________________ જૈન ધર્મ 3. મહાવીરનું જીવન : બિહારના વૈશાલીનગરની નજીકના કુંડગ્રામમાં આજથી ઇસવીસન પૂર્વે પ૯૯માં મહાવીર કુંડગ્રામના અધિપતિ જ્ઞાતૃકુળના ક્ષત્રિય સિદ્ધાર્થને ત્યાં તેમની પત્ની ત્રિશલાદેવીની કૂખે જન્મ્યા. માતા-પિતાએ બળકનું નામ વર્ધમાન પાડ્યું તે એ કારણે કે તેના જન્મને કારણે તેમની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થયો હતો એવી તેમની માન્યતા હતી. મુક્ત થવું એટલે સ્વતંત્ર થવું અને તે માટે નિર્ભયતા એ પ્રાથમિક આવશ્યક ગુણ છે અને તે બાળક વર્ધમાનમાં તેના બાળપણથી જ જોવા મળે છે. બાળકોની રમતમાં સાપ જોઈને જ્યાં બીજા બાળકો ભડકીને ભાગી જાય છે ત્યાં એ બાળક વર્ધમાન સાપને પૂંછડીથી પકડી દૂર મૂકી આવે છે અને આવા નિર્ભયતાના અનેક પ્રસંગો તેમની કથામાં વર્ણવાયા છે. તેમનામાં વૈરાગ્યભાવનાનો રંગ નાનપણથી જ દેખાય છે. એટલે પરણવાની નામરજી હોવા છતાં એ માતાપિતાની મરજીને અનુસરીને પરણે છે એવી એક માન્યતા છે. તેઓ પરણ્યા જ નહોતા એવી પણ એક માન્યતા છે. માતા-પિતા પ્રત્યે તેમની વિનયભક્તિ અપૂર્વ હતી, એ તો એથી નિશ્ચિત થાય છે કે તેમણે તેમની ઇચ્છાને માન આપીને જ્યાં સુધી તેઓ જીવ્યાં ત્યાં સુધી દીક્ષા લીધી નહી, એટલું જ નહિ પણ મોટાભાઈના આગ્રહને અનુસરીને તેમના મૃત્યુ પછી પણ તત્કાળ દીક્ષા ન લેતાં થોડો સમય રાહ જોયા પછી, શોકસંતપ્ત પરીવારમાં સ્વસ્થતા આવ્યા પછી જ તેમણે 30 વર્ષની વયે દીક્ષા લીધી, એટલે કે સાંસારિક સંબંધોનો ત્યાગ કરી, પોતાની સમગ્ર સંપત્તિ છોડીને ઘરબારવિહોણા થઈ, સામયિક વ્રત(સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો નિયમ) લઈ એકાકી વિચારવાનું કઠોર જીવન સ્વીકાર્યું. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી તેમની સાધના ચાલી. આ સાધના મુખ્યત્વે ધ્યાનસ્થ થઈ અંતરનું નિરીક્ષણ કરવાની હતી, પોતાના આત્મમાં રહેવા રાગ અને દ્વેષનું નિવારણ કરવા માટેની હતી. તેમને પોતાના ભોજન કે નિવાસની પરવા હતી નહિ પણ અપ્રમત્ત થઈ આત્મધ્યાનમાં લીન રહેવાની જ તત્પરતા હતી. આથી ભિક્ષા લેવા નીકળે અને નિયત સમયમાં તે ન મળે તો તે પાછા ફરી ધ્યાનમાં જ લાગી જતા. સાધનાકાળમાં નિંદ્રાવિજય તેમણે કર્યો. નિંદ્રા આવવા લાગે તો થોડું ચાલીને દૂર કરતા પણ જીવનમાં એ નિમિત્તે પ્રમાદ ન આવે તેની તકેદારી રાખતા. આમ, સાડાબાર વર્ષ સુધી આંતર અને બાહ્ય તપસ્યા કરી વીતરાગ બન્યા અને તત્ત્વના જ્ઞાતા બન્યા, સર્વજ્ઞ બન્યા. શાસ્ત્રમાં કહ્યું છે કે આ સાધનાકાળનાં સાડાબાર વર્ષ દરમિયાન તેમણે એક વર્ષના દિવસો જેટલા દિવસોમાં પણ ભોજન લીધું નથી. આથી દીર્ઘતપસ્વી તરીકેની તેમની છાપ ઊભી થઇ. મહાવીર વીતરાગ થયા અને વીતરાગ થવાનો માર્ગ તેમને મળ્યો એટલે એ દિશામાં અન્યોને પણ વાળવા તેમણે સતત 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો અને જૈનસંઘની-શાસનની સ્થાપના કરી, તીર્થકર તરીકેની નામના મેળવી અને 72 વર્ષની વયે ઈ.પૂર્વે પ૨૭માં સિદ્ધપદને પામ્યા, મુક્ત થયા, નિર્વાણ લાભ કર્યો.