________________ 82 જગતના વિદ્યમાન ધર્મો સમાજજીવનની નૈતિક જવાબદારીઓનો સ્વીકાર કરવો અને વ્યક્તિગત જીવનને કેવળ ભૌતિક સ્તરે નહિ રાખતાં આધ્યાત્મિક સ્તરે લઈ જવું, એ ધર્મમાત્રનો ઉપદેશ છે અને તેથી વસુધૈવ સુટુમ્ નાઆદર્શને વરેલી એવી હિન્દુ ધર્મની વ્યાપક દષ્ટિએ, બધા ધર્મો હિન્દુ ધર્મો જ છે. હિન્દુ ધર્મમાં રહેલી આ વ્યાપક ધર્મભાવનાને લીધે જ અન્ય ધર્મના અનુયાયી પાસે તેનો ધર્મ છોડાવીને હિન્દુ ધર્મનો અંગીકાર કરાવવાની પ્રવૃત્તિને હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન નથી હિન્દુ ધર્મની દૃષ્ટિએ એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે કોઈ ભેદ જ નથી અને તેથી ધર્માતર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હિન્દુ વિચારકો ઇતર ધર્મો પ્રત્યે કેવું વલણ ધરાવે છે એનો એક દાખલો આપતાં વિલસને લખ્યું છે : “જે બ્રાહ્મણોએ વૉરન હેસ્ટિંગ્સના હુકમથી મૃતિ ગ્રંથો પરથી હિન્દુ કાયદાનું પુસ્તક બનાવી આપ્યું તેમણે તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ઈશ્વરની ઉપાસનાના સર્વ પ્રકાર ગુણની દૃષ્ટિએ સરખા છે. તેમણે લખ્યું કે જુદા જુદા માણસો જુદા જુદા મત ધરાવે છે ને જુદા જુદા ધર્મ પાળે છે, એ વસ્તુતઃ ઈશ્વરે રચેલી યોજનાનો જ એક ભાગ છે, કેમ કે જેમ ચિત્રકાર જાતજાતના રંગોથી ચિત્રને સુશોભિત બનાવે છે, અથવા જેમ માળી પોતાના બગીચાને રંગબેરંગી ફુલોથી શણગારે છે, તેવી રીતે પરમાત્માએ દરેક પ્રજાને તેનો પોતાનો નોખો ધર્મ ઠરાવી આપ્યો છે - એટલા માટે કે મનુષ્ય વિવિધ પ્રકારે એ સર્વેશ્વરની કીર્તિ ગાઈ શકે. એ સર્વ ધર્મોનું અંતિમ ધ્યેય તો એક જ હોય છે, ને ભગવાનને તો એ બધા સરખા ગ્રાહ્ય લાગે છે.”૪૯ હિન્દુ વિચારકોમાં આ વલણ પુરાતનકાળથી છે ને આજ સુધી જળવાઈ રહ્યું છે. ગાંધીજી લખે છે કે “ધારો કે કોઈ ખ્રિસ્તી મારી પાસે આવે ને કહે કે, ભાગવત વાંચીને હું મુગ્ધ થઈ ગયો છું ને તેથી મારે હિન્દુ બનવું છે. તો હું તો એને કહ્યું કે “ના ભાગવત જે શીખવે છે તે જ બાઈબલ પણ શીખવે છે. હજી તેં એ શોધવાનો પ્રયત્ન નથી કર્યો. એ શોધવાનો પ્રયત્ન કર ને સારો ખ્રિસ્તી બન.”૫૦ આમ, એ સ્પષ્ટ થાય છે કે 1. જીવન પ્રત્યેની નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિને જાળવી રાખવાની શરતે આપવામાં આવતું પૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય અને 2. માત્ર ધાર્મિક સહિષ્ણુતા જ નહિ પણ સર્વધર્મસમભાવથી પ્રેરિત એવો સર્વધર્મસમભાવ-એ બે હિન્દુ ધર્મનાં પ્રાણતત્ત્વો છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ પ્રાણતત્ત્વોને પામીને હિન્દુ ધર્મે વિશ્વની ધાર્મિક ચેતનાના વિકાસમાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી છે.