________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 253 પાલનથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થો ઉપરાંત મોક્ષરૂપી પરમ પુરુષાર્થ પણ સિદ્ધ થાય છે. કફ્યુશિયસ ધર્મે ઉપદેશેલા પાંચ સામાજિક સંબંધોને લગતાં કર્તવ્યોનું પાલન કરવાથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થ સિદ્ધ થાય છે પણ મોક્ષરૂપી પરમ પુરુષાર્થને પણ સિદ્ધ કરે એ રીતે આ કર્તવ્યોનો વિચાર કન્ફયુશિયસ ધર્મમાં કરવામાં આવ્યો નથી. બીજી રીતે કહીએ તો, કફ્યુશિયસ ધર્મમાં માણસનાં સામાજિક કર્તવ્યોનો વિચાર કેવળ લૌકિક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે, જયારે હિંદુ ધર્મમાં માણસના “સ્વધર્મનો વિચાર લૌકિક તેમજ પરલૌકિક એ બંને દૃષ્ટિને ન્યાય થાય એ રીતે કરવામાં આવ્યો છે. 2. જરથોસ્તી અને ખ્રિસ્તી ધર્મ ઉપદેશેલી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વ્યવહારની નીતિ : ખ્રિસ્તી ધર્મના ઉપદેશ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિએ બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં હંમેશાં પ્રેમ, દયા અને ક્ષમાની ભાવના જ પ્રગટ કરવી જોઈએ. સામી વ્યક્તિની લાયકાત શી છે ? તે આપણી પ્રેમપૂર્ણ વર્તણૂકનો યોગ્ય પ્રતિભાવ દાખવે છે કે આપણી પ્રેમભાવનાનો ખોટો લાભ ઉઠાવે છે? વગેરે પ્રશ્નો પૂછવા એ ઈસુ ખ્રિસ્ત ઉપદેશેલા “માનવપ્રેમ એ જ ઈશ્વરપ્રેમ છે' એ સિદ્ધાંતની સાથે બિલકુલ સુસંગત છે. વારંવાર નિષ્ફળ જવા છતાં તેઓ પ્રેમ-કરુણાના માર્ગે જ ચાલ્યા કરવાનું ચાહે છે અને આશા રાખે છે કે પાપીનો અવશ્ય હૃદયપલટો થશે. તેમ થાય કે ન થાય તો ઈસુ તો પ્રેમ અને ભલાઈની જ વાત કરવાના અને તે પ્રમાણે જ આચરણ કરવાના.”૧૮ આમ, ખ્રિસ્તી નીતિશાસ્ત્ર પ્રમાણે સામી વ્યક્તિની યોગ્યતા કે તેના પ્રતિભાવોથી નિરપેક્ષ રીતે માણસે બીજાઓ સાથે પ્રેમભર્યો વર્તાવ કરવો જોઈએ. જરથોસ્તી ધર્મનો નૈતિક ઉપદેશ આટલી હદે આદર્શવાદી નથી. પ્રો. દાવર કહે છે તેમ ““જરથુષ્ટ્રની ઈચ્છા હતી કે, પાપ ઉપર પુણ્યનો વિજય થાય; પાપ પુણ્યને દબાવી ન દે તેથી જ તેમણે આજ્ઞા કરી હતી કે ભલાઈનો બદલો ભલાઈથી વાળો અને ભૂંડાઈનો બદલો પણ અમુક હદ સુધી ભલાઈ અને ક્ષમાથી વાળો; પણ જો ભલાઈનો અણઘટતો લાભ લેવાતો હોય અને ક્ષમાનું પરિણામ બેવડી બૂરાઈમાં આવતું હોય તો તે પાપી સાથે ઉચિત ન્યાયથી વર્તો. જરથુષ્ટ્રના ફરમાન મુજબ જે માથાભારે પાપીઓ સુધરે નહિ અને સુધારવા માગે પણ નહિ તેમનો સશસ્ત્ર સામનો કરી તેમને પરાજિત કરવો જોઈએ.”૧૯ ખ્રિસ્તી ધર્મ ઉપદેશેલી પ્રેમભાવનાની વિરુદ્ધ જરથોસ્તી ધર્મ ઉપદેશેલી ન્યાયભાવનાનું સમર્થન કરતાં પ્રો. દાવર કહે છે : “ઈસુની નીતિસંહિતા આપણા અંતરાત્માને જગાડે છે. એમની આજ્ઞા-કોઈ આપણા જમણા ગાલ ઉપર લપડાક મારે તો આપણે ડાબો ગાલ ધરવો જોઈએ. (મેથ્ય 5, ૩૯)-સૌ સંતપુરુષોની સાધુતા જગાડે તેવી છે, પણ શું જગતમાં સૌ સંતો છે? પ્રત્યેકને આત્મા તો છે જ, પણ પ્રત્યેક પુરુષનો આત્મા એકસરખો વિકસિત અને સંવેદનશીલ નથી હોતો. આપણે જોયું કે, ઈસુની