________________ 88 જગતના વિદ્યમાન ધર્મો 4. મહાવીરની સાધના નું સ્વરૂપ : મહાવીરની સાધના વિશે થોડું વધારે જાણવાની જરૂર છે. આચારાંગમાં તેમની કઠોર તપસ્યાનું વર્ણન આવે છે.સોનું જેમ વધારે તપાવવામાં આવે તેમ તેની વિશુદ્ધિ વધે છે તે જ પ્રમાણે ભગવાન મહાવીરે સાધનાકાળમાં પોતાના આત્માને તાવ્યો છે અને વિશુદ્ધ બન્યા છે. દીક્ષા લીધી ત્યારે એક માત્ર વસ્ત્ર રાખ્યું હતું તે પણ થોડા સમય પછી છોડી દીધું અને નગ્ન થઈ વિચારવા લાગ્યા. બિહાર આજે પણ મચ્છરોની ભૂમિ છે તો તે કાળે તેનો ઉપદ્રવ વિશેષ હોય તે સ્વાભાવિક છે. પણ મચ્છરોના ત્રાસ છતાં પોતાના શરીરને કરડતા મચ્છરોને પણ દૂર કરવા તેમણે કદી પ્રયત્ન કર્યો નહિ અને તે દંશનું દર્દ સહન કર્યું. ગરમીમાં પણ ખુલ્લા આકાશમાં રહી ધ્યાન કર્યું. આથી તેમની ચામડી કાળી પડી ગઈ અને વળી અનશનને કારણે શરીર તો હાડ-ચામાં માત્ર માળખું જ રહ્યું. આવી સ્થિતિમાં જ્યારે તેઓ ભિક્ષાર્થે નગરમાં જતાં ત્યારે બાળકો તેમનાથી ડરી જતાં અને કૂતરાં તેમની પાછળ પડતાં. પોતાના આત્મામાં સમભાવ કેટલો છે તેનું પરીક્ષણ કરવા ખાતર સાવ અજાણ્યા એવા અનાયશ-લાટ આદિમાં તેમણે વિચરણ કર્યું અને ત્યાં તે ગામમાં લોકે તેમને દાખલ ન થવા દે, ઊલટું તેમના ઉપર છૂ છૂ કરી કૂતરા છોડવામાં આવે. આવી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાના સમભાવને ટકાવી રાખ્યો અને કોઈ પણ જીવ પ્રત્યે વેરભાવ ન રાખ્યો, પણ સર્વ જીવો પ્રત્યે મિત્રભાવની વૃદ્ધિ કરી. સાધનાકાળમાં તેમણે ઉપદેશ આપ્યો નથી. કોઈ કાંઈ પૂછે તોપણ ઉત્તર આપતા નહિ. વળી, તેમને પરરાજ્યના ગુપ્તચર સમજી માર મારવામાં આવ્યો હતો છતાં પણ તેમણે તે પ્રત્યે પણ ઉદાસીનતા જ સેવી હતી. તેમણે નાટ્ય-ગીત આદિ લલિતકળાઓમાં કદી રસ લીધો નહિ અને સ્ત્રીસંસર્ગથી તો સર્વથા દૂર જ રહ્યા. ધ્યાનમાં સતત તેઓ એકત્વની ભાવના કરતા-એટલે કે મારું કોઈ નથી. હું કોઈનો નથી, હું માત્ર એકલી-અટૂલો જ છું અને જે કાંઈ મેળવવું છે તે મારે જ મારા સ્વપુરુષાર્થથી જ મેળવવાનું છે - આવી ભાવના કરતા. વિચરણમાં તેમને સતત એ ધ્યાન રહેતું કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને બીજા જીવોમાંથી કોઈને પણ ત્રાસ પોતાને કારણે ન થાય. એટલું જ નહિ, પણ તેમના નિમિત્તે બીજો કોઈ પણ એવા ત્રાસ અન્ય જીવોને આપે તે પણ તેમને મંજૂર ન હતું. હિંસાની અનુમોદના પણ તેઓએ કદી કરી નથી. આથી જ તેઓએ કદી તેમના માટે બનેલા કોઈ પણ પ્રકારનું ભોજન કે પાન સ્વીકાર્યું નથી. માત્ર બીજા માટે તૈયાર થયેલ ભોજનમાંથી જ ભિક્ષા લીધી છે. વળી, તેઓએ પાત્રનો વધુ ઉપયોગ કર્યો ન હતો, માત્ર પોતાના હાથમાં જે મળે તે જ લઈ ભૂખશમન કર્યું હતું. રસ્તે ચાલતાં પણ કોઈ જીવની હિંસા થાય નહિ તેની તકેદારી તેમણે રાખી હતી અને માત્ર પોતાની સામેના માર્ગનું નિરીક્ષણ કરી ચાલતા. વિહાર દરમિયાન તેમણે શૂન્યગૃહ, ગામનો ચોરો કે લુહારની કોડ જેવાં સ્થાનોમાં અને વૃક્ષ નીચે પણ નિવાસ કર્યો અને સ્મશાનમાં પણ એકાકી રહી ધ્યાન કર્યું. પણ ગૃહસ્થ જ્યાં રહેતા હોય ત્યાં કદી નિવાસ કર્યો નહિ. વિહાર