________________ જગતના વિદ્યમાન ધર્મો પંચજ્ઞાનેન્દ્રિયોના વિષયભોગ પ્રત્યે માણસનું મન સ્વાભાવિક રીતે આસક્તિ અનુભવે છે. વિષયભોગ પ્રત્યેની આવી આસક્તિનો જે માણસમાં અભાવ હોય તે વૈરાગ્યશીલ કહેવાય છે. આમ, વૈરાગ્ય એટલે પંચજ્ઞાનેન્દ્રિયોના વિષયભોગમાં અનાસક્તિ કે તે પ્રત્યેની ઉદાસીનતા. હિન્દુ ધર્મમાં વૈરાગ્યની ભાવનાનું મૂલ્ય કેવળ સાધન તરીકે જ છે. આત્મા અને પરમાત્માની પ્રાપ્તિ માટેની જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગની સાધનામાં આગળ જવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે અને એ દૃષ્ટિએ જ હિન્દુ ધર્મમાં વૈરાગ્યનું મહત્ત્વ છે. માણસ જગતના સુખોપભોગ અને સિદ્ધિના રાગથી મુક્ત થાય. વીતરાગ બને. પણ જો તેનામાં પરમાત્મામાં અનુરાગ ન જાગે તો એનો વૈરાગ્ય શુષ્ક અને નિરર્થક છે. અને એવા વૈરાગ્યનું હિન્દુ ધર્મની દૃષ્ટિએ કંઈ જ મૂલ્ય નથી. આમ, ઉપર આપેલી વૈરાગ્યની વ્યાખ્યા વૈરાગ્ય અંગેની સામાન્ય સમજ રજૂ કરે છે. પણ તેમાં હિન્દુ વૈરાગ્યભાવનાની પૂરેપૂરી નહિ પણ ફક્ત અર્ધી જ રજૂઆત છે. વૈરાગ્ય અંગેના હિન્દુ ખ્યાલની પૂરી રજૂઆત થાય એ રીતે વૈરાગ્યની વ્યાખ્યા આપતાં શ્રી સ્વામિનારાયણે લખ્યું છે કે “ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.”૪૩ વિષયભોગમાં રાગનો અભાવ અને પરમાત્મામાં રાગનો અતિરેક એ વૈરાગ્યનાં બંને પાસાં હિન્દુ ધર્મની દૃષ્ટિએ અવિભક્ત છે એ મુદ્દાની સ્પષ્ટતા ગાંધીજીએ પણ કરેલી છે : “જે અંતર્મુખ થયો છે તે જ ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત્ત રહી કર્મ કરવા અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દષ્ટિ છે-એક સિક્કાનાં બે પાસાં છે.”±૪ વૈરાગ્યનું સાધનઃ ઈન્દ્રિયોના વિષયભોગથી મળતું સુખ નાશવંત છે. વારંવાર વિષય ભોગવવામાં આવે તો પણ તેની ક્યારેક તૃપ્તિ થતી નથી; અને જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપના આનંદની સરખામણીમાં વિષયભોગનું સુખ અતિશય તુચ્છ છે–એ ત્રણ પ્રકારના વિચારોને વૈરાગ્યની ઉત્પત્તિનાં સાધનો માનવામાં આવ્યાં છે. આથી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ વિચારોની વારંવાર રજૂઆત કરવામાં આવે છે. દા.ત., જગતનું બધું સુખ નાશવંત છે એ વિચાર રજૂ કરતાં ભાગવત કહે છે કે “આ જગતમાં કોઈ પણનો કોઈ પણની સાથેનો સહવાસ કાયમી નથી. પોતાના દેહનો સહવાસ પણ રહેવાનો નથી ત્યાં સ્ત્રી, પુત્ર ધનવૈભવ વગેરે (સુખનાં સાધનો)ના સહવાસની તો વાત શી કરવી ?"45 વિષયભોગથી મળતા સુખથી ક્યારેક તૃપ્તિ થતી નથી એ વિચાર મનુસ્મૃતિમાં આ રીતે રજૂ થયેલો છે “સારથિ જેમ ઘોડાઓને કાબુમાં રાખવા યત્ન કરે છે તેમ વિદ્વાને આકર્ષક વિષયોમાં ભટકતી ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા યત્ન કરવો.”૪૬ કારણ કે “વિષયભોગની કામના વિષયોના ઉપભોગથી શમતી નથી પણ ઊલટી, જેવી રીતે અગ્નિમાં ઘી જેવું હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે છે તેવી રીતે વધ્યે જાય છે.”૪૭ વિષયસુખ કરતાં આત્માનો આનંદ ક્યાંયે ચડિયાતી છે એ