં જોવા મળે છે. જગત સાથેના પોતાના ઘનિષ્ઠ જીવંત સંબંધને લીધે ઈશ્વર ક્યારેક જગતમાં અવતાર ધારણ કરે છે અથવા તો પોતાની કોઈ પયગંબરને આ પૃથ્વી પર મોકલે છે એવી માન્યતા હિંદુ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં છે. હિંદુ ધર્મની માન્યતા એવી છે કે આ જગતમાં જ્યારે જ્યારે ધર્મસંસ્થાપનની જરૂર પડે છે ત્યારે ત્યારે ઈશ્વર પોતે અવતાર ધારણ કરે છે. હિંદુ શાસ્ત્રો સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વરના અનેક અવતારો અનેક સ્થળે અને અનેક સ્વરૂપે થયા છે તેમજ થયા કરશે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં ઈશ્વર પોતે અવતાર ધારણ કરે છે એવી માન્યતા નથી, પણ ઈશ્વર કોઈ દૈવી ઉદ્ધારકને પૃથ્વી પર મોકલે છે એવી માન્યતા છે. આ માન્યતાની સમજૂતી આપતાં પ્રો. દાવર લખે છે : “ઈશ્વરનો એક સર્વમાન્ય નિયમ છે કે જ્યારે જગત ઉપર જુલમ, અનીતિ, અધર્મ અને અન્યાયનું રાજ્ય ફેલાય છે ત્યારે કોઈ પયગમ્બર કે મહાત્મા આવી સત્ય, પ્રેમ, અહિંસા વગેરે તરફ લોકોનું ફરીથી લક્ષ દોરે છે.”૩ આ માન્યતાને અનુસરીને જરથોસ્તીઓ અષો જરથુષ્ટ્રને “અહુરમઝદ'ના પયગમ્બર માને છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મમાં ઈસુને ઈશ્વરના પુત્ર અને ઇસ્લામ ધર્મમાં મહંમદને અલ્લાહના પયગમ્બર માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં મહંમદ સિવાયના પયગમ્બરોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. કુરાનમાં વારંવાર એમ કહેવામાં આવ્યું છે કે, “એક પણ કોમ એવી નથી જેમાં અમારો કોઈ ચેતવનાર (રસૂલ) થઈ ગયો ન હોય.”૪ જે ધર્મોમાં દેવી અવતરણનો સિદ્ધાંત સ્પષ્ટ રીતે ઉપદેશવામાં નથી આવ્યો તે ધર્મોમાં પણ પોતપોતાના ધર્મસંસ્થાપકોને દૈવી પુરુષો માનવામાં આવે છે. આમ, જૈન ધર્મમાં મહાવીર સ્વામીને, બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધને, શીખ ધર્મમાં નાનકદેવ વગેરે શીખ ગુરુઓને, કન્ફયુશિયસ ધર્મમાં મહાત્મા કફ્યુશિયસને અને તાઓ ધર્મમાં મહાત્મા લાઓત્રુને દૈવી સંસ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. આમ, આ પૃથ્વી પર ધર્મસંસ્થાપન માટે દૈવી અવતરણ થયા કરે છે એવી માન્યતા જગતના લગભગ બધા ધર્મોમાં એક યા બીજા રૂપે જોવા મળે છે.