________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 247 હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના મત પ્રમાણે, જેનો જન્મ છે તેનું મરણ છે અને જેનું મરણ છે તેનો ફરી જન્મ છે, કારણ કે આગલા જન્મોનાં કર્મને લીધે જીવનો આ જન્મ નક્કી થાય છે અને આ જન્મનાં કર્મોને લીધે તેનો ભવિષ્યનો જન્મ નિયત થાય છે. આ રીતે ચાલતી જન્મમરણની જંજાળ કે ભવાટવિમાં જીવ અનંત કાળ સુધી ભટક્યા જ કરે છે એવી આ ધર્મોની માન્યતા નથી. તેમનો મત એવો છે કે જો માણસ મોક્ષપ્રાપ્તિના પ્રયત્નો કરીને કર્મનાં બંધન તોડી નાખે તો તે ભવચક્રમાંથી છૂટીને પોતાના આત્માના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. અર્થાત મોક્ષાવસ્થાને પામે છે. મોક્ષાવસ્થાના સ્વરૂપ અંગેની વિગતોમાં આ ધર્મો વચ્ચે મતૈક્ય નથી, પરંતુ આ ચારે ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે મોક્ષાવસ્થા એ શાશ્વત ધન્યતાની સ્થિતિ અને અને તેમાં દુ:ખનો સદંતર અભાવ હોય છે. આમ, આ ચારે ધર્મોના મત પ્રમાણે આત્મા અમર છે અને શરીરના મરણ પછી અમર આત્મા કાં તો પોતાના કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે અથવા તો જો તેને કર્મોનું ફળ ભોગવવાનું ન રહ્યું હોય તો તે પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી મોક્ષાવસ્થારૂપી શાશ્વત ધન્યતાની સ્થિતિને પામે છે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના મત પ્રમાણે, પુનર્જન્મ નથી. આનો અર્થ એ કે આ ધર્મોની દૃષ્ટિએ માણસનો આ જન્મ એ જ તેનો આ પૃથ્વી પરનો પહેલો તેમજ છેલ્લો જન્મ છે. જોકે આનો અર્થ એ નહિ કે આ ધર્મો આત્માને અમર માનતા નથી. તેમને આત્માના અમરત્વનો સિદ્ધાંત માન્ય છે, કારણ કે આ ચારે ધર્મો એમ માને છે કે મરણ પછી માણસ ફરીથી સજીવન થાય છે. આમ, આ ચારે ધર્મો કયામવાદી છે, કારણ કે પ્રોફેસર દાવર કહે છે તેમ ““કયામતનો અસલ અર્થ-ઊઠીને ઊભા થવું (સજીવન થવું) - એવો થાય છે.”૬ મરણ પછી કેટલા વખતે માણસ ફરીથી સજીવન થાય છે એ પ્રશ્નનો એકસરખો ઉત્તર આ ધર્મોમાંથી મળતો નથી. પણ આ ચારે ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે 1. મરણ પામ્યા પછી અમુક વખત પસાર થયા બાદ મૃતાત્મા ફરી સજીવન થાય છે અને અલૌકિક દુનિયામાં અનંતકાળ સુધી જીવે છે. 2. આ અલૌકિક દુનિયામાં માણસનાં પાપ અને પુણ્યનો હિસાબ કરીને તેનો ન્યાય તોળવામાં આવે છે. 3. પાપની સજારૂપે જીવાત્મા આ અલૌકિક દુનિયામાં નરકનાં જેવાં દુ:ખોનો અનુભવ કરે છે અને પુણ્યના બદલારૂપે જીવાત્મા ઈશ્વરના સાંનિધ્યમાં રહીને સ્વર્ગીય આનંદને પ્રાપ્ત કરે છે. માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની ઉપર્યુક્ત માન્યતાનું નિરૂપણ આ ધર્મોના પવિત્ર શાસ્ત્રગ્રંથોમાં કરવામાં આવેલું છે અને તેથી એમ કહેવાનું સર્વથા ઉચિત છે કે આ ધર્મો માણસના મરણોત્તર અસ્તિત્વમાં અને એ અસ્તિત્વ દરમિયાન મળતા કર્મના સુયોગ્ય બદલામાં માને છે પણ પુનર્જન્મમાં માનતા નથી. આમ છતાં કેટલાક જરથોસ્તી અભ્યાસીઓ એવો મત ધરાવે છે કે જરથોસ્તી ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે. આથી જરથોસ્તી ધર્મના જ