________________ ઈસ્લામ ધર્મ 201 નમાજ પહેલાં હાથ-પગ-મોં વગેરેને પાણીથી ધોઈ સ્વચ્છ કરવાનો આદેશ છે એને ‘વજૂ' કહે છે. નમાજ એકલા કે સમૂહમાં પઢી શકાય છે. સમૂહમાં નમાજ પઢવાનો મહિમા વધારે છે. ગરીબ અને તવંગર, માલિક અને ગુલામ, સૌ ખભેખભા મિલાવીને મસ્જિદમાં એકસાથે નમાજ પઢે છે. આથી મુસ્લિમ સમાજમાં એકતા, સમાનતા અને શિસ્તની ભાવના પ્રગટે છે. નમાજ પઢતી વખતે મુસલમાનો મક્કા તરફ મુખ રાખે છે. નમાજના સમયે મસ્જિદની રાંગ ઉપરથી બાંગ પોકારનાર મુસ્લિમોને સમૂહપ્રાર્થના માટે આમંત્રે છે. બાંગ-હાકલના શબ્દોનો અર્થ થાય છે કે, “અલ્લાહ સર્વથી મહાન છે. અલ્લાહ સિવાય બીજો કોઈ પૂજાને યોગ્ય નથી. મહંમદ અલ્લાહનો રસૂલ છે. નમાજ પઢવા પધારો, વિજયી થવા પધારો. અલ્લાહ સિવાય બીજો કોઈ દેવ નથી.” હદીસમાં નમાજ અંગે લખ્યું છે : “નમાજ એ નિર્મળ પાણીનું ઝરણું છે જે તમારે બારણેથી વહે છે. તેમાં દિવસમાં પાંચ વાર સ્નાન કરો.” દરેક ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિની દૃષ્ટિએ અમુક દિવસો મહત્ત્વના હોય છે. ઇસ્લામ ધર્મમાં રમઝાન ઇદ, બકરી, ઈદ, ઈદે મિલાદ અને મોહરમ એ ચાર આ દષ્ટિએ મહત્ત્વના છે. 7. વૈરાગ્યભાવના : વૈરાગ્યભાવનાનું સ્વરૂપ H ઇસ્લામ ધર્મના ગ્રંથોમાં આ ફાની દુનિયામાંથી આસક્તિ ઘટાડવાનો ઉપદેશ અવારનવાર નજરે પડે છે : 1. અબુદાઉદ નામના હદીસમાં કહ્યું છે : “આ દુનિયાનો મોહ રાખવો, (તેને અપનાવવી) એ જ બધાં પાપોનું મૂળ છે.” 2. ““મને મારા લોકોને માટે જે બે વસ્તુઓનો સૌથી વધારે ડર છે તે ભોગવિલાસ અને મોટા થવાની ઇચ્છા છે. ભોગવિલાસ માણસને સત્યથી ચલિત કરે છે અને મોટા થવાની ઇચ્છામાં ફસાઈને માણસ પરલોકને ભૂલી જાય છે. આ દુનિયા રહેવાની નથી અને પરલોક બહુ પાસે છે. બંનેના પોતપોતાના વારસો છે. તમારાથી બની શકે તો તમે આ દુનિયાના વારસ થઈને ન રહેશો. ખરેખર આજે તમે કર્મભૂમિ (કમાણીની દુનિયા)માં છો અને કાલે આ કર્મભૂમિમાંથી નીકળીને પરમાત્મા સમક્ષ તમારે તમારા કર્મોનો હિસાબ આપવો પડશે.”૩૯ ઇસ્લામ ધર્મના આધારસ્તંભ ગણતા રોજા અને હજ દ્વારા ઇસ્લામ ધર્મની વૈરાગ્યભાવના અભિવ્યક્ત થાય છે. રોજા : રોજા એટલે ઉપવાસ-દરેક મુસલમાનને રમઝાન માસમાં રોજા રાખવાનું ફરમાન છે. કુરાનમાં લખ્યું છે : “તમને રોજા કરવાનું કહ્યું છે જેથી તમે પાપ સામે તમારું રક્ષણ કરો.” આમ, આત્મશુદ્ધિ માટે રોજા રાખવામાં આવે છે.