________________ જૈન ધર્મ આમ, ઈશ્વરી અવતારમાં અને આ મહાવીરના ઉત્થાનમાં જે ભેદ દેખાય છે તે એ છે કે અવતાર લેનારને આવી કોઈ સાધના કરીને પોતાનું શ્રેય કરવાનું હોતું નથી, પરંતુ તીર્થકરમાં તો સામાન્ય માનવ આકરી સાધના કરી પોતાનું ઉત્થાન કરે છે, તે જન્મ સાથે જ પૂર્ણ નથી. સંસારમાં માત્ર લીલા કરતો નથી પણ સંસારનાં કષ્ટોને સહીને તે સંપૂર્ણપણે કેમ દૂર થાય તે અર્થે પુરુષાર્થ કરે છે અને એ રીતે સામાન્ય માનવીને સ્વોત્થાનનો આદર્શ પૂરો પાડે છે. અને સ્વંય તે રીતે મુક્તિ કે નિર્વાણને પામ્યો હોય છે. તે સ્વયંસિદ્ધ માર્ગનું અન્યને દર્શન કરાવી તેનો ઉપદેશ આપી, મુમુક્ષુને મોક્ષ ભણી જવામાં સાચો માર્ગદર્શક બને છે. આ અવતારી પુરુષ નહિ પણ તીર્થંકર કહેવાય છે. અવતારમાં ઈશ્વરનું અવતરણ છે, નીચે આવવાનું છે જયારે આમાં સામાન્ય માનવીનું ઉત્થાન છે, એ આપણે ઉપર વર્ણવેલા મહાવીરના જીવનથી સહેજે જાણી શકીએ છીએ. 7. નૈતિક સિદ્ધાંતો : જૈન ધર્મને ઘણા વિદ્વાનો નિતિધર્મની સંજ્ઞા આપે છે તે યોગ્ય છે, કારણ જૈન ધર્મમાં જે આચરણીય બતાવ્યું છે તે સદાચાર જ છે અને નમસ્કાર, પૂજા વગેરે ક્રિયાઓનું ધ્યેય પણ છેવટે તો સદાચારની પુષ્ટિ જ છે. સૂત્રકૃત નામના બીજા અંગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહાવીરે જે અપૂર્વ ઉપદેશ આપ્યો તે સામાયિકનો હતો.૧૭.. સામાયિકઃ સામાયિકના આચરણની પ્રથમ શરત એ છે કે આ જગતમાં જીવો ક્યા અને કેવા છે તે જાણવું અને તે જાણીને કોઈ પણ જીવને પીડા થાય તેવું કોઈ પણ કૃત્ય કરવું નહિ, એટલે કે સમગ્ર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરવો. ભગવાન મહાવીરે આ સામાયિક વ્રતનો સ્વીકાર દીક્ષા સમયે સર્વપ્રથમ કર્યો હતો, તે આગળ કહેવાઈ ગયું છે. આ સામાયિકનું સ્પષ્ટીકરણ છે : જેમ મને સુખ પ્રિય છે તેમ સૌને સુખ પ્રિય છે, જેમ મને દુઃખ પ્રિય નથી તેમ કોઈ પણને દુઃખ ગમતું નથી, સૌને મરણનો ભય છે, માટે કોઈ પણ જીવનો ઘાત કરવો યોગ્ય નથી, કોઈ પણ જીવને કોઈ પ્રકારની પીડા આપવી તે યોગ્ય નથી, કોઈ પણ જીવની હિંસા કરવી એ યોગ્ય નથી. 18 આ પ્રકારના સામાયિક વ્રતમાંથી જ પાંચેય મહાવ્રતો ફલિત થાય છે તે આ પ્રમાણે છે : 1. અહિંસા, 2. સત્ય 3. અસ્તેય 4. બ્રહ્મચર્ય અને 5. અપરિગ્રહ. હિંસા, અસત્ય, ચોરી. અ-બ્રહ્મચર્ય અને પરિગ્રહ-એ બધાં જ પાપો બીજાને પીડાદુઃખ આપ્યા વિના થતાં નથી. આથી એક સામાયિક વ્રતમાંથી જ આ પાંચેય મહાવ્રતો ફલિત થાય છે અને જૈન શ્રાવકે વ્રતોનું યથાશક્તિ આંશિકરૂપે પાલન કરવાનું છે, જ્યારે શ્રમણે તે મહાવ્રતો તેના સંપૂર્ણ રૂપમાં કરવાનાં હોય છે. એટલે કે મન, વચન અને કાયા વડે હિંસાદિનું આચરણ સ્વયં કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું પણ નહિ.