________________ 178 જગતના વિદ્યમાન ધમ ઈશ્વરને વિષે જે એકાંગી વિચાર હતો તેને સુધારવાનો પણ પ્રયાસ કર્યો. ઈશ્વર એ માત્ર ઊંચા સિંહાસન પર બેઠેલો રાજાધિરાજ (પિતા) નથી; પ્રેમાળ હૃદય (પુત્ર) પણ છે અને સચરાચર વિશ્વમાં, અણુએ અણુમાં વાસ પણ કરે છે (પવિત્ર આત્મા). ઈશ્વર જગતની પાર ને જગતથી અળગો ક્યાંક બેઠેલો છે એવું નથી; તે નિરવધિ પ્રેમની પ્રતિમા છે, અને જગતની ઉન્નતિના કાર્યમાં અવિશ્રાંતપણે પોતાની સર્વ શક્તિ પ્રતિક્ષણ રેડી રહ્યો છે.” ““ત્રિમૂર્તિનો સિદ્ધાંત એ ઈશ્વરનું રૂપ વિવિધ છે એમ બતાવવાનો પ્રયાસ છે. આધુનિક ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સમજવા લાગ્યું છે કે ઈશ્વરની એકતા અને તેનું ત્રિવિધ રૂપ એ બેની વચ્ચે અવિરોધ છે; માત્ર આ ત્રણ રૂપોને ત્રણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ અથવા ચેતનાનાં ત્રણ ભિન્ન કેન્દ્રો ન ગણવાં એક ઈશ્વરની જ પ્રવૃત્તિનાં ત્રણ ભિન્ન અંગો ગણવાં જોઈએ.”૧૪ ફાધર વાલેસના શબ્દોમાં કહીએ તો “ચેતના સ્વરૂપ પિતા, જ્ઞાનસ્વરૂપ ઈસુ અને શક્તિસ્વરૂપ પવિત્ર આત્મા-એ ત્રિવિધ તત્ત્વથી ઈશ્વરનું જીવન બંધાય અને માનવી એમાં ભાગ લેતો થઈ જાય.” પોતાના એક પત્રને અંતે પાઉલ ભક્તમંડળને સૂત્રરૂપ શુભેચ્છાઓ પાઠવે છે એ સૂત્ર સૌ ખ્રિસ્તીમાર્થીઓનું પ્રિય આશીર્વચન બની ગયું છે, ને એમાં ઈશ્વર વિશેના ખ્રિસ્તીદર્શનનો સાર આવી જાય છે : “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતાં રહો.”૧૫ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંત અનુસાર ઈશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા, સર્વનો સર્જક, અમર, અવિનાશી, પરમ પવિત્ર, ન્યાયશીલ છતાં કરુણામય, સત્યસ્વરૂપ છે. પ્રેમાળ પિતાની માફક તે જગતના સર્વ જીવો તરફ સમદષ્ટિ અને સમભાવ રાખે છે. ડૉ. રાધાકૃષ્ણન્ લખે છે: “વિશ્વતંત્રની સુવ્યવસ્થામાં ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થાય છે. સૂર્ય ભલા-બૂરા, પાપી-અપાપી, ન્યાયી-અન્યાયી બધાને માટે નિષ્પક્ષપણે પ્રકાશે છે; તેવી જ રીતે નિષ્પક્ષતાથી વરસાદ પણ વરસે છે. ઈશ્વર અમુક માણસો પ્રત્યે પક્ષપાત રાખી તેમની વિશેષ કાળજી રાખે છે એમ ઈસુ માનતા નથી.”૧૬ 2. માનવીનું સ્વરૂપઃ ખ્રિસ્તી ધર્મના મતે માનવીનું સ્થાન અન્ય જીવપ્રાણી માત્રની સરખામણીમાં ઘણું ઊંચું છે. માનવીની મહત્તાનું વર્ણન કરતાં ફાધર વાલેસ લખે છે : ““માનવીનો મહિમા ને ગૌરવ એ ઉપરથી સિદ્ધ થાય છે. તે સૃષ્ટિનો શિરોમણિ છે. ઈશ્વરની પ્રતિમા છે. બીજાં પ્રાણીઓમાં પણ પ્રાણ છે. વનસ્પતિઓમાં જીવન છે; પણ તેના અને માનવીના જીવન વચ્ચે મૂળભૂત ફેર હોય છે. સત્ય પારખવાની, સારાસારનો વિવેક કરવાની અને સ્વતંત્ર સંકલ્પ કરીને નૈતિક જવાબદારી વહોરવાની શક્તિ કેવળ મનુષ્યમાં છે. એનામાં જ જ્ઞાન અને પ્રેમનું તત્ત્વ છે માટે તે ઈશ્વરની પ્રતિમા કહેવાય છે અને આખી સૃષ્ટિ એને ચરણે છે.”૧૭