________________ 100 જગતના વિદ્યમાન ધર્મો માત્ર બાહ્ય આચરણમાં જ નીતિધર્મનું પાલન પર્યાપ્ત મનાયું નથી. કોઈની હિંસા ન કરવી એટલું જ પર્યાપ્ત નથી, પણ મનમાં હિંસાનો સંકલ્પ પણ ન કરવો અને એ જ પ્રકારે તેને નીતિના જે સત્યવચન આદિ નિયમો છે તે માત્ર બાહ્ય આચાર પૂરતા મર્યાદિત નથી, પણ આંતરિક આચારમાં પણ તે નિયમો પળાવા જોઈએ એવો આગ્રહ જૈન ધર્મમાં સેવવામાં આવ્યો છે, તેથી એ કેવળ નીતિ નથી પણ આંતરિક ધર્મ પણ બની જાય છે. જેમ સમાજનું અહિત થાય એમ ન વર્તવું તે નીતિ છે તો પોતાના આત્માનું અહિત થાય તેમ પણ ન વર્તવું એ આંતરિક આત્મધર્મ છે અને આ અર્થમાં તે ધર્મ છે. આમ સ્વહિત અને પરહિત એ બંને જૈન ધર્મે સાધ્યાં છે, તેથી સમાજ અને વ્યક્તિ બંનેને ઉન્નતિ કરવાનો અવકાશ મળે છે. આ જ અર્થમાં ભારતીય સમાજની ઉન્નતિમાં જૈન ધર્મનો વિશેષ ફાળો છે એમ કહીએ તો ઉચિત લેખાશે. ભારતવર્ષમાં જૈનધર્મે વિશેષ કરી જીવનમાં અહિંસાનું આચરણ જરૂરી માન્યું એટલે ભોજનમાં, ક્રીડામાં, જીવનના અન્ય વ્યવહારમાં જીવહિંસા ઓછામાં ઓછી થાય તેવો આગ્રહ જૈન ધર્મમાં રાખવામાં આવ્યો છે, તેથી જ્યાં જૈન ધર્મનો પ્રભાવ વિશેષ છે ત્યાં શાકાહારનો આગ્રહ અને વ્યસનત્યાગનો આગ્રહ વિશેષપણે જણાય છે. આમ, જૈનધર્મ એ આંતરિક ધર્મ છે, આત્માને વિશુદ્ધ કરનાર ધર્મ છે, આત્મામાંથી રાગ અને દ્વેષ કેમ ઓછા થાય, તૃષ્ણા કેમ ઓછી થાય તેનો જ માર્ગ એ જૈન ધર્મ છે. એટલે દેશ અને રાષ્ટ્રના હિતમાં એ ધર્મ છે, કારણ સમાજમાં જે કાંઈ દોષો આવે છે તે પરિગ્રહમાંથી, મમત્વભાવનામાંથી જન્મે છે અને જૈન ધર્મ શ્રાવક માટે પરિગ્રહનું પરિમાણ બતાવ્યું છે જ્યારે શ્રમણો માટે તો સર્વથા પરિગ્રહનો ત્યાગ જ ઉપદેશ્યો છે. આમ, પરિગ્રહનો ત્યાગ થવાથી હિંસાદિને અવકાશ ઓછો મળે છે અને સમાજમાં સંવાદ સ્થપાય છે. વળી, વૈચારિક અહિંસા એટલે અનેકાંતનો પણ ઉપદેશ જૈન ધર્મમાં છે. સમાજ અને રાષ્ટ્રમાં જેમ સંપત્તિ માટે કલહ છે તેમ વિચારભેદને લઈને પણ કલહ જાગે છે. એનું નિવારણ કરવાનો માર્ગ જૈન ધર્મે અનેકાંતવાદ દ્વારા બતાવ્યો છે. આથી સામાજિક કે રાજનૈતિક વિવિધ માન્યતાઓને કારણે જે વિવાદો સમાજમાં કે રાષ્ટ્રમાં ઊભા થાય છે તેનું શમન કરીને સહઅસ્તિત્વની ભાવનાને પુષ્ટિ જૈન ધર્મ આપે છે અને તે રીતે સમાજ અને રાષ્ટ્રને તે ઉપકારક છે.