________________ પ્રકરણ-૬ જૈન ધર્મ - દલસુખભાઈ માલવણિયા 1. ઉદ્ભવ અને વિકાસઃ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશોનો જે સાર જૈન આગમ અને ત્રિપિટકમાં સંઘરવામાં આવ્યો છે તે ઉપરથી જણાય છે કે તે કાળે બે ધર્મપ્રવાહો ભારતમાં હતા : બ્રાહ્મણ અને શ્રમણ.૧ બ્રાહ્મણધર્મ યજ્ઞપ્રધાન અને શ્રવણ ધર્મ ત્યાગપ્રધાન હતો. બ્રાહ્મણ ધર્મ વેદને આધારે વિકસિત હતો ત્યારે શ્રમણ ધર્મ વેદ, કર્મકાંડનો વિરોધી હતો. વેદનાં પરિશિષ્ટો ગણાતાં ઉપનિષદોમાં પણ ક્રિયાકાંડનો વિરોધ જોવા મળે છે. વેદોના ધર્મ તે ગૃહસ્થને કેન્દ્રમાં રાખીને હતો, જ્યારે શ્રમણોનો ધર્મ પ્રવજયા-ગૃહત્યાગને કેન્દ્રમાં રાખીને હતો. વેદોમાં દેવોનું મહત્ત્વ હતું, તેમની આરાધના થતી; જ્યારે શ્રમણોમાં ઉન્નતિના શિખરે પહોંચેલા મનુષ્યની આરાધના હતી. શ્રવણ ધર્મે મનુષ્યભવને દુર્લભ માન્યો છે. આમ, સમગ્ર સાંસારિક સૃષ્ટિમાં મનુષ્યથી શ્રેષ્ઠતર કોઈ નહિ એવો ઉદ્ઘોષ શ્રમણોનો હતો, તે એટલે સુધી કે ઇન્દ્રાદિ દેવો પણ આવા ઉત્તમ મનુષ્યની પૂજા કરે છે તેમ મનાયું હતું. વેદથી માંડી ઉપનિષદ સુધીના સમગ્ર વૈદિક સાહિત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનો વિચાર છે. જ્યારે શ્રમણોએ જગતની ઉત્પત્તિ ક્યારેય પણ થઈ હોય એવું માન્યું નથી પણ તેને અનાદિ-અનંત માની છે. શ્રમણોમાં કેટલાકની એ ચિંતા હતી કે સંસાચક્ર-પુનર્જન્મનું ચક્ર શાથી છે અને તેનું નિરાકરણ કેમ થાય ? શ્રમણોમાં પણ બધા જ એકમત હતા તેમ નહિ. જેમ ઉપનિષદોમાં સૃષ્ટિવિચાર અનેક રીતે કરવામાં આવ્યો છે તેમ શ્રવણોમાં પણ જુદા જુદા મતો હતા. કેટલાક શ્રમણો અક્રિયાવાદી હતા. તેઓ પાપ-પુણ્યમાં માનતા નહિ અને તેના ફળમાં પણ માનતા નહિ. આ નાસ્તિક મત પૂરણ કમ્પનો હતો. સંજય બેઠીપુત્રનો મત એવો હતો કે સંસારનાં તત્ત્વો-જીવ-મોક્ષ ઇત્યાદિ વિશે કાંઈ નિશ્ચિતરૂપે જાણી શકાય તેમ નથી. આથી એવા મતને અજ્ઞાનવાદ કહેવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધનો મત હતો કે સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તો સ્વપુરુષાર્થ જરૂરી છે. અજિત કેસકંબલીનો મત હતો કે મૃત્યુ સમયે જીવનો ઉચ્છેદ થઈ જાય છે, પરલોક છે જ