________________ જગતના વિદ્યમાન ધર્મો પ્રતિક્રમણઃ જૈન ધર્મના અનુયાયીએ આ વ્રતના પાલનમાં સદૈવ જાગ્રત રહેવું જરૂરી છે. આથી તેને માટે એ આવશ્યક છે કે તે સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે, એટલે કે પોતે સ્વીકારેલાં વ્રતોમાં જે કાંઈ દોષો થયા હોય તેની વિચારણા કરી આત્માની વિશુદ્ધિ કરવા યથાયોગ્ય પ્રાયશ્ચિત લઈને દોષો દૂર કરે અને અન્યને તેના આચરણ વડે જે દુઃખ થયું હોય તેની ક્ષમા માંગીને અને પોતે પણ બીજાને ક્ષમા કરીને મૈત્રીભાવની વૃદ્ધિ કરી સામાયિકને નિર્મળ બનાવે. મહાવીરનો નૈતિક ઉપદેશ: મહાવીરનો ઉપદેશ મનુષ્યને વીતરાગ બનાવવા માટેનો છે એથી તે સાંસારિક ભોગનો નહિ પણ ત્યાગમાર્ગનો ઉપદેશ હોય તે સ્વાભાવિક છે. સંસારના મૂળમાં તૃષ્ણા એ મુખ્ય દોષ છે. તેનું નિવારણ કરવાનો ઉપદેશ આપતાં ભગવાને કહ્યું છે કે તૃષ્ણાવાળાને આ સમગ્ર લોકની સંપત્તિ આપવામાં આવે તો પણ તેને સંતોષ થાય નહિ કારણ લોભ-તૃષ્ણાની પ્રકૃતિ એવી છે કે જેમ જેમ કાંઈ લાભ થાય-મળતું જાય તેમ તેમ લોભ વધે છે. તૃષ્ણાનો ખાડો કદી પુરાય એવો નથી.૧૯ લોકમાં દાનનો મહિમા હતો એટલે કોઈ ઈચ્છે કે પરિગ્રહ વધારીને દાન દઈશું તો એમને પણ ભગવાને કહ્યું છે : લાખો ગાયો દાનમાં દેનાર કરતાં પણ જે પુરુષ અકિંચન સંયમી છે તે ભલે કાંઈ ન દેતો હોય તો પણ તેનો સંયમ શ્રેયસ્કર છે. 20 માણસ એમ સમજે છે કે આસપાસના બધાનું યુદ્ધમાં દમન કરીને સૌ ઉપર હકૂમત ભોગવું અને સુખી થાઉં. પરંતુ ભગવાન મહાવીરે કહ્યું છે કે યુદ્ધમાં હજારોલાખોને જીતવા એ ખરો જ નથી. પરંતુ એક પોતાના આત્માને જીતવો એ જ પરમ જય છે. આત્માની સાથે જ યુદ્ધ કરો. બીજા સાથે યુદ્ધ કરીને શું મેળવવાના છો ? સ્વયં આત્મજય કરવામાં જ સાચુ સુખ પ્રાપ્ત કરશો. વળી આત્માનું જ દમન કરો, આત્મા જ દુર્દમ છે. આત્માનું દમન કરવાથી આ લોક અને પરલોકમાં સુખ પામશો. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ-આ ચાર કષાઓ જ અનર્થકારી છે. તેના નિવારણનો ઉપાય મહાવીરે બતાવ્યો. ઉપશમન-શાંતિથી ક્રોધને હણો, માનને મૃદુતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતો. મહાવીરના કાળે જાતિવાદનું જોર વિશેષ હતું. તેમણે તો પોતાના સંઘમાં બધી જ તથાકથિત હીન જાતિના લોકોને સમાન ભાવે સ્થાન આપ્યું હતું. કારણ તેઓને મન મનુષ્યજાતિ એક હતી. મનુષ્યમાં ઉચ્ચતા કે નીચતા તેના જન્મને કારણે નહિ પણ તેનો કર્મને કારણે જ હોય છે એવી તેમની દૃઢ માન્યતા હતી. આથી તેમનો ઉદ્ઘોષ હતો કે કર્મથી જ બ્રાહ્મણ થાય છે, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને શુદ્ર પણ કર્મથી જ થાય છે. તે કાળે નામધારી મુનિ અને તાપસી આદિ ઘણા વિચરતા હતા. તેથી તેમનું યથાર્થ સ્વરૂપ કેવું હોય તેનું સ્પષ્ટીકરણ પણ ભગવાન મહાવીરે કર્યું છે : મુંડન મુંડાવવાથી કોઈ શ્રવણ થતો નથી કે ઓમકારનો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ બનતો નથી. વળી, માત્ર અરણ્યમાં વાસ કરવાથી મુનિ થતો નથી અને તૃણના આચ્છાદનથી તાપસ બનતો નથી. પરંતુ સમતા-સામ્યભાવ-સર્વજીવો પ્રત્યે સમદષ્ટિથી શ્રમણ,