________________ 142 જગતના વિદ્યમાન ધર્મો 8. ઉપસંહાર : અત્યંત પ્રાચીન કાળથી, ઓછામાં ઓછું વેદવ્યાસ અને ભગવાન શ્રીકૃષ્ણના જમાનાથી કેવળ ધર્મખોજ કરવી એટલું જ નહિ, પણ દુષ્ટતાનું દમન અને ધર્મસંસ્થાપન કરવું એ ભારતવર્ષનો આદર્શ રહ્યો છે. નિર્ભય-નિર્વેરપણે અન્યાયનો, અનીતિનો, પાપનો સામનો કરવો જ જોઈએ. જો શક્તિશાળી ધર્માચરણ કરનાર એ રીતે ન વર્તે તો તે ભલેને મહાસમર્થ હોય તોપણ તે પાપનો ભાગી બને જ. પાપનો, દુષ્ટતાનો સામનો કરવા માટે અહિંસક માર્ગની શોધ પણ શ્રીકૃષ્ણના કાળથી ગાંધીજી સુધી અવિરત ચાલુ રહી છે, ભવિષ્યમાં ચાલુ રહેશે. ગાંધીજીએ સ્વલ્પાતિસ્વલ્પ ન ગણાય તેવી અહિંસાથી ભારતને આઝાદી અપાવી. પાંચેક હજાર વર્ષના આ ઇતિહાસમાં શીખ ધર્મ આ વિશિષ્ટ ધર્મસાધના-દુષ્ટદમન અને ધર્મસંસ્થાપન-ની એક અત્યંત મહત્ત્વની અને તેજસ્વી કડી છે. પહેલા ગુરુ નાનકથી માંડીને ગુરુ ગોવિંદસિંહ સુધીનો ઈતિહાસ એટલે નમ્રતા, ભક્તિ, પ્રપત્તિ, નિર્ભયતા, બલિદાન, જાલિમનો સામનો અને ધર્મ-સંસ્થાપન, અર્જુનદેવ અને તેગબહાદુર જેવા બે મહાન ગુરુઓએ અહિંસક સત્યાગ્રહની રીતે પ્રાણાર્પણ કરી વ્યક્તિગત રીતે અહિંસક પ્રતિકારની ઉત્તમોત્તમ પ્રણાલિનું સ્થાપન કર્યું. ગુરુ ગોવિંદસિંહે સત્યના આગ્રહીના સત્ત્વશીલ જુસ્સાથી બીકણ શિયાળોમાંથી શૂરવીર સિંહ-સિંહણોનું સર્જન કર્યું, સંત-સિપાહી સર્યા. નિર્ભય-નિર્વેરપણે જાલિમોનો પ્રતિકાર કર્યો. પ્રતિકાર કરવા છતાં એમનો કોઈ વૈરી નથી, એમને કોઈ પરાયો નથી. આ શીખ ધર્મનું વિશિષ્ટ પ્રદાન છે. એ પ્રદાન નીચેના શબ્દોમાં બરાબર વ્યક્ત થાય છે. “જ્યારથી મને સાધુઓની-નિર્મળ જનોની સોબત મળી ત્યારથી પરાઈ ઈર્ષા છોડી દીધી. મારે કોઈ વૈરી કે પરાયો નથી. મારે તો સૌની સાથે દોસ્તી છે. સાધુઓની પાસેથી મને એવી સદ્ગદ્ધિ મળે છે કે પ્રભુ જે કરે તે સારું જ માનવું. એમના ઉપદેશ અનુસાર જગતનું નિરીક્ષણ કરતાં સર્વત્ર એક પ્રભુ જ વિલસતો દેખાય છે અને એને નીરખી નીરખીને નાનક પ્રસન્નતાથી ખીલી ઊઠે છે.”૬૦ જાણી લો કે માણસમાત્રની જાતિ એક છે. કર્તા (સર્જન કરનાર) અને કરીમ (ઉદાર); રાઝક (પોષણ કરનાર) અને રહીમ (દયાળુ) એક જ છે. એમાં ભેદ છે એવો ભ્રમ ભૂલથી પણ ન રાખવો. એકની જ પૂજા કરો; એ એક જ સૌનો ગુરુદેવ છે; સર્વત્ર એનું રૂપ છે અને સર્વમાં એની જ્યોતિ છે.”૬૧