________________ 1 28 જગતના વિદ્યમાન ધર્મો ખુરાસાનને બચાવ્યું પણ હિન્દુસ્તાનને ભયભીત કર્યું. તમે પોતાના ઉપર દોષ લીધા વિના મુગલોને યમદૂત બનાવીને આક્રમણ કરાવ્યું. આટલી ભયાનક કતલ થઈ પણ ઓ પ્રભુ ! તને જરાય દયા ન આવી!...૫ બાબરે સ્વયં નાનકને પણ કેદ પકડેલા પણ તેમના તેજથી પ્રભાવિત થઈને તેમનું સન્માન કર્યું અને પીવા માટે ભાંગ આપી ! નાનકે એનો ઈન્કાર કર્યો. એમણે બાબરને કહ્યું : “ભાંગનો નશો તો સવારમાં ઊતરી જશે. એને બદલે નામની ખુમારીનો નશો ચઢાવ. એ નશો તો ઊતરશે જ નહિ.” એમ સત્ય નામની ખુમારીનો ઉપદેશ કર્યો. તે છતાં બાબરે આગ્રહ કરી ખાસ પોતાના માટે લાવેલી સમરકંદની ભાંગમાંથી થોડી ભાંગનું નજરાણું ધર્યું; અને કંઈ નહિ તો તત્પરતાં લૂંટ-ખૂન-બળાત્કાર બંધ કર્યા. કતલ કરતાં બચેલા કેદીઓને છોડી મૂક્યા. ગુરુ નાનક મક્કાથી મદીના થઈ બગદાદ ગયેલા. ત્યાંના સૂફી સંત પીર શાહ બહલોલ તો એમના ભક્ત બની રહ્યા. એમની પાસેથી નામ ગ્રહણ કર્યું અને ગુરુ બનાવ્યા. નાનકના હિન્દુસ્તાન ગયા પછી પૂરાં 60 વર્ષ એમણે નામસ્મરણમાં ગાળ્યાં. નાનકે સત-નામ અને સત-કરતાર એ નામોનો પ્રચાર કર્યો, જેનું પાછળથી સત શ્રી અકાલ'માં રૂપાંતર થયું. એમણે ઉપદેશ્ય : “વાહીગુરુ' (વિસ્મયકારી પરમાત્મા)એ નામ કંઈ જીભથી જ રટવાનું નથી, પણ મનુષ્ય એની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તાને લક્ષમાં રાખીને એને ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાપવાનું છે અને અકાર્ય કરતાં બીવાનું છે.” આ રીતે શીખ ધર્મની સ્થાપનાનાં બીજ વવાયાં. ગુરુ નાનકે એવાં પ્રાણદાયી બીજ રોપ્યાં કે જેમાં મનુષ્યનું મનુષ્યત્વ સોળે કળાએ ખીલી ઊઠે. એ પોતાનો જ મોક્ષ સાધીને અટકે નહિ પણ બીજાંઓનાં ઐહિક અને પારલૌકિક સુખ અને મોક્ષ માટે નમ્રતાથી પ્રાણ સુદ્ધાં સમર્પિત કરે. અન્યાય, કૂડ, કપટ અને અસત્ય સામે નિર્ભયપણે ઝૂઝે. નાનકદેવે અંતિમ દિવસો રાવી તટે કરતારપુરમાં વિતાવ્યા. તેઓ સાદા ખેડૂતનું જીવન જીવ્યા અને તેમણે શીખોને ભક્તિ, પુરુષાર્થ અને સદાચારી ગૃહસ્થ જીવન જીવવાના પાઠ પઢાવ્યા. પોતાની પછી શિષ્યોની દેખભાળ રાખવા, એમને માર્ગદર્શન આપવા લહેણા નામના શિષ્યને એની સેવાભાવના જોઈને અંગદ' (અંગે ખુદ, ‘તું તો મારું અંગ છે!) એવું નામ આપીને ગુરુગાદી ઉપર બેસાડ્યા અને પરમાત્માની જયોતિમાં ભળી ગયા. ગુરુના મહાપ્રસ્થાન પછી કહે છે કે એમના દેહને અગ્નિદાહ દેવા અથવા દફનાવવા માટે એમના હિન્દુ અને મુસ્લિમ શિષ્યોમાં ચડસાચડસી થઈ હતી. આ વિગત ગુરુ નાનકની પ્રજાપ્રિયતાની નિદર્શક છે.