________________ 114 જગતના વિદ્યમાન ધર્મો હૃદય કંપી ઊઠે છે. આ કંપન કરુણા છે. કરૂણા જીવોનાં દુઃખોને દૂર કરવા પ્રવૃત્ત થાય છે. તે નિષ્ક્રિય હોતી નથી. કરૂણા પરદુઃખભંજની છે. બીજાને દુ:ખી દેખી સાધુપુરુષનું હૃદય દ્રવી ઊઠે છે અને પોતાના પ્રાણના ભોગે પણ બીજાનું દુઃખ દૂર કરવાની તેની તૈયારી હોય છે. બીજાની ઉન્નતિ દેખી હર્ષ થવો તે મુદિતા છે. મુદિતા ઈર્ષાને દૂર કરે છે. જેનું ચિત્ત મુદિતાથી પૂર્ણ હોય છે તેનામાં ઈર્ષા જાગવાનો સંભવ નથી. તેના ચિત્તમાં અલૌકિક સંતોષ હોય છે. મુદિતાભાવનાથી જન્મતો હર્ષ કોઈને દુઃખકર બનતો નથી. સર્વ જીવો પ્રત્યે સમભાવ તે ઉપેક્ષા છે. ઉપેક્ષાભાવનાથી ભરેલા ચિત્તને પ્રિય-અપ્રિય એવો ભેદ સ્પર્શતો નથી.અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિમાં તે સમતા ધરાવે છે. 21 આ ચાર ભાવનાઓ સર્વ જીવો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ તે બતાવે છે. તેઓ એક તરફ વ્યક્તિને આધ્યાત્મિક આનંદ આપે છે તો બીજી તરફ સામાજિક હિતસુખ પણ સાધી આપે છે. તેઓ વ્યક્તિના કલ્યાણની સાથે સાથે સમાજના કલ્યાણની પણ પોષક છે. ચાર ભાવનાઓથી ચિત્તના મળો દૂર થતાં ચિત્ત શાન્ત અને સ્થિર બને છે. આ ચિત્તની શાન્તિ અને સ્થિરતાને જ સમાધિ કહેવામાં આવે છે. શાન્ત અને સ્થિર ચિત્તમાં જ વસ્તુઓનું યથાર્થ જ્ઞાન (પ્રજ્ઞા) પ્રગટે છે. મૈત્રી આદિ ભાવનાઓ અહિંસામાંથી જ ઉદ્ભવતી હોઈ, બૌદ્ધ નીતિધર્મમાં અહિંસાનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. ખરી રીતે જોતાં ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને માદક પદાર્થોનું સેવન ન કરવું એ ચાર શીલો અહિંસાનાં પોષક હોવાને લીધે જ મહત્ત્વનાં બને છે. આમ, બૌદ્ધ દૃષ્ટિએ પાંચ શીલોમાં અહિંસા જ મુખ્ય શીલ છે. બાકીનાં શીલો અહિંસાની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારાં હોઈ, બુદ્ધ તેમના આચરણનો આગ્રહ સેવ્યો છે. આ પાંચ શીલો ઉપરાંત દાન આદિ સુકાર્યોનો ઉપદેશ પણ બુદ્ધે આપ્યો છે અને ગૃહસ્થોનાં અને ગૃહિણીનાં કર્તવ્યો વિશે પણ અત્યંત પ્રેરક વાતો કહી છે : એક સમયે સિગાલ નામના યુવાન ગૃહસ્થને બુદ્ધે કહ્યું, “હે સિગાલ! માબાપની પાંચ રીતે પૂજા કરવી જોઈએ. તેમનું કામ કરવું જોઈએ, તેમનું પોષણ કરવું જોઈએ, કૂળમાં પરંપરાથી ચાલ્યા આવેલાં સત્કર્મો કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમની સંપત્તિને યોગ્ય રીતે સાચવવી-વધારવી જોઈએ, તેમને નામે દાનધર્મ કરવાં જોઈએ. હે સિગાલ ! ગુરુની પણ પાંચ રીતે પૂજા કરવી જોઈએ. ગુરુ પાસે આવે તો ઊભા થઈ આદર આપવો જોઈએ, તે માંદા થાય તો તેમની સેવા કરવી જોઈએ, તે જે શીખવે તે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ તેમનું જે કામ હોવું તે કરી આપવું જોઈએ, તે જે વિદ્યા આપે તેને બરાબર ગ્રહણ કરવી-ધારણ કરવી જોઈએ.” એક વાર બુદ્ધે વિશાખાને સ્ત્રીનાં સાધારણ કર્તવ્યો વિશે જે ઉપદેશ આપેલો તે આ પ્રમાણે છે : “સ્ત્રીએ આદરપૂર્વક ઘરના વડીલોની સેવા કરવી જોઈએ, તેમને મીઠાં વચનો કહેવાં જોઈએ, તેમના ઊઠ્યા પહેલાં ઊઠવું જોઈએ અને તેમના સૂતા