________________ બૌદ્ધ ધર્મ 103 બાહ્ય તપો આચરતા તપસ્વીઓ પણ હતા અને સાથે સાથે ધ્યાન માર્ગના જાણકાર યોગીઓ પણ હતા. આ ચિંતકો અને તપસ્વીઓ, બ્રાહ્મણો અને અબ્રાહ્મણો, પોતાના વિશાળ અનુયાયી સમુદાય સાથે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ ધાર્મિક અને દાર્શનિક બાબતોની જાહેર ચર્ચાઓ કરવા લાગ્યા. પરિણામે આ યુગ ભારતમાં આધ્યાત્મિક જાગૃતિ, બૌદ્ધિક ક્રાંતિ અને વાદવિદ્યાનો યુગ બની ગયો. આમ, જે કાળે દેશમાં આવી પરિસ્થિતિ હતી, ત્યારે જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સાથે બુદ્ધનો આવિર્ભાવ થયો. ઉપનિષદોએ શરૂ કરેલી આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિને તેઓએ આગળ ધપાવી. બંનેનું ધ્યેય સ્વર્ગ નહિ પણ દુઃખમુક્તિ, બંને અહિંસાના પુરસ્કર્તા. બંને યજ્ઞો અને વૈદિક ક્રિયા કાંડોના વિરોધી, બંનેએ સ્ત્રીઓને આધ્યાત્મિક સાધનાની અધિકારીણી ગણી અને બંનેએ સ્ત્રીને પ્રવજ્યા આપી સંઘમાં દાખલ કરી. બંને એ જાતિભેદનો સખત વિરોધ કર્યો. કર્મને આધારે જ માણસ સારો યા ખરાબ ગણાય એ વાત બંનેએ ભારપૂર્વક કહી. બંનેએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. 2. બુદ્ધચરિત : શાક્ય નામની એક ક્ષત્રિય જાતિ હતી. હાલના બિહાર પ્રદેશની ઉત્તર-પશ્ચિમે આવેલી નેપાળની તરાઈમાં તે વસતી હતી. શાક્યોનું પોતાનું ગણતંત્રીય રાજ હતું. તેનું મુખ્ય નગરી હતી કપિલવસ્તુ. શુદ્ધોદન એક શાક્ય રાજા હતા. આદિત્ય તેમનું ગોત્ર હતું. કપિલવસ્તુમાં તે રહેતા હતા. તેમને મોટી ખેતી હતી. કપિલવસ્તુથી દેવદહનગરના માર્ગમાં આવતા લુમ્બિની ગામમાં પણ તેમની જમીન અને વાડી હતી. તે અંજન કોલિયની બે કન્યાઓને પરણેલા-એકનું નામ માયાદેવી અને બીજીનું નામ પ્રજાપતિ ગોતમી. લગભગ ઇ.સ.પૂર્વે પ૬૩માં માયાદેવીએ લુમ્બિની ગામના ઉદ્યાનમાં એક પુત્રને જન્મ આપ્યો. મા-દિકરાને કપિલવસ્તુ લાવવામાં આવ્યા. અસિત ઋષિએ ભવિષ્ય ભાખ્યું કે દિકરો મહાન થશે,જગતનો ઉદ્ધારક થશે. બાળકનું નામ ગૌતમ પાડવામાં આવ્યું. બાળકના જન્મ પછી સાતમે દિવસે માયાદેવી અવસાન પામ્યા. પ્રજાપતિ ગોતમીએ તેને પેટના દીકરાની જેમ ઉછેર્યો. કિશોરાવસ્થામાં ગૌતમ પિતાને ખેતરે જતા, જાંબુડાની શીતળ છાયામાં ધ્યાન ધરતા, સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરતા અને ચિત્તમાં કુવિચારને પ્રવેશવા દેતા નહિ. યોગના જાણકાર ભરંડુ કાલામનો આશ્રમ કપિલવસ્તુમાં હતો. આ આશ્રમે પણ તેઓ જતા. તેમનો યૌવનકાળ અમનચમનમાં પસાર થયો. તે અત્યંત સુકુમાર હતા. તે રેશમી વસ્ત્રો પહેરતા. તડકો લાગે નહિ માટે સેવક તેમના માથે શ્વેત છત્ર ધરતો. પિતાએ તેમના માટે સુંદર સરોવર બંધાવ્યું હતું. ત્રણ ઋતુઓમાં રહેવા માટે ત્રણ જુદા જુદા મહેલો હતા. ચોમાસામાં તે મહેલ બહાર પગ પણ મૂકતા નહિ. સ્ત્રીઓનાં ગાયન-વાદન સાંભળવામાં વખત પસાર કરતા. તેમનું લગ્ન યશોધરા સાથે થયું. યશોધરાથી એક પુત્ર થયો. તેનું નામ રાહુલ.