________________ 84 જગતના વિદ્યમાન ધર્મો શક્ય બનાવનારી બાબતો આ છે : 1 ગુપ્તિ (મન-વચન-કાયની પ્રવૃત્તિનો નિરોધ), 2. નિર્દોષ ઈર્યા (દોષ ન થાય તે રીતે ચાલવાની પ્રવૃત્તિ), 3. પાંચ સમિતિ (સમ્યફ ભાષાનો પ્રયોગ, સમ્યફ રીતે ભિક્ષાગ્રહણ, સમ્યફ પ્રકારે કોઈ પણ વસ્તુને લેવીમૂકવી અને મળમૂત્રનો યથાયોગ્ય ત્યાગ), 4 દસ પ્રકારના ધર્મ (ક્ષમા, માદવ, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચનતા અને બ્રહ્મચર્યનું પાલન, પ. પરિષહ (સંયમીને આવી પડતાં કષ્ટો સહન કરવાં તે), 6. અનિત્ય આદિ અનુપ્રેક્ષાભાવનાનું ચિંતન અને 7. સામાયિક આદિ ચારિત્રનું પાલન. કર્મોની નિર્જરા એટલે આત્માથી છૂટા પડી જવું તે. નિર્જરા તપસ્યાથી અને કર્મનું ફળ ભોગવવાથી થાય છે. તપ એ સંવરનું પણ કારણ છે. આત્માની કર્મબંધનોમાંથી સર્વથા મુક્તિ એ જ મોક્ષ છે. આનો સારાંશ જોઈએ તો આસવ અને બંધ એ સંસારનાં કારણો છે અને સંવર અને નિર્જરા એ મોક્ષનાં કારણો છે. આચાર્ય ઉમાસ્વાતિએ મોક્ષમાર્ગને સંક્ષેપમાં જણાવ્યો છે અને તે એ છે કે સમ્યક્ શ્રદ્ધા, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. એનો પણ સંક્ષેપ છે- સમ્યફ જ્ઞાન અને ક્રિયા-ચારિત્ર. આથી ઊલટું, મિથ્યા શ્રદ્ધા આદિ એ સંસારનું કારણ છે. 16 તીર્થકર અને અવતાર : વૈદિક ધર્મ અથવા તો બ્રાહ્મણ ધર્મની અવતારની કલ્પના અને જૈન ધર્મની તીર્થંકરની કલ્પના એમાં શો ભેદ છે તે સર્વ પ્રથમ સમજવું જરૂરી છે. કોઈ એક સર્વશક્તિ-સંપન્ન અનાદિ અમૂર્ત ઈશ્વર જુદા જુદા કાળે ધર્મની પડતી જોઈને કે અન્ય બીજા કારણે મૂર્તરૂપ ધારણ કરે તે અવતાર કહેવાય છે અને આવા અનેક અવતારો થયા છે એવી હિન્દુ ધર્મની માન્યતા છે. આથી જુદી જ માન્યતા જૈન પરંપરામાં ભગવાન કે તીર્થકર વિશેની છે, અને તે આ પ્રમાણે છે : સંસારમાં અનંત જીવો છે અને તેઓ પુનર્જન્મના ચક્રમાં ફસાયા છે, તેથી એક પછી એક ઊંચનીચ જીવયોનિઓમાં પોતાનાં શુભ-અશુભ કર્મને અનુસાર જન્મો ધારણ કરે છે. આ પુનર્જન્મના ચક્રમાંથી છૂટવાનો માર્ગ સત્સંગને કારણે કેટલાકને મળી જાય છે અને તેમાંથી પણ કેટલાક એવા છે જેઓ બીજા જીવો પ્રત્યે કરુણા ધરાવે છે, માત્ર પોતાની જ મુક્તિ નહિ પણ અન્ય જીવો પણ મુક્ત બને એવી ભાવના સેવે છે, તેવા જીવો તીર્થકરપદને પામે છે. સારાંશ કે અનાદિમુક્ત સર્વશક્તિસંપન્ન ઈશ્વરનું અવતરણ તીર્થંકરરૂપે નથી પરંતુ સામાન્ય સંસારી જીવ જ પોતાનો આધ્યાત્મિક વિકાસ ઉત્તરોત્તર વધુ ને વધુ સાધતો ક્યારેક તીર્થંકરપદને પામે છે. અનાદિકાળથી સિદ્ધ નહિ પણ સાધક જ સાધના કરીને તીર્થંકર પદ પામે છે અને પછી જ સિદ્ધ મુક્ત બને છે. આમ, અવતાર અને તીર્થકર એ બંને કલ્પનાનો મૌલિક ભેદ છે. એટલે મહાવીર એ ઈશ્વરનો અવતાર નથી પણ સંસારમાં ભટકતો એક જીવ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરીને એ પદવીને પામ્યો છે. આનો અર્થ એ છે કે મનુષ્યમાત્ર ધારે તો ક્યારેક એ પદને પ્રાપ્ત કરી શકે છે. આમ, જીવમાંથી શિવ-ઈશ્વર બનવાના પુરુષાર્થની પ્રેરણા એ તીર્થંકરપદથી પ્રાપ્ત થાય છે, એટલે કે એમ કહી શકાય કે જૈન ધર્મ આત્મામાંથી પરમાત્મા બનવાનો માર્ગ બતાવે છે.