________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 255 પણ એક યા બીજા પ્રતીકનું અવલંબન તો લેવામાં આવે જ છે. પંડિત સુખલાલજી કહે છે તેમ “પરમાત્મ તત્ત્વ એ તો ખરી રીતે વાણી અને મનને અગોચર જ છે, પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને અનેક પ્રતીકો છે; પછી ભલે તે પ્રતીકો કાષ્ટ, પાષાણ કે ધાતુનાં મૂર્ત રૂપ હોય અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય, આખરે તો એ બધાં મૂર્ત-અમૂર્ત પ્રતીકો જ છે.”૨૨ અને ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે તેમ, “જુદાં જુદાં પ્રતીકો ઈશ્વરના સાચા સ્વરૂપથી ભલે ગમે તેટલાં દૂર છતાં, માણસના અંતરમાં ઊંચી કોટિના આધ્યાત્મિક ભાવો ભરે છે ને એ ભાવોને પોષે છે.”૨૩ આથી જગતના તમામ ધર્મોમાં કોઈ ને કોઈ પ્રતીકના અવલંબન વડે પરમતત્ત્વની ભક્તિ કરીને એ તત્ત્વને પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અખાજીએ કહ્યું છે : “સુતર આવે ત્યમ તું રહે; જેમ તેમ કરીને હરિને લહે.”૨૪ આમ, જુદા જુદા સાધકોની રુચિ અને સંયોગોને અનુલક્ષીને જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે ઇષ્ટદેવની ભક્તિ કરવામાં આવે છે; પણ ગમે તે રીતે “હરીને કહી શકાય એ જ બધા ધર્મોનો આશય હોય છે. 4. વૈરાગ્યભાવના અને તેની અભિવ્યક્તિ કે ધર્મ એ જીવન પ્રત્યેની આધ્યાત્મિક દૃષ્ટિનું પરિણામ છે. માનવજીવનનો આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરનાર માણસ નીતિ અને ભક્તિથી વંચિત રહી શકતો નથી. આમ, ધાર્મિક જીવનમાં 1. આધ્યાત્મિક દૃષ્ટિ (આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન), 2. નીતિ અને 3. ભક્તિ - એ ત્રણ અંગો આવશ્યક છે અને આપણે આગળ જોઈ ગયાં તેમ ધાર્મિક જીવનનાં આ ત્રણે અંગને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે. ધાર્મિક જીવનમાં અપેક્ષિત એવો આ પ્રકારનો સંયમ વૈરાગ્યથી શક્ય બનતો હોઈ, જગતના તમામ ધર્મોમાં વૈરાગ્યભાવનાનું મહત્ત્વ સ્વીકારાયું છે અને એ ભાવનાની અભિવ્યક્તિરૂપે જુદા જુદા પ્રકારનાં વ્રતો, ઉપવાસો અને તીર્થયાત્રાઓ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વૈરાગ્યભાવનાની અભિવ્યક્તિરૂપે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી કે ભિક્ષુની રીતે જીવવાનું જરૂરી છે કે કેમ એ પ્રશ્ન અંગે બધા ધર્મો વચ્ચે મતૈક્ય નથી. જગતના મોટા ભાગના ધર્મોનો મત એવો છે કે જેમનામાં તીવ્ર વૈરાગ્યભાવના હોય તેઓ સંસારત્યાગ કરે તે ઇષ્ટ છે. જોકે સંસારમાં રહીને પણ સાધક ધર્મમાર્ગે આગળ પ્રયાણ કરી શકે છે. આથી ઊલટું, જરથોસ્તી, શીખ વગેરે ધર્મોમાં સંસારત્યાગનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે અને એવો ઉપદેશ આપવામાં આવ્યો છે સંસારના ઉદ્યમો કરતાં કરતાં નેકીભર્યું અને પવિત્ર ગૃહસ્થજીવન જીવવામાં જ વૈરાગ્યભાવનાની સાચી અભિવ્યક્તિ સમાયેલી છે. ઉપસંહાર : જગતના જુદા જુદા ધર્મોના 1. તાત્ત્વિક સિદ્ધાંતો, 2. નૈતિક સિદ્ધાંતો, 3: