________________ બૌદ્ધ ધર્મ 113 - કેટલાંક આ જન્મમાં પોતાનાં ફળ આપે છે અને કેટલાંક પછીના જન્મમાં પોતાનાં ફળ આપે છે. કાયિક કર્મો, વાચિક કર્યો અને માનસ કર્મોમાં માનસ કર્મોનું જ અત્યંત મહત્ત્વ છે. આપણે જે કાર્ય કરીએ છીએ તે પણ કર્મ કહેવાય છે અને તેને પરિણામે જે સંસ્કાર યા વાસના ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. વાસનારૂપ કર્મ પુનર્જન્મનું કારણ છે. બૌદ્ધ ધર્મ અપરિવર્તનશીલ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મને માને છે. તે અનુસાર જે ચિત્તસંતાનમાં કર્મ કરે છે તે ચિત્તસંતાન જ તેનું ફળ ભોગવે છે અને તેનો જ પુનર્જન્મ થાય છે. ઈશ્વરવાદી દર્શનોમાં જે સ્થાન ઈશ્વરનું છે તે સ્થાન બૌદ્ધ ધર્મના કર્મનું છે. પોતાના કર્મને અનુરૂપ સુખદુઃખ પ્રાણી ભોગવે છે. જે જેવું કરે છે તેવું પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ દેતું નથી. આમ, કર્મસિદ્ધાન્ત દ્વેષનો નાશક છે અને પુરુષાર્થ તેમજ સ્વતંત્ર સંકલ્પશક્તિનો પોષક છે. કર્મનું ફળ ભોગવતી વખતે સમતા ધારણ કરવી કે વિક્ષિપ્ત થવું તે બાબતે ચિત્ત સ્વતંત્ર છે. શુભ સંકલ્પ કરવા કે અશુભ તે બાબતે પણ ચિત્ત સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં તે જેવો થવા ઇચ્છે તે થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે. નિર્વાણ : નિર્વાણનો અર્થ છે નિરોધ. સંપૂર્ણ દુઃખનિરોધ એ જ નિર્વાણ છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા દ્વારા નિર્વાણ પ્રાપ્ત થાય છે. નિર્વાણમાં ચિત્તના સઘળા મળો દૂર થઈ જાય છે, ચિત્ત અત્યંત શુદ્ધ બની પોતાના પ્રભાસ્વર સ્વભાવમાં પ્રતિષ્ઠિત થાય છે. ચિત્તમાં કોઈ પણ વૃત્તિ ઊઠતી નથી. ચિત્તની બધી જ વૃત્તિઓ શાન્ત થઈ જાય છે. તેને સુખદુઃખનું વદન હોતું નથી, કેવળ શાન્તિ હોય છે. ચિત્તમાં બાહ્ય વિષયનો કોઈ આકાર ઊઠતો નથી. તેમાં શબ્દયુક્ત જ્ઞાનાકાર પણ હોતો નથી. તે સંસ્કારોથી પણ મુક્ત થઈ જાય છે. ચિત્તની નિર્મળતા અને વૃત્તિરહિતતા જ નિર્વાણ છે. નિર્વાણમાં કેવળ શાંતિ છે. તેને સુખ ગણવું હોય તો ગણો. આવું ચિત્ત પુનર્જન્મ પામતું નથી. એકવાર ચિત્ત આવી અવસ્થાને પામે છે પછી તે તેમાંથી પ્રુત થતું નથી. આ અર્થમાં નિર્વાણને અય્યત અને નિત્ય ગણવામાં આવ્યું છે. નિર્વાણ અમૃત પદ છે, અજર છે, નિપ્રપંચ છે, શિવ છે, વિશુદ્ધિ છે અને ત્રાણ છે. 20 5. નૈતિક સિદ્ધાન્તો (શીલ) : ભિક્ષુના દસ શીલનો આપણે નિર્દેશ કરી ગયાં છીએ. તેમાંથી પાંચ શીલ ગૃહસ્થ પાળવાં જોઈએ. આ પાંચ શીલ છે: હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને માદક પદાર્થોનું સેવન ન કરવું. આ મુખ્ય સત્કર્મો છે. આ શીલો કેવળ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક પણ છે. અહિંસાનો અર્થ હિંસા ન કરવી એટલો જ નથી પણ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ કરી તેને અનુરૂપ આચરણ કરવું તે પણ છે. સર્વ જીવો પ્રત્યે સ્નેહ અને સુહૃદભાવ પ્રસારિત કરવો એ મૈત્રી છે. જીવોના ઉપર ઉપકાર કરવો, એમના સુખની કામના કરવી, દ્વેષ અને દ્રોહનો ત્યાગ કરવો તે મૈત્રીનાં લક્ષણો છે. મૈત્રીભાવના બરાબર જામતાં દ્વેષ શમી જાય છે. જીવોનું દુઃખ દેખી સત્યપુરુષોનું