________________ પ્રકરણ-૧૬ ધર્મોનું તુલનાત્મક અધ્યયન - જયેન્દ્રકુમાર યાજ્ઞિક પ્રાસ્તાવિક : આ પુસ્તકના પહેલા પ્રકરણમાં આપણે એ હકીક્તનો નિર્દેશ કર્યો છે કે ધર્મ એ માણસજાતની વિશેષતા છે, અને તેથી માનવજાતિઓના સાંસ્કૃતિક ઈતિહાસમાં તેમજ કોઈ પણ દેશ અને કાળના માનવસમાજમાં ધર્મનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. આ પછી બીજા પ્રકરણમાં આપણે એ મુદ્દાની સ્પષ્ટતા કરી છે કે ધર્મનું મૂળ સ્વરૂપ એક હોવા છતાં જુદા જુદા સંયોગો અને જુદી જુદી રુચિના માણસોને અનુલક્ષીને ધાર્મિક જીવનના અંગરૂપ જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગનો વિચાર જુદી જુદી રીતે કરવામાં આવે છે અને એ રીતે “ધર્મ એક હોવા છતાં અનેક “પંથો', “અનુગમો' કે ધર્મો અસ્તિત્વમાં આવે છે. આ રીતે અસ્તિત્વમાં આવેલા અનેક ધર્મોમાંના જગતના મુખ્ય ધર્મો (જગતના વિદ્યમાન અગિયાર ધર્મો)નો આપણે અભ્યાસ કર્યો છે. પ્રત્યેક ધર્મનો પરિચય મેળવતી વખતે આપણે તેના 1. તાત્ત્વિક સિદ્ધાંતો, 2. નૈતિક સિદ્ધાંતો, 3. ભક્તિભાવના અને 4. વૈરાગ્યભાવનાને સમજવાનો યત્ન કર્યો છે. આ પ્રકરણમાં આપણે આ ચાર બાબતોને અનુલક્ષીને વિવિધ ધર્મોની મહત્ત્વપૂર્ણ માન્યતાઓની તુલના કરવાનો યત્ન કરીશું. 1. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. શાસ્ત્રગ્રંથોની પવિત્રતા, પ્રમાણભૂતતા અને દિવ્યતા : આપણે જાણીએ છીએ કે જગતના વિદ્યમાન અગિયાર ધર્મોમાંના પ્રત્યેકમાં અમુક ધર્મગ્રંથ કે ધર્મગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે. આ દરેક ધર્મ પોતપોતાના શાસ્ત્રગ્રંથને એક યા બીજા અર્થમાં અલૌકિક કે દિવ્ય પણ માને છે. હિંદુ ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ તો અનુક્રમે વેદ, કુરાન અને બાઈબલને ખુદ ઈશ્વરપ્રેરિત જ માને છે. કોઈ પણ ધર્મ પોતાના શાસ્ત્રને ઈશ્વરરચિત કે ઈશ્વરપ્રેરિત માને તેમાં કશું ખોટું તો નથી જ. એથી ઊલટું, આવી માન્યતાને લીધે ધાર્મિક શ્રદ્ધા બળવત્તર બને છે અને આધ્યાત્મિક વિકાસને ઘણો વેગ મળે છે. આ માન્યતા અંગેની મુશ્કેલી ત્યારે