________________ 246 જગતના વિદ્યમાન ધર્મો 4. કર્મનો નિયમ અને પુનર્જન્મનો સિદ્ધાંત : માણસ જેવું કર્મ કરે તેવું ફળ તેને આ ને આ જ જન્મે કે આ પછીના જન્મમાં મળે છે એવી કર્મના નિયમ અને પુનર્જન્મને લગતી માન્યતા હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ એ ચાર ધર્મમાં બહુ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી છે. જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ ચાર ધર્મો પુનર્જન્મમાં માનતા નથી, પરંતુ ધર્મોમાં કર્મના નિયમનો સ્વીકાર તો છે જ, કારણ કે માણસને તેનાં કર્મોનો યોગ્ય બદલો મળે છે એવો સિદ્ધાંત આ ધર્મોને માન્ય છે. આમ, પ્રત્યેક માણસ પોતાના કર્મ માટે જવાબદાર છે અને તેથી દરેક માણસને પોતાનાં સારાં કર્મોનું સુખદ ફળ અને ખરાબ કર્મોનું દુઃખદ ફળ નિશ્ચિત રીતે મળે છે, એવો સિદ્ધાંત તો આ આઠે આઠ ધર્મોમાં સ્વીકારાયો છે. કન્ફયુશિયસ, તાઓ અને શિન્તો-આ ત્રણ ધર્મમાં કર્મના આવા અફર નિયમનું સ્પષ્ટ પ્રતિપાદન નથી, પણ આ ધર્મોમાં સત્કર્મોનું જે રીતે પ્રતિપાદન થયું છે તે જોતાં એમ સ્પષ્ટ થાય છે કે તેમાં પણ કર્મના નિયમનો ગર્ભિત રીતે સ્વીકાર થયેલો છે. આના પરથી એમ કહી શકાય કે જગતના તમામ ધર્મોમાં કર્મના નિયમનો સ્વીકાર થયેલો છે. જગતના બધા ધર્મોને કર્મના નિયમ માન્ય છે, જ્યારે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર આપણે જોઈ ગયાં તેમ હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ એ ચાર ધર્મોમાં જ થયેલો છે. આ ધર્મોનું પ્રતિપાદન એવું છે કે જો કર્મનો નિયમ સ્વીકારવામાં આવે તો પુનર્જન્મનો સ્વીકાર અનિવાર્ય બને છે. કારણ કે માણસને કેટલીક વાર આ જન્મમાં એવાં ફળ ભોગવવા પડે છે કે જેમનો ખુલાસો તેનાં આ જન્મનાં કર્મો વડે થઈ શકે નહિ. આથી એમ સ્વીકારવાનું અનિવાર્ય બને છે કે માણસે આગલા જન્મમાં કરેલાં કેટલાંક કર્મોનું ફળ તેને આ જન્મે ભોગવવું પડે છે. એ જ રીતે માણસ આ જન્મમાં જેટલાં કર્મો કરે છે તે બધાંનું ફળ તેને આ જન્મમાં જ મળી જતું નથી અને તેથી એમ સ્વીકારવાનું જરૂરી બને છે કે પોતાના આ જન્મનાં કેટલાંક કર્મોનું ફળ માણસે ભવિષ્યના જન્મમાં ભોગવવાનું રહેશે. આમ, કર્મનો નિયમ અને પુનર્જન્મ એ બંને સિદ્ધાંતમાં માનનારા ધર્મોનો મત એવો છે કે માણસનાં તમામ કર્મો અને તેમના ફળરૂપે માણસને ભોગવવાં પડતાં તમામ પરિણામોનો કર્મના નિયમની મદદથી સુયોગ્ય ખુલાસો કરવો હોય તો કર્મના નિયમની સાથે સાથે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર પણ અનિવાર્ય બને છે. 5. માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની માન્યતાઃ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ અંગેના માન્યતામાં આ આઠ ધર્મો બે જૂથમાં વહેંચાઈ જાય છે. કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ આમાંનું એક જૂથ મોક્ષવાદી છે, જ્યારે બીજું જૂથે કયામતવાદી છે. આ બંને જૂથની માન્યતાઓ અનુક્રમે નીચે પ્રમાણે છે: